મહિલાને માર મારનારા ધારસભ્ય બલરામ સામે પગલા ના ભરી ભાજપ શું સાબિત કરે છે ?

Spread the love

રવિવારે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં અમદાવાદ શહેરની નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી એક મહિલાને રસ્તા વચ્ચે માર મારે છે.

ભાન ભૂલેલા ધારાસભ્ય પાણીની સમસ્યાની રજૂઆત કરવા આવેલી મહિલાને બેફામ માર મારે છે અને પછી તેના કાર્યકરો અને ભાઈઓ પણ આ મહિલાને મારે છે.

ધારાસભ્ય હોય કે કોઇપણ વ્યક્તિ હોય, ગુજરાતની આ સંસ્કૃતિ નથી કે એકલી મહિલા પર અનેક પુરુષો અત્યાચાર કરવા, બેફામ માર મારવા લાગે.

આ ઘટનાથી ગુજરાતની સંસ્કૃતિ અને સંસ્કાર લજવાયા છે, નારી સુરક્ષાની વાતો કરતા હોય, મહિલા સશક્તિકરણની વાતો કરતા હોઈએ ત્યાં સત્તાધારીઓ જ આ રીતે મહિલાઓને બેફામ રીતે માર મારે, જુલમ કરે ત્યારે કોને ફરિયાદ કરવી ?

ભાજપના આ ધારાસભ્યે આવી હરકત કર્યા બાદ સુફિયાણી વાતો શરુ કરી મહિલા સન્માનની, સંસ્કૃતિની, સંસ્કારની પણ તેનો અર્થ શું, આતો નર્યા ઢોંગ છે. આ બધું તમને ત્યારે ખબર નહોતી ? પણ આતો જાહેરમાં વિડીયો વાયરલ થયો એટલે બધું યાદ આવ્યું.

પાછા આ ભાજપના ધારાસભ્ય તે મહિલા એનસીપીની કાર્યકર છે તેમ કરીને રાજકીય વળાંક આપવા માંગે છે પરંતુ કોઈ મહિલા અન્ય પક્ષની હોય કે ના હોય તેને મારવાનો અધિકાર કોણે બલરામ થાવાણીને આપી દીધો છે ?

આજે કોઈ પક્ષનો સમર્થક કે મતદાર નહીં પણ દરેક નાગરિક જાહેરમાં આ ઘટનાની નિંદા કરે છે અને હવે તો લોકો મોદીના નામે આવા તત્વોને વોટ આપી દે છે તો નરેન્દ્ર મોદીને પણ પ્રશ્ન કરી રહ્યા છે કે શું તમે આ વ્યક્તિ સામે પગલા ભરશો ?

૨૫ પૈસાનું એક પોસ્ટ કાર્ડ લખજો, તમારો ભાઈ દોડતો આવશે તેવું કહેનારા વડાપ્રધાને આવવાની જરૂર નથી, બસ ત્યાં બેઠા આવા પ્રજાના સેવકને સસ્પેન્ડ કરીને ઘરભેગા કરવાનો એક આદેશ જ આપી દેવાનો છે.

દેશભરમાં ચકચાર મચાવનારી આ ઘટના પછી પણ ભાજપના પ્રદેશ પ્રમુખ ક્યાય જોવા નથી મળતા, આમ તો નાનામાં નાની વાતમાં વિરોધી પક્ષોને જનાવરથી લઈને માનસિક અસ્થિર સુધી ગણાવી દેતા જીતુ વાઘાણી એક મહિલા સાથે પોતાના પક્ષના જાનવર કરતા બદતર વર્તન કરનારા ધારાસભ્ય માટે તો એક અક્ષર પણ બોલવા નથી આવી રહ્યા.

આજે સત્તાના નશામાં ચુર ભાજપના એક ધારાસભ્યે ગુજરાતની અસ્મિતાને લાંછન લગાડવાનું કૃત્ય કર્યું છે, જે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષામાં કેટલાય પાળિયા બંધાઈ ગયા એ ગુજરાતમાં પ્રજાની સેવા માટે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ જનતાની ફરિયાદ સાંભળવાને બદલે સત્તાના જોરે તેમને દબાવી દેવા તેમને માર જ મારવા લાગે તે સૌ કોઈના માટે શરમની વાત છે.

નલિયા કાંડ, જેન્તી ભાનુશાળી, વાસણ આહીરની ટેપ આવ્યા બાદ પણ ભાજપને કોઈ ફરક નથી પડ્યો ત્યારે આ ઘટનામાં પણ તેમને કોઈ અસર નથી, તેમના ધારાસભ્યને અગાઉની જેમ ભાજપ કઈ કરે તેવું લાગતું નથી અને જનતાએ સહન કરતા રહેવું પડશે તે પણ નક્કી છે.

‘કરેલા કર્મોના ફળ, અહીં જ ભોગવીને જવાનું છે’