કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના પરિવારની ઈમાનદારીની જાણો આ વાત..!!

Spread the love

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાનું પદ ઘણું મોટું છે પરંતુ વ્યક્તિગત ધોરણે તેઓ ઘણા સરળ સ્વભાવના છે અને તેથી જ તેમને મળીને કોઇપણ કાર્યકર નિરાશ નથી થતો.

અમિત ચાવડા તેમની પાસે જતાં કાર્યકરને સાંભળે છે, કામ પણ કરે છે તથા સૌને માન આપીને સૌમ્ય ભાષામાં વાતચીત કરે છે, નાના મોટા હોદ્દા મેળવીને અહંકારમાં રાચવા લાગતા અને નેતાગીરી કરવા લાગતા લોકોએ પણ તેમની પાસેથી ઘણું શીખવા જેવું છે.

અમિત ચાવડા તેમની સક્રિય કામગીરી તથા તેમના વિસ્તારમાં પણ નાનામાં નાના કાર્યકર સાથે સીધો સંવાદ કરતાં તથા સૌના સંપર્કમાં રહેતા અને નામથી બોલાવતા. તેમની રણનીતિ અને મજબુતીના કારણે મધ્ય ગુજરાતમાં કોંગ્રેસ ઘણી આગળ રહી. ત્યારે પક્ષે તેમને યુવા વયે પ્રમુખ તરીકે પ્રોજેક્ટ કર્યા છે.

હવે જો તેમના પરિવારની વાત કરીએ તો અમિત ચાવડા રાજકીય પરિવારથી આવે છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ રાજ્યમાં સૌથી વધુ બેઠકો લાવવાનો અને સૌથી વધુ વખત મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ જેમના નામે છે તેવા માધવસિંહ સોલંકી, પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી તેમના નિકટના પરિવારજન છે.

તો અમિત ચાવડાના ઈશ્વરસિંહ ચાવડા ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી, લોકસભા સાંસદ તેમજ રાજ્યના રાજકારણમાં ઘણી મોટી ભૂમિકા ભજવી ચુક્યા છે.

ત્યારે જે કોંગ્રેસ પર ૬૦ વર્ષ માત્ર ભ્રષ્ટાચાર કર્યો અને કશું જ કર્યું નથી તેવા આક્ષેપો થાય છે ત્યારે તેમના પરિવાર કેટલો ઈમાનદાર છે તેની તમે નહીં સાંભળી હોય તેવી આજે આપણે વાત કરીશું.

પરિવારમાં મુખ્યમંત્રી, રાજ્યના કેબિનેટ મંત્રી, દેશના કેબિનેટ મંત્રી, ધારાસભ્ય કે સાંસદ તો દુર પરંતુ કોઈ પક્ષનો મોટો હોદ્દો, નગરપાલિકા કે મહાનગરપાલિકામાં કાઉન્સિલર, તાલુકા કે જિલ્લા પંચાયતના સભ્ય કે તેમાં કોઈ ખાતાના ચેરમેન બની ગયા હોય તો તે વ્યક્તિ અને તેના પરિવારના લોકોની સંપત્તિ કઈ કક્ષાએ પહોંચી જતી હોય છે તે સૌ જાણે જ છે.

ત્યારે મંત્રી કે મુખ્યમંત્રીના પરિવારની તો વાત જ ક્યાં કરવી, તેમની સંપત્તિ અને તેમની નામના જ એટલી હોય કે સાત શું સત્તર પેઢીએ પણ કઈ કામ કરવું ના પડે. બસ બેઠા બેઠા જ ખાવા મળી રહે.

અમિત ચાવડાના વ્યક્તિગત જીવનના ભૂતકાળમાં ઊંડા ઉતરતા જાણવા મળ્યું છે કે, તેઓ જયારે એન્જીનિયરીંગ પાસ કરીને કોલેજ પૂર્ણ કરી ત્યારે તેમનો પરિવાર ઘરમાં તેમના દાદા ઈશ્વરસિંહ ચાવડા કેબિનેટ મંત્રી અને સાંસદ રહી ચુકેલા હોવા છતાં આર્થિક રીતે સદ્ધર ના હોવાને કારણે તરત જ નોકરીએ લાગવું પડ્યું હતું.

પરિવારમાં તેમની ઘર ચલાવવાની જવાબદારી કહો કે ફરજીયાત ઉભી થયેલી હાલત કહો તેવું હતું, તેમણે ૨ વર્ષ સુધી ટોરેન્ટ બાયોટેક કંપનીમાં નોકરી કરી હતી.

ત્યારબાદ તેમણે અનુભવના આધારે તેમજ બચત કરીને ભેગા કરેલા થોડાઘણા રૂપિયા, તેમજ મિત્રોની મદદથી વડોદરા જઈને ફેક્ટરી શરુ કરી હતી. બાદમાં તે સારી ચાલવા પણ લાગી. પરંતુ પરિવારમાં તેમના માતા એકલા હતા કે જેમને કેન્સરની બીમારી હતી તો તેમના દાદાને પણ અકસ્માત થયો હતો.

