હાર્દિક માટે અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક કેમ છે વટનો સવાલ ? જાણો

Spread the love

લોકસભા ચૂંટણી ૨૦૧૯ નું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ચૂંટણી પ્રચાર જામી રહ્યો છે. ઉમેદવારો જાહેર થઇ ચુક્યા છે અને ૨૩ મીએ મતદાન છે. તો ગુજરાતમાં કોંગ્રેસે પાટીદારોને આ વખતે ભાજપ કરતાં ૩ વધુ ટીકીટો આપી છે.

ભાવનગરમાં ભાજપના કોળી ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર છે, સુરતમાં પણ ભાજપના અનાવિલ ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર છે અને બરોડામાં ભાજપના ઈતર જ્ઞાતિના ઉમેદવાર સામે કોંગ્રેસના પાટીદાર ઉમેદવાર છે.

બાકી અમદાવાદ પૂર્વ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, અમરેલી જેવી બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ તેમ બન્નેના ઉમેદવારો પાટીદાર છે.

હવે હાર્દિક પટેલ ખુદ જામનગર લોકસભા લડી શક્યો નથી, કોર્ટની મંજુરી ના મળવાના કારણે હાર્દિક ચૂંટણી લડી શકે તેમ નહોતું ત્યારે હાર્દિકે તેની અવેજમાં અમદાવાદ પૂર્વમાં પાસ કન્વીનર ગીતાબેન પટેલ માટે ટીકીટ માંગી હતી.

અમદાવાદની ત્રણેય લોકસભા બેઠકોમાં અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસ માટે સૌથી પ્રબળ માનવામાં આવે છે. ત્યાં હાર્દિક પટેલની ટીમના ગીતાબેન પટેલને ટીકીટ આપવામાં આવી છે.

વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના અનેક યુવાનેતાઓને ટીકીટ આપવામાં આવી હતી તો લોકસભામાં પણ પાસના મહિલા આગેવાન ગીતાબેન પટેલને ટીકીટ આપવામાં આવી છે.

હવે હાર્દિકે જેને ટીકીટ અપાવી છે તે બેઠક પર જીતાડવાની જવાબદારી પણ તેની જ આવે છે, હાર્દિકને જામનગરથી ટીકીટ મળી હોત તો ત્યાં તે જીતીને બતાવી દેત પરંતુ હવે તેને ટીકીટ નથી મળી તો તેના માટે અમદાવાદ પૂર્વની સીટ સૌથી વધુ મહત્વની બની ગઈ છે.

અમદાવાદ પૂર્વ લોકસભામાં કોંગ્રેસની હાર થાય તો તે હાર્દિક માટે શરમજનક કહેવાશે, જો કોંગ્રેસના હિમાંશુ પટેલને ટીકીટ આપવામાં આવી હોત તો તેમણે અડધા મત વિસ્તારમાં પ્રચાર પણ કરવો ના પડેત એટલે સુધીની તૈયારી હતી ત્યારે એક મૂળ કોંગ્રેસીને કાપીને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરને ટીકીટ આપવામાં આવી છે તો પરિણામ પણ આપવું પડશે.

હાર્દિક માટે હવે કોંગ્રેસમાં પ્રવેશ બાદ આ બેઠક એક ચેલેન્જ તરીકે જોવામાં આવે છે, અમદાવાદ પૂર્વ લોકસભામાં પાટીદારોના મતો સૌથી વધારે છે અને અમદાવાદમાં જો ક્યાય આંદોલન થોડું ઘણું પણ જીવંત હોય તો અમદાવાદ પૂર્વ લોકસભાના વિસ્તારોમાં જ છે.

આમ પોતાની ટીમના વ્યક્તિને અમદાવાદ પૂર્વની બેઠક પરથી ટીકીટ અપાવીને જીત અપાવવા માટેનો હાર્દિકને વટનો સવાલ બની ગયો છે તે નક્કી છે.