અલ્પેશ કથીરિયા ‘ગબ્બર’ના જામીન HC માં મંજુર, પણ સુરત નહીં આવી શકે.. જાણો

Spread the love

પાટીદાર અનામત આંદોલનના સુરતના કન્વીનર અલ્પેશ કથીરિયાની છેલ્લા ઘણા સમયથી જામીન અરજી પર સુનવણી ચાલી રહી હતી ત્યારે હવે તેના માટે રાહતના સમાચાર આવ્યા છે.

Alpesh Kathiriya

રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરિયાના જામીન હાઈકોર્ટે મંજુર કર્યા છે, શરતોના આધાર પર તેના જામીન મંજુર કરવામાં આવ્યા છે.

અલ્પેશ કથીરિયા આજ સાંજ અથવા ગુરુવાર બપોર સુધીમાં જેલ મુક્ત થઇ શકે છે, તો જામીન મળ્યા બાદ હજુ પણ તે સુરત તો નહીં જ આવી શકે.

કેમ નહીં આવી શકે સુરત ?

અલ્પેશ કથીરિયાને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીનમાં શરત છે કે તે છ મહિના સુધી સુરત નહીં પ્રવેશી શકે. એટલે કે આજના દિવસથી છ મહિના સુધી તે સુરતની બહાર રહેશે.

તો સુરતમાં ટ્રાફિક પોલીસ સાથે ઘર્ષણ બાદ તેમની ધરપકડ થઇ હતી, અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને જેલ હવાલે મોકલી દીધા હતા. એક કેસમાં જામીન મળ્યા બાદ તે રાજદ્રોહના ગુનામાં જેલમાં બંધ હતો.

ત્યારે સ્થાનિક કોર્ટ બાદ તેણે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી, છેલ્લા ઘણા સમયથી ચુકાદો આવવાની રાહ જોવામાં આવી રહી હતી. તો આ ચુકાદા બાદ સુરત સહિતના પાટીદાર આંદોલનકારી યુવાનોમાં ખુશીની લ્હેર જોવા મળી રહી છે.

ત્યારે છ મહિનાની શરત સિવાય હાઈકોર્ટે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે તેમાં ચુકાદો નથી આવ્યો એટલે તપાસ અધિકારીઓને સહકાર આપવાનો, સાક્ષીઓને હેરાન ના કરવા, પુરાવો સાથે ચેડા ના કરવા જેવી, ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના કે હિંસક ઘટના ના કરવી, કોર્ટના નિયમોનું પાલન કરવું જેવી શરતોને આધીન અલ્પેશ કથીરિયાને જામીન મંજુર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, પોલીસ સાથે કથિત રીતે ગેરવર્તણૂક કરવાના આરોપ તેમજ  આઝાદીના દુરુપયોગના આરોપને લઇને સરકારે સુરત કોર્ટમાં જામીન રદ્દ કરવા અરજી કરી હતી ત્યારબાદ સુરત સેશન્સ કોર્ટે અલ્પેશના જામીન રદ્દ કર્યા હતા. જેથી અલ્પેશે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી.

૨૬ જુલાઈએ રાજદ્રોહ કેસ અંતર્ગત અલ્પેશ કથીરિયાની જામીન અરજી પર હાઈકોર્ટમાં દલીલો પૂર્ણ થઇ હતી, ત્યારે સરકારે અલ્પેશની જામીન અરજીનો વિરોધ કર્યો હતો તો અલ્પેશ તરફથી અન્ડરટેકિંગ આપવામાં આવ્યું હતું.

તો અલ્પેશે જે પોલીસ સાથે ગેરવર્તણુક કરી હતી તે હવે નહીં કરે તેવી બાહેંધરી અલ્પેશ તરફથી પણ આપવામાં આવી હતી, તો કોર્ટની તમામ શરતોનું પાલન કરવાની પણ બાહેંધરી આપી હતી.

તો જીએમડીસી ગ્રાઉન્ડ પર સભા બાદ થયેલા તોફાન સંદર્ભે અલ્પેશ સામે રાજદ્રોહનો ગુનો નોંધ્યો હતો અને સુરતમાં હાર્દિક પટેલ સહીત આંદોલનકારી યુવાનો અને અલ્પેશ સામે જે ગુનો નોંધાયેલો તેના અંતર્ગત ગત વર્ષે હાર્દિકના ઉપવાસ અગાઉ અલ્પેશની ધરપકડ કરી લેવામાં આવી હતી.