ત્યારે તેમણે વડોદરા છોડીને બોરસદ પરત ફરવું પડ્યું, તો તેના કારણે વડોદરા સમય ઓછો આપી શકાતો હતો. ત્યારે પરિસ્થિતિ ઉભી થતા. દુઃખી મને ફેક્ટરી બંધ કરવી પડી હતી.

ત્યારે સ્પષ્ટ કહી શકાય કે આજના સમયમાં કોઈ રાજ્યના ધારાસભ્ય કે સાંસદ કે મંત્રી તેમજ મુખ્યમંત્રીના પરિવારના વ્યક્તિએ ઘરમાં આર્થિક જરૂરીયાતને પહોંચી વળવા પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરવી પડે ખરી ?

મંત્રી અને મુખ્યમંત્રી તરીકે સત્તાના દુરુપયોગથી તેમને પણ પરિવાર માટે રૂપિયા બનાવતા આવડતું હતું. પરંતુ જે તે સમયે તેમના પરિવારજનોએ દર્શાવેલી નીતિમત્તા અને નૈતિકતા કે જે રાજકારણમાં જવલ્લે જ જોવા મળે છે તેનું પરિણામ હતું.

હવે આજથી ૨૦ – ૨૨ વર્ષ અગાઉ અમિત ચાવડા નોકરી કરતા હતા તેને કોઈ દેખાડા કે પબ્લિસિટીનો ભાગ ના કહી શકાય, કારણકે જે તે સમયે ના તો તેઓ લાઈમલાઈટમાં હતાં કે ના તો તેઓ રાજકારણમાં હતા તેમજ તેમને કોઈ એવો વિચાર પણ નહોતો.

તદુપરાંત તેમણે આ અંગેની ચર્ચા કરીને તેમના ભૂતકાળ તેમજ પરિવારની પ્રજા પ્રત્યે ઈમાનદારી અને નિષ્ઠા અંગેના કોઈ રાજકીય પ્રચાર કે પબ્લિસિટી પણ નથી કરતાં, તેમજ આ બાબત હાલમાં તેમની સાથે રાજકીય રીતે એકદમ નિકટના લોકોને પણ ખ્યાલ નથી. આતો તેમના વ્યક્તિગત ભૂતકાળ અંગેની માહિતી મેળવતા આ જાણકારી મળી હતી.

અમિત ચાવડા બે વર્ષની નોકરી, ૪ વર્ષ ફેક્ટરી ચલાવીને તે બંધ કર્યા બાદ બોરસદ પરત ફર્યા હતાં અને રાજકારણમાં જોડવાની કોઈ જ ઈચ્છા ના હોવા છતાં તથા પોતાના ફિલ્ડમાં જ આગળ વધવું હોવા છતાંપણ સંજોગોવશાત તેવા સમયે જ બોરસદ વિધાનસભા બેઠક ખાલી પડી હતી.

કોંગ્રેસના ઉમેદવાર જે વ્યક્તિ બની રહ્યા હતાં તેઓ ભાજપમાં જોડાઈ જતાં કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાભરી બનેલી બેઠક પર જીત મેળવવી પક્ષ માટે જરૂરી બની ગયેલ અને તે માટે મજબુત તેમજ પક્ષ સાથે જોડાયેલ રહે તેવા કોઈ ઉમેદવારની જરૂરિયાત ઉભી થઇ હતી. ત્યારે કોંગ્રેસ પક્ષે અમિત ચાવડાના નામ પર મહોર મારતાં, તેઓ સંજોગોને આધીન ૨૭ વર્ષની યુવાન વયે ચૂંટણી લડ્યા હતાં.

Amit Chavda

સાથે સાથે અઘરા બની ગયેલા મુકાબલામાં લાંબી લડાઈ બાદ મોટા માર્જીનથી ચૂંટણી જીત્યા હતા. સમયે સમયે જે વિષયમાં ઉતર્યા ત્યાં પુરેપુરી શક્તિ લગાવી દેવાની તેમની આદતથી આગળ વધતા વધતા ૨૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે મોટા ઓપરેશન પાર પાડનાર અમિત ચાવડાને પક્ષે પ્રદેશ પ્રમુખ જેવી રાજ્યની સૌથી મોટી જવાબદારી સોંપી હતી.

ત્યારે પરિવારમાંથી ગુજરાતના રાજકારણમાં મોટું નામ કરનારા નેતાઓ હોવા છતાં માત્ર રાજકીય જ નહીં પોતાના વ્યક્તિગત જીવનમાં પણ દરેક પડકારોનો પોતાની જ તાકાત પર લડીને આગળ વધેલા અમિત ચાવડાના લોહીમાં પણ ઈમાનદારીના આ ગુણ અને ક્ષમતા હોય જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી, છેલ્લા ૧૬ વર્ષના રાજકીય જાહેર જીવનમાં તેમના પર આજદિન સુધી કોઈ આક્ષેપ નથી લાગ્યો.