બાપા સીતારામ..!! જાણો બગદાણાના બજરંગદાસબાપાની વાતો અને પરચાં..

Spread the love

સૌરાષ્ટ્ર સંતો અને શુરાઓની ભૂમિ કહેવાય છે, સૌરાષ્ટ્રની પાવન ભૂમિ પર અનેક સંતો થઇ ગયા કે જેમણે સેવાકીય કામો કરીને વિશ્વભરમાં નામના મેળવી, આજના સમયમાં પણ આ લોકો આ સંતોને શ્રદ્ધા સાથે માને છે.

આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્રમાં થઇ ગયેલા આવા જ એક સંત શ્રી બજરંગદાસબાપાની.

બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું. મુળથી રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. વર્ષ ૧૯૦૬ માં ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો.

તેમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાં આવ્યા.

ફરતા ફરતા અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ. બાદમાં તેઓ તેમના શિષ્ય બન્યા.

તેમના કેટલાય પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બજરંગદાસબાપા ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતીહતા, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી અને ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી.

ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરિયાકિનારે એક ડાર બનાવ્યો, (દરિયાની રેતીમાં હાથથી ખાડો ખોદીને પાણી કાઢવુ તે ડાર) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ.

આ ઉપરાંત મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક બાળક તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયો હતો અને બજરંગદાસબાપાએ તેને તેડીને બચાવી લીધો હતો.

એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુઓ જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપાએ સીતારામ નામનો મંત્ર જપીને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો, સિંહોના ટોળાએ હટીને જગ્યા કરી આપતા સાધુની જમાત આગળ વધી.

તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા કળમોદર પહોંચ્યા. જ્યાં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ રહ્યા. બજરંગદાસબાપા ત્યારપછી ૪૧ વર્ષની ઉંમરે બાપા બગદાણા પહોંચ્યા.

બગદાણામાં 5 મુળતત્વો, બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા.

બજરંગદાસ બાપાએ વર્ષ 1951 માં બગદાણામાં આશ્રમની સ્થાપના કરી, બાદમાં વર્ષ 1959 માં સદાવ્રત ચાલું કર્યુ, આ ઉપરાંત વર્ષ ૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1965 માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી, વર્ષ 1971 માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી,

બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.

બગદાણામાં આમતો બારેય મહિના ભક્તો આવતા હોય છે પણ વિશેષરૂપે બજરંગદાસબાપાની પુણ્યતિથી અને ગુરુપૂર્ણિમાએ આશ્રમ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. હાલમાં બગદાણા બજરંગદાસબાપાના આશ્રમનું સંચાલન તેમના શિષ્ય શ્રી મનજીબાપા દ્વારા કરવામાં આવે છે.

અમદાવાદથી બગદાણા ૨૫૦ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે, ભક્તોની સંખ્યા કેટલીય પણ હોય પરંતુ બાપા સીતારામના મંદિરેથી કોઈ ભૂખ્યું નથી જતું. આ ઉપરાંત બગદાણા ગામમાં રહેવા માટેની ગેસ્ટ હાઉસ – હોટલ જેવી અનેક સુવિધાઓ છે.

વિરપુર – જલારામ મંદિરમાં દાન લીધા વગર પણ રોજના હજારો લોકોને કઈ રીતે પીરસાય છે ભોજન પ્રસાદ ?

સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટથી જેતપુર વચ્ચે વિરપુર નામનું ગામ આવેલું છે, જ્યાં સંત શ્રી જલારામ બાપાનું મંદિર આવેલું છે.

૧૪ નવેમ્બર ૧૭૯૯ ના રોજ જન્મેલા જલારામ ઠક્કરના માતા રાજબાઈ તેમજ પિતા પ્રધાન ઠક્કર ખૂબ જ ધાર્મિક પ્રકૃતિના હતાં. ધાર્મિક માતા રાજબાઈના કુખે પૂ. જલારામ બાપાનું અવતરણ થયું.

સેવા અને ધર્મનો વારસો તો પૂ. શ્રી જલારામ બાપાને શરૂઆતથી જ પ્રાપ્ત થયેલ. સંત ભોજલરામને ગુરુ બનાવ્યા અને વીરપુરમાં સદાવ્રત કાર્યરત કર્યું હતું કે જે આજેપણ અવિરતપણે ચાલું છે.

વગર દાન લીધે પીરસાય છે રોજના હજારો શ્રદ્ધાળુઓને ભોજન પ્રસાદ

‘ દેને કો ટુકડા ભલા લેને કો હરિનામ ‘ તેવી વાત કરનારા જલારામ બાપાએ વિરપુરમાં સદાવ્રત શરુ કર્યું હતું, જ્યાં આજેપણ રોજના સરેરાશ ૫ થી ૬ હજાર શ્રદ્ધાળુઓ – ગરીબો ભોજન પ્રસાદ આપવામાં આવે છે, તહેવાર અને રજાના દિવસોમાં આ આંકડો ઘણો વધી જતો હોય છે.

જો કે મહત્વની વાત એ છે કે વિરપુર – જલારામ મંદિરમાં ક્યાંય દાન સ્વીકારવામાં આવતું નથી, દાન લીધા વગર પણ રોજના હજારો ભાવિક ભક્તજનોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. તેમજ વિરપુર જલારામ મંદિરમાં પણ ભક્તજનોને ભોજનપ્રસાદ લઈને જ જવા મંદિરના સેવકો દ્વારા આગ્રહ કરવામાં આવે છે.

