આંદોલન બાદ પરપ્રાંતિયોના મુદ્દે પણ ગુજરાતની ભાજપ સરકાર રહી નિષ્ફળ, પડી રહી છે પસ્તાળ

Spread the love

ગુજરાતમાં પાટીદાર, દલિત સમાજ અને ઠાકોર સમાજના આંદોલન બાદ પરપ્રાંતિયોને વતન પરત ફરવા કરાયેલા દબાણ અને વિવિધ ઘટનાઓ બાદ પણ ગુજરાતની ભાજપ સરકાર સમગ્ર મામલે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થઇ છે.

નિષ્ફળ રહ્યા બાદ, બેદરકારી દાખવ્યા બાદ પણ આત્મમંથન કરીને ભૂલ સુધારવાને બદલે આરોપ પ્રત્યારોપની ગંદી રાજનીતિ શરુ કરીને અધૂરામાં પૂરું કર્યું.

અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના પર આક્ષેપબાજી કરવામાં લાગેલી ભાજપ સરકાર પર લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે તમે સરકાર ચલાવો છો તો કરો છો શું ?

ભાજપના શાસનમાં પરપ્રાંતિયો પોતે સુરક્ષિત નથી તેવું માનવા લાગતા જ વતન ભણી જતા રહ્યા હોય ને ?

નાની મોટી ઘટનાઓ બાદ પણ સરકારે ચેતી જવાને બદલે બેદરકારી દાખવતા આ મુદ્દે વેગ પકડ્યો, ઉપરથી ઠાકોર સેના પર નિતીન પટેલે કરેલા બેફામ આક્ષેપો એક પ્રકારે વિવાદને વધારે તેવા જ હતાં.

અલ્પેશ ઠાકોર પર આ બધી ઘટનાના કાવતરાં ઘડવાના ભાજપ આરોપો મુકે છે તો તેની સરકાર છે ગુજરાતમાં, તો અલ્પેશ ઠાકોર વિરુદ્ધ શું પગલાં લીધા ? કે લેવાની છે તે નથી જણાવતા. બસ આવી ખરાબ પરિસ્થિતિમાં પણ રાજનિતી કરવામાં નિમ્ન કક્ષાએ ઉતરી ગયા છે.

આજે અલ્પેશ ઠાકોરને ભાંડતી ભાજપ જો કાલે તેમના જ પક્ષમાં અલ્પેશ ઠાકોર જોડાઈ જશે તો તે વ્યક્તિ ભાજપ માટે સારો થઇ જશે ?

મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ વિરુદ્ધ આંદોલન કરીને ઉદ્ભવ લેનારી શિવસેના સાથે સત્તામાં બેઠેલી ભાજપ કયા મુદ્દે કોઈ અન્ય પક્ષ કે વ્યક્તિ પર પ્રાંતવાદના આરોપો મુકે છે.

સાથે સાથે ગુજરાતના ઉદ્યોગોમાં સ્થાનિકોને રોજગારીના કાયદા હોવા છતાં સ્થાનિકો રોજગાર મેળવવા ઈચ્છતા હોવા છતાં તેમના સ્થાને બહારના રાજ્યના લોકોને રોજગારી મળી રહી છે અને કાયદાના સદંતર ઉલ્લંઘનને રોકવામાં ભાજપની સરકાર નિષ્ફળ નિવડી છે. તેમના જ પક્ષના ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ સ્થાનિકોને રોજગારી માટે આંદોલન કરી રહ્યા છે, ત્યારે વિશેષ તો કહેવું શું.

હવે સરકાર ભાજપની છે, ગુજરાતથી પલાયન કરીને અન્ય પ્રાંતના લોકો મોટી સંખ્યામાં જતાં રહ્યા, સરકારની આંખ નીચેથી જતા રહ્યા. ત્યારે ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી ? સરકારે શું કર્યું ? સવાલ લોકો સરકાર પર કરી રહ્યા છે અને હાસ્યાસ્પદ વાત છે કે સરકારમાં રહેલી ભાજપ માત્ર વિપક્ષ પર આક્ષેપબાજી જ કરી રહી છે અને યુપી બિહારમાં પોતાના રાજકીય રોટલા શેકવામાં જ રસ છે.

આ સાથે સીધું જ દેખાઈ આવે છે કે સત્તાધારી ભાજપને એક મોટા સમૂહની સુરક્ષાના મુદ્દે ચિંતા હોવી જોઈએ તેના બદલે રાજકારણ કરવામાં જ રચીપચી છે. પ્રજાસત્તાક દેશમાં પ્રજાને બદલે પક્ષનું ભલું જોવાનું વધી ગયું હોય ત્યાં પ્રજાએ આવા લોકોને ઓળખીને જાગૃત થવું જરૂરી છે.

આંદોલનો બાદ ગુજરાતમાં બનેલી પરપ્રાંતિયોને તેમના વતન મોકલી દેવાની ઘટનાઓ પર પણ ભાજપ સરકાર સદંતર નિષ્ફળ રહી છે તેમ સ્પષ્ટપણે કહી શકાય.