એક જ સમયે મોદી શપથ લઇ રહ્યા હશે અને દેશભરમાં ઈવીએમનો વિરોધ થતો હશે

Spread the love

૩૦ મે, ૨૦૧૯ ના રોજ નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેતા હશે અને બીજીતરફ દેશના અનેક શહેરોમાં ઈવીએમનો વિરોધ થતો હશે.

ઈવીએમ વિરોધી રાષ્ટ્રીય જન આંદોલનના મંચ હેઠળ અમદાવાદ, મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને હૈદરાબાદ સહિતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ગુરુવારે સાંજે ૫:૦૦ કલાકે મુંબઈમાં આઝાદ મેદાનમાં મોટા પ્રમાણમાં આંદોલનકારીઓ ભેગા થઈને ઈવીએમનો વિરોધ કરવા ભેગા થશે, સાથે જ અન્ય શહેરોમાં પણ આ કાર્યક્રમ યોજાશે.

તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તાજેતરની લોકસભા ચૂંટણીમાં ચોંકાવનારા પરિણામ આવ્યા છે, અમે કાયમથી માનતા આવ્યા છીએ કે ઈવીએમને ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં હેક કરવામાં આવે છે.

વધુમાં તેઓ જણાવે છે કે સોશિયલ મીડિયા પર પણ લોકોએ ઈવીએમને લગતી પોસ્ટ કરી છે, આપણે ઈવીએમ ખામીપૂર્વક ચાલતા જોયા છે, હોટલના રૂમોમાંથી ઈવીએમ મળવાની બાબતો સામે આવી છે.

અમદાવાદમાં ગુરુવારે સાંજે ૫:૦૦ કલાકે સરદારબાગ લાલદરવાજા ખાતે ઈવીએમ વિરુદ્ધ પ્રદર્શન કરશે.

દિલ્હીમાં જંતર મંતર પર આ પ્રદર્શન કરવામાં આવશે.