ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, હાઈકોર્ટે ચાલુ ધારાસભ્યને ઠેરવ્યા ગેરલાયક.. જાણો હવે શું

Spread the love

ગુજરાતમાં છલ્લે ૨૦૧૭ માં ભાજપની સરકાર બની છે ત્યારબાદ કોંગ્રેસમાંથી સતત ધારાસભ્યો ઓછા થઇ રહ્યા હતાં, એક પછી એક ધારાસભ્યોના રાજીનામાં અને પેટા ચૂંટણી બાદ હવે ભાજપનો વારો પડ્યો છે.

ઘણા વર્ષો બાદ ગુજરાતમાં ભાજપના ચાલુ ધારાસભ્યની બેઠક ખાલી પડી છે અને પેટા ચૂંટણી યોજાશે. ૨૦૧૭ ની ચૂંટણી દરમિયાન દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ફોર્મ ભરવામાં થયેલી ભૂલને કારણે તેમણે ધારાસભ્ય પદ ગુમાવવું પડ્યું છે.

પબુભા માણેકે ચૂંટણી ફોર્મ ભરવામાં ભૂલ કરી હોવા છતાં જે તે સમયે ચૂંટણી અધિકારીએ માન્ય રાખતા તેઓ ખોટી રીતે દોઢ વર્ષ સુધી ધારાસભ્ય રહ્યા અને હવે પેટા ચૂંટણીનો કરોડોનો ખર્ચો આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં પબુભાની સામે ઉમેદવાર રહી ચુકેલા મેરામણ ગોરિયા દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે 2017 માં યોજાયેલી દેવભૂમિ દ્વારકાની ચૂંટણી રદ કરી નાખી છે.

2017માં આ બેઠક પરથી ભાજપના પબુભા માણેક ચૂંટાયા હતા. મેરામણ ગોરિયાની અરજી માન્ય રખાતા હાઇકોર્ટના આદેશ બાદ હવે પબુભા માણેક ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠર્યા છે. તો પબુભાએ આ ચુકાદાને સુપ્રીમમાં પડકારવાની વાત કરી છે.

ભાજપના ચૂંટાયેલા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સામે ચૂંટણી લડેલા મેરામણ ગોરિયાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. મેરામણ ગોરિયા (ઘીવાળા) એ આરોપ મુક્યો હતો કે પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે, આથી તેનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે.

મેરામણ ગોરીયાએ વકીલ મારફતે ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે 20-11-2017ના રોજ ભાજપના ઉમેદવાર પબુભા માણેકે જે ફોર્મ ભર્યું હતું તેના ભાગ-૧માં ઉમેદવાર કઈ વિધાનસભા લડવા માંગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે.

જે તે સમયે ચૂંટણી અધિકારીએ આ ક્ષતિ ચલાવી લેતા પબુભા માણેક વિધાનસભાની ચૂંટણી લડી શક્યા હતા. જો કે બાદમાં આ અંગે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવતા હાઈકોર્ટે પબુભાને ગેરલાયક ઠેરવ્યા છે.

આ બાબતે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના ઉમેદવાર રહી ચુકેલા અને અરજદાર મેરામણ ગોરિયાએ જણાવ્યું હતું કે, “ચૂંટણી ફોર્મની પ્રક્રિયા દરમિયાન એવું માલુમ પડ્યું હતું કે પબુભા માણેકે તેમને ઉમેદવારી ફોર્મમાં ‘વિધાનસભા 82 દ્વારકા’ લખ્યું ન હતું. આ અંગે અમે તેમનો વિરોધ કર્યો હતો.

આ મામલે ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકારના દબાણ હેઠળ અધિકારીઓએ ફોર્મ માન્ય રાખ્યું હતું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો હતો. આજે સત્યની જીત થઈ છે. હાઈકોર્ટે આ ચૂંટણી રદ કરીને નવેસરથી ચૂંટણી યોજવાનો આદેશ કર્યો છે.