તો અલ્પેશ ઠાકોર ભાજપમાંથી નહીં લડી શકે રાધનપુર બેઠકથી પેટા ચૂંટણી

Spread the love

ગુજરાતમાં પાટીદાર આંદોલનનો વિરોધ કરીને બાદમાં હાર્દિક પટેલ સાથે મિત્રતા કરીને રોજ રોજ અલગ અલગ વાતો લાવીને સમાચારમાં ચમકતા રહેતા અલ્પેશ ઠાકોરે વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પ્રવેશ મેળવ્યો, કોંગ્રેસથી ટીકીટ મેળવી.

રાધનપુર વિધાનસભાથી પોતે તો ટીકીટ લીધી પણ અન્ય ટેકેદારોને પણ વિવિધ બેઠકોથી ટીકીટ અપાવીને અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં પોતાની મનમાની ચલાવી.

જો કે સમય જતા કોંગ્રેસે દરેક વાત પર મનમાની સહન કરવાની બંધ કરી અને આખરે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું.

કોંગ્રેસમાંથી રાજીનામાં બાદ હવે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે.

અલ્પેશ ઠાકોરે હવે ભાજપમાં નવેસરથી ઇનિંગ શરુ કરવાની છે ત્યારે તેને રાજ્ય સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવે તેવી વાતો ચાલી રહી છે.

જો કે કોંગ્રેસે આટઆટલું આપવા છતાં નારાજ રહેલા અલ્પેશ ઠાકોરને કમસેકમ પહેલા હતું કોંગ્રેસમાં જે સ્થાન તે ધારાસભ્ય પદ તો જોઇશે જ.

અલ્પેશ ઠાકોર રાધનપુર વિધાનસભા બેઠકથી લડીને કોંગ્રેસથી ધારાસભ્ય બન્યા હતા જો કે હવે ભાજપમાંથી તેમને આ વિધાનસભા બેઠકથી પેટા ચૂંટણીમાં ટીકીટ ના પણ મળી શકે.

અલ્પેશ ઠાકોરના રાજીનામાંથી ખાલી પડેલી રાધનપુર વિધાનસભા બેઠક પર થનારી પેટા ચૂંટણીમાં હવે ભાજપમાંથી અલ્પેશ ઠાકોરને બદલે શંકર ચૌધરીને ટીકીટ આપવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે શંકર ચૌધરી ભાજપના કદ્દાવર નેતા છે અને ગત ૨૦૧૭ ની ચૂંટણીમાં તેમની વિરુદ્ધ ભારે રોષ અને વિરોધ હોવાને કારણે ગેનીબેન ઠાકોર સામે વાવ વિધાનસભામાં તેમની હાર થઇ હતી.

ત્યારે પક્ષ શંકર ચૌધરીને મેદાને ઉતારીને ફરીથી વિધાનસભામાં લાવીને મંત્રી બનાવવા માંગતી હોય તેવું દેખાઈ રહ્યું છે.

તો અલ્પેશ ઠાકોર ક્યાંથી લડશે પેટા ચૂંટણી ?

પાટણ લોકસભામાં સાંસદ તરીકે ચૂંટાઈ આવનારા પૂર્વ ધારાસભ્ય ભરતસિંહ ડાભીની ખાલી પડેલી વિધાનસભા બેઠક ખેરાલુથી તેઓ ચૂંટણી લડી શકે છે.

ખેરાલુ વિધાનસભા બેઠક પાટણ લોકસભા અને મહેસાણા જિલ્લામાં આવેલી છે. આ બેઠક પર ઠાકોર મતદારોની વસ્તી ઘણી વધારે છે તેમજ ભાજપ વર્ષોથી આ બેઠક જીતતું આવે છે.

ત્યારે અંતિમ નિર્ણય ભાજપના મોવડી મંડળ પર છે પરંતુ રાધનપુર બેઠકથી પેટા ચૂંટણી લડવી અલ્પેશ ઠાકોરને પણ અઘરી પડી શકે છે.

ભાજપે આ બેઠક બચાવવી હોય તો શંકર ચૌધરી જ સૌથી મજબુત વિકલ્પ છે તો સામે અલ્પેશ ઠાકોર માટે વધુ સારી બેઠક ખેરાલુ છે ત્યારે આવનારા સમયમાં શું સમીકરણો રચાય છે તે જોવું રહ્યું.