અમદાવાદનું નામ કર્ણાવતી થશે તો સામાન્ય જનતાએ ભોગવવી પડશે આ તકલીફો..

Spread the love

છેલ્લા ૨૩ વર્ષના શાસન બાદ પણ ભાજપ પાસે જનતાને બતાવવા પૂરતા કામો ના હોવાને કારણે હવે તે અમદાવાદનું નામ કર્ણાવતી કરીને સંસ્કૃતિના નામે વોટ મેળવવા હવાતિયા મારી રહી છે.

અમદાવાદના લોકોના વોટ ભાજપને મળતા હોવા છતાં મતોના વિભાજન માટે હિન્દુવાદની વાતો કરીને અમદાવાદનું નામ કર્ણાવતી કરવા આગળ વધી રહી છે.

ભાજપના આ નિર્ણયની સામે અમદાવાદના શહેરીજનોમાં ભારે રોષ છે, અમદાવાદમાં હજારો લોકોએ ઓનલાઈન પીટીશન દ્વારા આ નિર્ણયનો વિરોધ કર્યો છે તો સામે છેડે કર્ણાવતીના સમર્થનમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો સિવાય કોઈ કશું બોલી નથી રહ્યા.

સોશિયલ મિડિયા પર લોકો વિવિધ હેશ્ટેગ, ફ્રેમ, પિક્ચર્સ દ્વારા સરકાર સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઇતિહાસના અધૂરા જ્ઞાનને કારણે ભાજપની પિન કર્ણાવતી નામ પર જઈને અટકી છે, બાકી જો સાચો ઈતિહાસ જાણીએ તો અમદાવાદ શહેર મૂળ આશાવલ્લી નગરી હતું અને આશાવલી નગરી પણ હિંદુએ જ સ્થાપેલી તો પછી મૂળ નામ કરવાનું હોય કે અધવચ્ચેનું ?

હકીકતમાં આ ભાજપની સરકાર જ દરવર્ષે અહમદ શાહે સ્થાપેલા અમદાવાદની તારીખ પ્રમાણે અમદાવાદના જન્મદિનની ઉજવણી ૨૬ ફેબ્રુઆરીએ કરે છે. તો હવે અચાનક કર્ણાવતી નામનું ભૂત કેમ વળગ્યું ?

હવે આમ તો ભારે વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે તો હેરીટેજ સિટી ઉપરાંત અનેક કાયદાકીય ગૂંચવણ પણ રહેશે, તેમ છતાં જો ભાજપની સરકાર અમદાવાદનું નામ કર્ણાવતી કરે છે તો જાણો લોકોએ શું તકલીફ ભોગવવી પડશે.

સરકારી ડોક્યુમેન્ટ્સ જેવાં કે પાન કાર્ડ, આધાર કાર્ડ, લાઈસન્સ સહિતના ડોક્યુમેન્ટ્સમાં શહેરનું નામ બદલાવવું પડશે. હવે કોઈ વ્યક્તિગત અરજી થતી હોય છે નામ બદલવા માટે તો પણ વર્ષો બાદ પણ ઉકેલ નથી આવતો તો આટલી લાખો લોકોની તો શું હાલત થશે.

સ્કુલ – કોલેજ – નોકરી સ્થળે આઈકાર્ડ, વેપારીઓને તેમના દુકાનોના બોર્ડ – પાટિયા, ઉત્પાદિત થતી ચીજ વસ્તુઓના રેપર પર એડ્રેસ, બિલ બુક, હજારો – લાખો કંપનીઓએ તેમના ડેટામાં રહેલા સરનામાંની અંદર, દેશ દુનિયામાં રજીસ્ટર થયેલા સરનામાં બદલવા અમદાવાદથી બદલી કર્ણાવતી કરવું પડે. શહેરમાં જાહેર સ્થળો અને સેવાઓના નામ – પાટિયા બદલવા પડશે.

લોકોને મોટાપાયે હાલાંકી ભોગવવી પડે, સમય બગડે, નાણા બગડે, કામકાજ બગડે.. કરોડો માનવ કલાકોનો વ્યય થાય, એક તો આમપણ દેશ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે વધુ એક તકલીફ આવી જાય.

તો વર્ષોના વર્ષોથી એક જ નામે ઓળખાતા શહેરનું નામ ‘અમદાવાદ’ દુનિયાભરમાં પ્રખ્યાત થઇ ગયા બાદ તેનું નામ બદલાય અને કર્ણાવતી થાય તો એક જ ઝાટકે બધાને આ જાણ નહીં થઇ જાય એટલે અમદાવાદના લોકોને દેશ અને દુનિયામાં પોતાની ઓળખ આપવામાં કન્ફયુઝન ઉભી થાય.

તો અમદાવાદ નામે રહેલી સરકારી / સહકારી સંસ્થાઓ, પ્રાઈવેટ કંપનીઓ – સંસ્થાઓના નામ બદલવા પડે અથવા તો તે નોન રેલેવંટ થઇ જાય.

લોકોની લાગણી અને ભાવના જુના નામ સાથે જોડાયેલી હોય. લોકો અમદાવાદી તરીકે ઓળખાય છે ત્યારે જો એક વખતને માટે કર્ણાવતી નામ થઇ જાય તો પણ લોકોના મનમાં તો ‘અમદાવાદ’ જ રહેશે.

તો બીજીતરફ કોર્ટમાં અરજીથી લઈને વિરોધ રજુ કરવા માટે અમદાવાદીઓ તૈયાર થઇ ગયા છે, સરકારના એક નિવેદન સામે હજારો લોકો સક્રિય થવા લાગ્યા છે હવે આ કારણથી ભાજપ પણ આગળના પગલા લેવામાં ગભરાઈ રહી છે, તો સોશિયલ મિડિયા પર ભાજપના હોદ્દેદાર હોવા છતાં સરકારની આ વાતનો તેઓ ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા હોવાનું પણ જોવા મળી રહ્યું છે.

અમદાવાદના લોકો આમ પણ ભાજપને જ મત આપે છે, આવનારી લોકસભા ચૂંટણીમાં અમદાવાદમાં ભાજપને કોઈ તકલીફ પડે તેમ ના હોવા છતાં હવે જો આવું પગલું ભરશે તો એટલે યાદ રાખે કે ‘અમદાવાદી’ ઓળખ દરેક શહેરીજનની છે, તેમાં બધા ધર્મ અને સમુદાયના લોકો આવી ગયા.

હવે હિન્દુવાદની વાતો કરીને ભાજપ નામ બદલશે તો કોઈ એક કોમ નહીં પણ મોટાભાગના અમદાવાદીઓ નારાજ થશે અને તેમાં ભાજપ સમર્થક વર્ગ પણ આવી ગયો. ત્યારે પાસા અવળા પડ્યા તો ખોટેખોટું જોખમ ખેડીને ભાજપ મોટો ફજેતો સામે ચાલીને વહોરશે.