અમદાવાદમાં આ સ્થળે ૧૮ કરોડ રૂપિયામાં વેચાયો એપાર્ટમેન્ટ, જુઓ કેવો છે ફ્લેટ..

photo courtsey the banyan 18 website
Spread the love

અમદાવાદમાં મોંઘા અને પોશ ફ્લેટ્સનો ટ્રેન્ડ દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ કોઈ એક ઉદ્યોગ પર નભતું શહેર નથી એટલે આ શહેરમાં કદી મંદી જોવા નથી મળતી.

એકતરફ સુરતમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં મોટા પ્રમાણમાં મંદી છે ત્યારે અમદાવાદમાં કરોડોના ફ્લેટ્સની દિવસે ને દિવસે નવી નવી સ્કીમો આવતી જાય છે.

અમદાવાદના ઇસ્કોન સર્કલથી બોપલ – આંબલી સુધીના ૩ કિમીના રસ્તા પર બન્ને તરફ જોરદાર પોશ અને હાઈફાઈ રેસીડેન્શિયલ અને કમર્શિયલ પ્રોજેક્ટ્સ આકાર લઇ રહ્યા છે. ઇસ્કોન આંબલી રોડ પર અમદાવાદના સૌથી મોંઘા ફ્લેટ્સ બની રહ્યા છે.

આ રોડ પર ફાઈવ સ્ટાર હોટલ, અલ્ટ્રા લકઝરીયસ અપાર્ટમેન્ટ, VIP બંગ્લોઝ, ઓફિસીસ – શોરૂમ – કમર્શિયલ સ્પેસ છે, ત્યારે અગાઉ જ આ રોડ અંગે મોજે ગુજરાત સ્ટોરી કરી ચુક્યું છે જેમાં ૧૫ કરોડ સુધીના ફ્લેટ્સની વાત કરી હતી.

પરંતુ બજારમાં ચાલી રહેલી ચર્ચા અનુસાર અમદાવાદમાં આંબલી રોડથી રાજપથ રોડ વચ્ચે ચાલી રહેલા પ્રોજેક્ટ ‘ધ બન્યાન’માં એક ઉદ્યોગપતિએ ૧૮ કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે.

‘ધ બનિયાન’ પ્રોજેક્ટમાં ૧૩ – ૧૩ માળના બે ટાવર છે જેમાં કુલ ૧૮ ડુપ્લેક્ષ ફ્લેટ બની રહ્યા છે, જેમાં દરેક ફ્લેટની એક પર્સનલ લિફ્ટ પણ આપવામાં આવી છે.

કુલ ૭૫૦૦ વાર એટલે કે ૧.૫૫ એકર જગ્યામાં આ પ્રોજેક્ટ આકાર લઇ રહ્યો છે અને તેમાં દરેક ફ્લેટ 5 બીએચકે છે જેમાં ત્રણ લિવિંગ, એક ડાઈનીંગ, પાંચ બેડરૂમ, કિચન તથા હોમ થીએટર છે.

દરેક ફ્લેટને છ કારનું પાર્કિંગ આપવામાં આવ્યું છે તથા દરેક ફ્લેટ ૧૧ હજાર સ્ક્વેર ફૂટ એટલે કે ૧૨૨૨ વાર જેટલો સુપર બિલ્ટ- અપ એરિયા ધરાવે છે. જ્યાં ૧૦ હજારથી ૧૩ હજાર રૂપિયા પ્રતિ સ્ક્વેર ફૂટના ભાવે ફ્લેટ વેચાઈ રહ્યા છે.

આ એપાર્ટમેન્ટમાં ક્લબ હાઉસ, સ્પા, જીમ, ટેમ્પરેચર કંટ્રોલ પુલ, લાઈબ્રેરી, સેવન ટીયર સિક્યુરીટી સહિતની સુવિધાઓ છે. તો ડબલ હાઈટ એટલે કે ૨૨ ફૂટની ઊંચાઈ ધરાવતી બાલ્કની છે.

અમદાવાદમાં આ કિંમતના ફ્લેટ્સની ડીમાંડ વધી રહી છે, આ કિંમતે બંગ્લો મળી જવા છતાં ફ્લેટ ખરીદવાનું મુખ્ય કારણ સલામતીનું હોય છે, તો જે સુવિધા તથા સાઈઝ અને હવા ઉજાસ જે તે કિંમતે અપાર્ટમેન્ટમાં મળી રહે છે તે બંગ્લોઝમાં નથી મળી શકતી.

નોંધનીય છે કે ઇસ્કોન સર્કલથી આંબલી વચ્ચે, રાજપથ ક્લબથી રિંગ રોડ વચ્ચે, સિંધુ ભવન રોડની આજુબાજુ તેમજ થલતેજ – હેબતપુર – ઝાયડસ રોડ, પ્રહલાદનગર, બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર, નવરંગપુરા, આંબાવાડી જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં કરોડોના ફ્લેટ્સની સ્કીમ્સ આકાર લઇ રહી છે.

photo coutsey : thebanyan18 website

તો અમદાવાદમાં ફ્લેટ્સના ટ્રેન્ડ વધવાની સાથે હાઈટનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે, અનેક પ્રોજેક્ટ્સમાં જેમ જેમ ઉપરના માળે મકાન જતું જાય તેમ તેમ તેની કિંમત વધતી જાય તેવું પણ જોવા મળી રહ્યું છે.

ત્યારે હવે અમદાવાદમાં ૧૮ કરોડનો ફ્લેટ વેચાવાની સાથે નવા જ ઈતિહાસની શરુઆત થઇ રહી છે તે હજુ કેટલે આગળ સુધી જાય છે તે જોઈએ.