અડાલજની કોંગ્રેસની ઐતિહાસિક સભાના સફળ આયોજન પાછળ છે આ કારણ..

Spread the love

૧૨ માર્ચ અને મંગળવાર કોંગ્રેસ માટે ગુજરાતમાં ઐતિહાસિક બની રહ્યા. કોંગ્રેસ કાર્યકારિણીની બેઠક, ગાંધી આશ્રમની મુલાકાત અને બાદમાં જનસંકલ્પ રેલી…

અડાલજ ખાતે કોંગ્રેસ પક્ષની જનસંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સ્ટેજ પર રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ડૉ મનમોહનસિંહ, પ્રિયંકા ગાંધી તેમજ કોંગ્રેસના અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ અને મોટા રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા હતાં.

આ સભામાં કહેવાય છે કે અંદાજીત ચાર લાખ કરતાં પણ વધુ લોકો હાજર રહ્યા હતાં. વિશાળ મેદાનમાં, ચિક્કાર જનમેદની સાથેની આ સભાએ ગુજરાતમાં યોજાયેલી અત્યારસુધીની દરેક રાજકીય સભાઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

ગુજરાત કે જેને ભાજપનો ગઢ કહેવાય છે ત્યાં અત્યારસુધીમાં કદી ભાજપ કે નરેન્દ્ર મોદીની પણ નથી યોજાઈ તેવી સભા કોંગ્રેસની યોજાઈ હતી. દોઢ લાખ ખુરશીઓ તો ભરાઈ જ ગઈ હતી પણ તેના કરતાં બે ગણા લોકો તો ઉભા હતાં.

ભારે ચિચિયારીઓ, ઉત્સાહ, જોશ અને એક અલગ જ માહોલ સાથેની આ સભાએ ઘણી ચર્ચાઓ જગાવી હતી. ગુજરાતના સેન્ટરમાં રહેલી આ સભા ઘણી અસરકારક પણ રહી.

ધરમપુરમાં પણ રાહુલ ગાંધીની એક સફળ સભા યોજાઈ પરંતુ તેમાં પ્રદેશ કોંગ્રેસે સ્થાનિક સંગઠન પાસેથી કામ લેવાનું હતું જયારે કે આ સભામાં સીધી જ કામગીરી પ્રદેશની આવતી હતી.

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા માટે પ્રમુખ બન્યા બાદ રાહુલ ગાંધીની પ્રથમ સભા હતી જેમાં તેમની સીધી જ જવાબદારી અને કામગીરી હતી. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વ, કામગીરીમ ક્ષમતા અને અસ્તિત્વ પર સવાલ ઉઠાવતા લોકોને અમિત ચાવડાએ પણ પોતાની ક્ષમતા ચૂંટણી અગાઉ બતાવી દીધી.

તે વાત જરૂરથી છે કે અમિત ચાવડા બોલવામાં કે પબ્લિસિટીમાં ઘણા પાછળ રહી જાય છે પરંતુ તેમની કુશળતા સંગઠનમાં અને સંગઠનાત્મક કામગીરીમાં વધારે છે.

માઈક્રો મેનેજમેન્ટ, યોગ્ય સંકલન, દિવસ રાત મહેનત, સમપર્ણ અને કમિટમેન્ટથી કામ કરવાની અમિત ચાવડાની પદ્ધતિ આટલી વિશાળ સભાના પડકારને ઝીલી શકી.

 

આ સભા માત્ર રાહુલ ગાંધી જ નહીં પણ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહનસિંહ સહીત કોંગ્રેસના અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રીઓ અને રાષ્ટ્રીય હોદ્દેદારોની હાજરીમાં હતી, એટલે જ્યાં મહેમાન આટલા મોટા હોય ત્યાં આયોજન પણ જબરદસ્ત જ હોવું જોઈએ.

આ સભામાં ઉત્તર ગુજરાતથી મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતાં, ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા માટે આ સ્થળ વધુ નજીકનું હતું, તો ગાંધીનગર જિલ્લાથી પણ ઘણા લોકો આવ્યા હતાં.

આ માટે લોકોને બેસવા માટે દોઢ લાખ કરતાં વધુ ખુરશીની વ્યવસ્થા હતી, લાખો લોકો એક સ્થળે હોવા છતાં ટ્રાફિકની અવ્યવસ્થા ના સર્જાય તે માટે પાર્કિંગ વ્યવસ્થા ઉપરાંત સ્વેચ્છાએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટે અમદાવાદ ઉપરાંતના શહેરોમાં લોકો સુધી પબ્લિસિટી કરવામાં આવી હતી.

આટલું મોટું આયોજન એટલું સરળ નથી હોતું, તેના પાછળ અનેક દિવસોની મહેનત લાગેલી હોય છે.

ગુજરાતના ઈતિહાસની સૌથી મોટી રાજકીય સભા કરવાનો કોંગ્રેસનો દાવો હતો અને તે દાવા પર ગુજરાત કોંગ્રેસ ખરું ઉતર્યું.

પ્રમુખ અમિત ચાવડાએ તેમની સંગઠનની કાબેલિયત અનુસાર આ કામગીરીની અલગ અલગ લોકોને વહેંચણી કરીને વ્યવસ્થાતંત્ર પર છેક સુધી ધ્યાન રાખ્યું, નિરીક્ષણ કર્યું અને કોઈ જ કચાશ કે ચૂક રાખ્યા વગર સંપૂર્ણ સફળતાપૂર્વક આ ઐતિહાસિક, અભૂતપૂર્વ સભાનું વટ, વચન અને વાયદામાં પાક્કા રહીને આયોજન કરી બતાવ્યું.