અલ્પેશ ઠાકોર પડ્યા એકલા, કોંગ્રેસે ખેલી આ મોટી ચાલ..

Spread the love

હાર્દિક પટેલ પાટીદાર આંદોલનને સમગ્ર ગુજરાતમાં લઇ જાય છે, ૨૫ ઓગસ્ટ, ૨૦૧૫ ના રોજ જીએમડીસી મેદાન ખાતે સભાની જાહેરાત કરે છે અને સામે ઓ.એસ.એસ. નામનું સંગઠન લઈને આવે છે અલ્પેશ ઠાકોર.

પહેલા ઓબીસી, એસ.સી., એસ.ટી. એકતા મંચ અને પછી ઠાકોર સેના સાથે અલ્પેશ પણ કરે છે જીએમડીસીમાં સભા. જો કે હાર્દિકની સભા સામે તો આ કશું ય ના કહેવાય.

બાદમાં સરકાર સામે વિવિધ મુદ્દે આંદોલન ચલાવે છે અને બાદમાં રાહુલ ગાંધી સ્પેશિયલ ગાંધીનગર આવે છે અને અલ્પેશ ઠાકોર જોડાઈ જાય છે કોંગ્રેસમાં.

કોંગ્રેસમાં જોડાવાની સાથે અલ્પેશ ઠાકોરને મળે છે રાધનપુર વિધાનસભાની ટીકીટ સાથે જ તેના અનેક સાથીઓને ટીકીટ મળે છે. ચૂંટણી બાદ પણ કોંગ્રેસે એ.આઈ.સી.સી.માં સેક્રેટરી બનાવ્યા, બિહારના સહપ્રભારી બનાવ્યા. આટલું તો કોઈ સીનીયર નેતાને ય સ્થાન નથી મળ્યું એટલું અલ્પેશ ઠાકોરને એક વર્ષમાં મળી ગયું.

છતાય અલ્પેશ તો કહેતા રહ્યા કે મારું અપમાન થયું, દગો થયો. હવે આ અલ્પેશ ઠાકોરે આપી દીધું કોંગ્રેસથી રાજીનામું, પછી હાઈકોર્ટમાં કહ્યું કે મેં નથી આપ્યું રાજીનામું એટલે કોંગ્રેસે જોરદાર બાજી રમતા રાજ્યસભા ચૂંટણી માટે અલ્પેશ ઠાકોરને મોકલ્યો વ્હીપ.

હવે આ વ્હીપથી વિરુદ્ધ આપીને અલ્પેશ ઠાકોરે ધારાસભ્ય પદેથી આપી દીધું રાજીનામું, પણ કોંગ્રેસ આ અંગે વ્હીપના અનાદરની કાયદાકીય કાર્યવાહીની કરી રહી છે વાત.

સામે છેડે અલ્પેશ ઠાકોરની ટીમના લોકોને ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં રાધનપુર, બાયડ, બેચરાજી, વાવ, ખેરાલુ, ગાંધીનગર દક્ષિણ સહીત અનેક બેઠકો પર ટીકીટ આપવામાં આવી હતી.

અલ્પેશ ઠાકોર પણ રાજ્યસભા ચૂંટણી અગાઉ ૧૫ ધારાસભ્યો ક્રોસ વોટીંગ કરશે તેવી વાતો કરી રહ્યા હતા, પણ આ બધી વાર્તાઓ નીકળી. ગેનીબેન ઠાકોર સહીત અનેક ધારાસભ્યોએ અલ્પેશના સમર્થનમાં રાજીનામું આપવાની ના પાડી દીધી હતી.

છેલ્લે એવું કહેવાઈ રહ્યું હતું કે કઈ નહીં તો હવે ૨ ધારાસભ્યો તો કોઇપણ રીતે અલ્પેશ ઠાકોર માટે કોંગ્રેસ છોડી જ દેશે અને તેમાં અલ્પેશ સાથેના ખાસ બે ધારાસભ્યોમાં નામ હતા ધવલસિંહ ઝાલાનું અને ભરતજી ઠાકોરનું.

ત્યારે રાજ્યસભાની ચૂંટણીના દિવસે અલ્પેશ ઠાકોર સાથે રાજીનામું આપ્યું માત્ર એક બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ, અલ્પેશ ઠાકોરને પોતાના રાજકીય માર્ગદર્શક કહેતા ભરતજી ઠાકોરે પણ ના આપ્યું રાજીનામું.

કોંગ્રેસ પક્ષે અલ્પેશના સમર્થનમાં ૧૫ ધારાસભ્યોથી આ આંકડો માત્ર એક ધારાસભ્ય પર લાવી દીધો. ભરતજી ઠાકોર પર બેચરાજીના સ્થાનિક લોકોનો આગ્રહ હતો કે તેઓ રાજીનામું આપીને પ્રજાદ્રોહ ના કરે તો તેઓને કોંગ્રેસ પક્ષે પણ સાચવી રાખ્યા અને અલ્પેશ ઠાકોરની રાહે તેઓએ રાજીનામું ના આપ્યું.

આમ આ કોઈ મોટો બળવો ના થયો, કોઈ મોટી અસર ના ઉપજાવી શક્યા, આમ પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા તો છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની વિરુદ્ધ નિવેદનો આપતા હતા એટલે એમના રાજીનામાંથી કોઈ મોટી નવાઈ પણ નથી પામ્યા.

સરકારી કર્મચારીઓના, દારુબંધીના, વ્યસન મુક્તિના અને વિવિધ મોરચા લઈને નીકળેલા અલ્પેશ ઠાકોરના વિવિધ આંદોલનોથી શું પરિણામ મળ્યું એ જ રીતે કોંગ્રેસમાં મોટી સંખ્યામાં ધારાસભ્યો નારાજ હોવાની તેમની વાતોનું કઈ પરિણામ ના મળ્યું.

હવે ભાજપમાં પણ શું તેમને આટલું મોટું સ્થાન મળશે ? ભાજપમાં તેઓ કેમ જોડાઈ નથી રહ્યા ? ત્યાં હવે કેટલું મહત્વ મળશે ? તેના પર પણ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યા છે. કારણકે ત્યાં તો પ્રવેશ મેળવ્યા વગર જ તેમણે જુગલજીને મત આપવો પડ્યો છે, આ વાતનું શું મહત્વ છે તે જાણકારોને સારી રીતે જ ખબર હશે.