ગુજરાતમાં પેટા ચૂંટણીમાં હાર બાદ ભાજપના કયા મોટા નેતાનો લેવાશે ભોગ ?

Spread the love

ગુજરાતમાં ભાજપે ૨૦૧૭ માં માંડ માંડ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીમાં સારું પરિણામ મેળવ્યું, ઘણા કલાકારોને પણ ભાજપમાં જોડ્યા પરંતુ પેટા ચૂંટણીના નિરાશાજનક પરિણામો ભાજપમાં ઘણા ભોગ લે તેમ જણાઈ રહ્યું છે.

હજુ બે મહિના અગાઉ લોકસભા ચૂંટણી જીતીને પણ ભાજપે ૩૭૦ ની કલમ નાબુદ કરવાનો નિર્ણય લઈને લોકપ્રિયતા મેળવી હોય તેવું વાતાવરણ સોશિયલ મીડિયા અને મીડિયામાં બનાવ્યું હતું, રાજકીય રીતે એકતરફી માહોલ હોય તેવી વાતો થઇ રહી હતી પરંતુ કોંગ્રેસે મજબુત સામનો કરતા ભાજપ મજબુર થઇ ગઈ અને હારનો સામનો કરવો પડ્યો.

ભાજપ કાશ્મીરની વાતો ચૂંટણીમાં કરતું હતું પરંતુ લોકો સ્થાનિક સમસ્યાઓને અને તેના ઉકેલ માટે પ્રાધાન્ય આપતી જોવા મળેલી કોંગ્રેસ પ્રત્યે ઢળ્યા અને ભાજપે પરાજયનો સામનો કરવો પડ્યો.

મિડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર તાજેતરમાં ગુજરાત આવેલા નરેન્દ્ર મોદીએ જીતું વાઘાણીની સામે પણ ના જોયું અને અમિત શાહે તેમને ઠપકો પણ આપ્યો હોવાનું કહેવામાં આવ્યું. રાજનીતિની આ જ તાસીર છે.

ગુજરાતમાં વિપરીત પરિસ્થિતિમાં સત્તા ટકાવી શકાઈ અને સારા પરિણામો પણ મેળવ્યા તે જીતું વાઘાણીને વિધાનસભાની પેટા ચૂંટણીની ૩ બેઠકોમાં હારને કારણે આવી વાતોનો ભોગ બનવું પડી રહ્યું છે.

આવનારા એક મહિનામાં ભાજપના ગુજરાતના સંગઠનની પ્રક્રિયા પૂર્ણ થઇ શકે છે, જેમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરવામાં આવશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા જયારે પ્રથમ વખત તેની પછી જીતું વાઘાણીને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા.

ભાજપે બાયડ, રાધનપુર અને થરાદ વિધાનસભા પેટા ચૂંટણીમાં નિરાશાજનક હાર મેળવ્યા બાદ જીતું વાઘાણીના નેતૃત્વમાં છેલ્લો સમયગાળો ખરાબ રહ્યો, જીતું વાઘાણીના નેતૃત્વમાં ભાજપે અનેક સફળતાઓ મેળવી તે મહેનત પર આ પેટા ચૂંટણીની હારને કારણે પાણી ફરી વળ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ.

આમ ગુજરાતમાં પેટા ચૂંટણીમાં હાર બાદ જીતું વાઘાણીના સ્થાને અન્ય કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તો આ સાથે જ ભાજપને આ પેટા ચૂંટણીમાં અંદરના ડખા પણ ઘણા નડી ગયા છે.

તેથી અન્ય મોટા નેતાઓ કે જેમણે વિધાનસભા પેટા ચૂંટણીમાં શંકાસ્પદ ભૂમિકા ભજવી છે તેમને પણ ધીમે ધીમે સાઈડલાઈન કરવામાં આવશે તેવી ચર્ચાઓ રાજકીય ગલીયારાઓમાં છે.

સત્તાના અતિરેકથી પણ હવે ભાજપને હરીફાઈ જેવું ના લાગતા અંદરોઅંદર જુથવાદ અને વિવાદોમાં નેતાઓ લાગી ગયા હતા, જીત તો છેલ્લે ભાજપની જ થવાની છે તેવું વિચારીને નેતાઓ પોતાના માણસોને સાચવવામાં લાગી ગયા હતા અને સામે છેડે ગુજરાત કોંગ્રેસે જમીન સાથે જોડાઈને, સંગઠન મજબુત કરીને અને જીતની તૈયારી સાથે ચુપચાપ અંદરખાને કામ કરવાનું શરુ કરી દીધું હતું.

જો ભાજપમાં આ જ પરિસ્થિતિ રહે તો આવનારા સમયોમાં મોટું નુકસાન વેઠવું પડી શકે છે તો ગુજરાતમાં કોંગ્રેસ દિવસે ને દિવસે વિપરીત પરિસ્થિતિમાં પણ ફરીથી બેઠી થઈને મજબુત બની રહી છે આ પરિસ્થિતિમાં હવે ભાજપ માટે ચિંતાનો સમય ઉભો થયો છે.

તો ભાજપ હારી એ બેઠકો જ નહી પણ જ્યાં માંડ માંડ જીતી ત્યાં કેમ આવી પરિસ્થિતિ સર્જાઈ અને અંદરના કયા મોટા નેતાઓએ નુકસાન કર્યું છે તેનો પણ અહેવાલ લઈને મોવડીમંડળ હવે મોટાપાયે ભાજપના સંગઠનમાં સુધારા કરશે તેવું જણાવાઈ રહ્યું છે. આમ ૩ બેઠકોની હાર ભાજપના ઘણા મોટા નેતાઓના ભોગ લઇ લેશે.