છેલ્લા ૧૯૮ વર્ષથી વિરપુરમાં શ્રદ્ધાળુઓને ભોજન આપતું સદાવ્રત કાર્યરત છે.

કઈ રીતે દાન લીધા વગર ચાલે છે જલારામ મંદિરમાં આટલું મોટું રસોડું ?

દેશભરમાં મંદિરોમાં મોટાપાયે દાન લેવામાં આવે છે, ઘણા મંદિરોમાં દાનનો આંકડો તો હજારો કરોડ સુધી પણ પહોંચી જાય છે, તો ઘણા મંદિરોના ટ્રસ્ટમાં રાજકારણ અને નેતાઓ જ ટોચના સ્થાને પહોંચી ગયા છે તો ઘણા મંદિરોના ટ્રસ્ટના મોટાપાયે દાનને કારણે તેના વિવાદો અને ગેરવહીવટો સામે આવતા રહે છે, ત્યારે આ બધાથી અલગ વિરપુરમાં આવેલા જલારામ મંદિરમાં ક્યાય દાનપેટી જોવા નહી મળે.

કોઈ જાણતા – અજાણતા પણ જો જલારામ મંદિરમાં ક્યાય રૂપિયા ધરાવતા દેખાઈ જાય તો તેમને વિનમ્રતાપૂર્વક રોકવા મંદિરના સેવકો ખડેપગે જ રહે છે.

વિરપુર ગુજરાત જ નહી પણ દેશ અને દુનિયાના અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આપ આ મંદિરમાં દાન ના લેવાતું હોવાની વાતથી તો અજાણ નહી જ હોવ, પરંતુ તેવો પ્રશ્ન આપને જરૂરથી થતો હશે કે કોઇપણ પ્રકારનું દાન કે ભેટ સોગાદ લીધા વગર રોજના હજારો લોકોને ભોજન પ્રસાદ પીરસતું વિરપુર જલારામ મંદિર કઈ રીતે ચાલે છે ?

તો ૯ ફેબ્રુઅરી, ૨૦૦૦ ના રોજ વિરપુર જલારામ મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરવામાં આવ્યું હતું,અગાઉ મંદિરમાં રોકડ, અનાજ સહિતનું દાન આપવામાં આવતું હતું પરંતુ જલારામ બાપાના વંશજ જયસુખરામ બાપાએ પરિવારજનોમાં ચર્ચા કરી મંદિરમાં દાન સ્વીકારવાનું બંધ કરાવ્યું હતું.

દાન ના સ્વીકારવાના કારણમાં મંદિર જોડે પુરતું દાન આવી ગયું હોવાની અને તે દાનથી આવનારા ૧૦૦ વર્ષ સુધી સદાવ્રત ચાલતું રહેશે તેમ કહેવાય છે. જલારામ બાપાના આ મંદિરમાં દરવર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી રહે છે.

હાલના પ્રચારયુગમાં પણ આસ્થાનું કેન્દ્ર જલારામ મંદિર દ્વારા પ્રચાર માધ્યમોમાં છવાયેલા રહેવા, ચર્ચામાં રહેવા, પ્રસિદ્ધિ મેળવવા કે નામના મેળવવાના કોઈ પ્રયાસ થતા નથી, તે પણ ઘણી મહત્વની વાત છે.

એક સાચી સેવાની ભાવના અને શ્રદ્ધાથી મંદિર ચાલતું હોય ત્યાં કોઈ પ્રસિદ્ધિની જરૂર રહેતી નથી. જ્યાં રૂપિયા અને પ્રસિદ્ધિ હોય તે વિવાદ અને મૂળ હેતુથી ભટકી જાય તેથી જ આજેપણ તેનાથી દુર રહેલા વિરપુર મંદિરની શ્રદ્ધા અડગ છે.

વિરપુર જલારામ મંદિર દેશનું એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કોઇપણ પ્રકારનું દાન સ્વીકારવામાં આવતું નથી.

જલારામ મંદિર હોય ત્યાં ખીચડી પ્રસાદ અને ગરીબોને ભોજન મળે તેવી પ્રવૃત્તિ ચાલતી જ હોય

સેવાભાવી સંત શ્રી જલારામબાપાનું મંદિર ગુજરાત ઉપરાંત વિદેશોમાં પણ અનેક જગ્યાઓએ આવેલું છે, ત્યારે ગુજરાતના પણ કોઈ ગામ કે શહેરમાં આવેલા જલારામ મંદિરમાં ગુરુવારે ખીચડી પ્રસાદ – ભોજન પ્રસાદ અપાતો હોય છે તો સદાવ્રત – રામરોટી અને ગરીબોને મદદ થવાની અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચાલતી હોય છે.

લોકોને ખવડાવવામાં માનતા જલારામબાપાના તે વિચારોને આજેપણ તેમના મંદિરો દ્વારા આગળ વધારવામાં આવી રહ્યા છે. લોહાણા જ્ઞાતિના લોકો વિશેષ માને છે ઉપરાંત દરેક જ્ઞાતિ – ધર્મના લોકો જલારામબાપાને માને છે.

જલારામબાપા દરેક જ્ઞાતિ અને ધર્મના લોકોની વચ્ચે જઈને સેવાકીય પ્રવૃત્તિઓ કરતાં હતા અને આજેપણ તેમના સાચી સેવાના વિચારો જીવનમાં ઉતારવા જેવા છે. વિરપુર ઉપરાંત ચોટીલામાં પણ જલારામબાપાનું ભવ્ય મંદિર આવેલું છે.

આ આર્ટીકલ પસંદ પડે તો એક શેર જરૂરથી કરજો..!!