ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે અમિત ચાવડાની થઇ નિમણુંક, જાણો કેમ કરાઈ તેમની પસંદગી

Amit Chavda
Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણુક કરવામાં આવી છે. અમિત ચાવડા મધ્ય ગુજરાતના બાહુબલી નેતા કહેવાય છે.

તાજેતરમાં જ પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આપેલા રાજીનામાં બાદ નવા પ્રદેશ પ્રમુખ તરીકે કોણ બેસશે તેવી અટકળો ચાલતી હતી તેની વચ્ચે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની નિમણુંકની કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે અમિત ચાવડા આ વિધાનસભાની ચૂંટણીમાં સતત ચોથીવાર જંગી બહુમતીથી આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

કેમ કરવામાં આવી તેમની પસંદગી ?

અમિત ચાવડા ભાજપના ગમે તેવા વેવમાં પણ જંગી બહુમતીથી આંકલાવ વિધાનસભાથી જીતતા આવતા નેતા છે, તેઓ મૂળ કોંગ્રેસી છે. તેમના પિતા ઈશ્વરસિંહ ચાવડા ગુજરાતની માધવસિંહ સરકારમાં મંત્રી રહી ચુક્યા છે. નોંધનીય છે કે તેઓ અને ભરતસિંહ સોલંકી પિતરાઈ ભાઈ થાય છે. છેલ્લા એક વર્ષમાં ગુજરાત કોંગ્રેસની રાજકીય ગતિવિધિઓમાં અમિત ચાવડાનો દબદબો વધ્યો હતો. માત્ર ગુજરાત નહી પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં પણ અમિત ચાવડાનું સ્થાન મોટું થયું હતું ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકી પછી જો કોઈ શ્રેષ્ઠ કામગીરી કરી શકે તેવું નામ હોય તો તેમાં અમિત ચાવડાનું નામ મોખરે બોલાતું હતું.

પાછલા એક વર્ષમાં અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસમાં નંબર ૨ ના નેતા ગણવામાં આવતા હતા, ભાજપમાંથી ઘણા નેતાઓને કોંગ્રેસમાં લાવવા ઉપરાંત ટીકીટની વહેંચણીથી લઈને પ્રચાર પ્રસારની મોટી જવાબદારી તેમના શિરે હતી. તેઓ તેમને સોંપવામાં આવેલા દરેક કામમાં યોગ્ય સાબિત થયા હતા, જેથી હાઈકમાન્ડે કોંગ્રેસ પક્ષ માટેના ઘણા અગત્યના સમયમાં તેઓને મોટી જવાબદારી સોંપી છે.

જો અમિત ચાવડાની રાજકીય શક્તિ જોઈએ તો તેમની આંકલાવ વિધાનસભા કોંગ્રેસનો સૌથી મજબુત ગઢ માનવામાં આવે છે, આ બેઠક પર ભાજપ હારવાની તૈયારીથી જ ઉમેદવાર ઉભા રાખતી હોય છે, આંકલાવના ભાજપના કાર્યકરો પણ અમિત ચાવડાને બાહુબલી નેતા માને છે. ઉપરાંત આ વિસ્તારમાં ભાજપ પ્રચાર પણ સારી રીતે કરી શકતી નથી. આ માટે અમિત ચાવડાની બાહુબલી ઈમેજ ઉપરાંત પ્રજામાં તેઓની લોકપ્રિયતા પણ મોટું સ્થાન ધરાવે છે.

જમીન સાથે જોડાયેલા નેતા

અમિત ચાવડા જમીન સાથે જોડાયેલા નેતા કહેવાય છે, અમિત ચાવડા તેમની વિધાનસભાના દરેકે દરેક કાર્યકર સાથે સીધા સંપર્કમાં રહે છે, તેઓ દરેક કાર્યકરના કોઇપણ સમયે ફોન ઉઠાવે છે અને તેમને ત્યાં કોઇપણ પરિસ્થિતિમાં જઈને સાથે ઉભા રહે છે. ગુજરાતમાં કોંગ્રેસમાં કાર્યકર બેઝ જો કોઈ નેતા પાસે સૌથી વધારે હોય તો તે અમિત ચાવડા છે.