પોરબંદરમાં ‘રાદડિયા’ પરિવારમાંથી ટીકીટ ના અપાતા સૌરાષ્ટ્રમાંથી ભાજપ સાફ

Spread the love

એક સમય હતો સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં કોઇપણ લેવલે ટીકીટ આપવાની હોય, વિધાનસભાથી લઈને નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, વિઠ્ઠલ રાદડિયાનું તેમાં સૌથી વધુ વર્ચસ્વ રહેતું.

સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસના રાજકારણમાં વિઠ્ઠલ રાદડિયાનો મોટો પ્રભાવ હતો અને સામે માન પણ એટલું મળતું, તેઓ તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની ગુડબુકમાં પણ હતાં તેમજ તેઓ દેશના કૃષિમંત્રી બનવાના હતાં પરંતુ ટોલનાકે એક મગજમારીને કારણે તે વાત અટકી ગઈ હતી.

સમય જતાં તેઓ ૨૦૧૨ માં વિધાનસભાની ચૂંટણી લડ્યા અને ઘણા ઓછા મતોએ જીતીને ધારાસભ્ય બન્યા, ત્યારબાદ કોંગ્રેસની વિધાનસભા ચૂંટણીમાં હાર થતા તેઓએ વિપક્ષના નેતા બનવા દાવેદારી કરી હતી પરંતુ તેમના સ્થાને શંકરસિંહને વિપક્ષી નેતા બનાવાયા અને ભાજપમાંથી વિઠ્ઠલભાઈ અને તેમના પુત્ર જયેશભાઈને સારી તક મળતા તેઓ ભાજપમાં જોડાઈ ગયા.

જયેશ રાદડિયા અને વિઠ્ઠલ રાદડિયા ભાજપમાંથી પેટા ચૂંટણી જીતી ગયા અને જયેશ રાદડિયા ગુજરાત સરકારમાં મંત્રી બની ગયા. જો કે સમય જતાં વિઠ્ઠલ રાદડિયાની તબિયત બગડતી ગઈ અને રાજકારણમાં તેમની સક્રિયતા ઘટતી ગઈ.

બીજીતરફ કોંગ્રેસમાં હતો તેમ વિઠ્ઠલ રાદડિયા જેવો દબદબો ભાજપમાં જયેશ રાદડિયાનો નથી, ભાજપ તેમને તેમની લાયકાત પ્રમાણે મહત્વ નથી આપી રહી તે સ્પષ્ટ છે.

સૌરાષ્ટ્રમાં ભાજપમાંથી સેમી અર્બન અને ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પાટીદાર નેતા જીતી નહોતા શક્યા, તેવા જોરદાર પડકાર વચ્ચે પણ જયેશ રાદડિયા જેતપુર વિધાનસભામાં જીત્યા, આ પ્રમાણે તેઓ ભાજપમાં સૌરાષ્ટ્રમાં સૌથી મજબુત પાટીદાર નેતા કહી શકાય.

તેમની મજબૂતીની સાથે પ્રજામાં રાદડિયા પરિવારની લોકપ્રિયતા પણ કહી શકાય, આ કારણથી જ સૌરાષ્ટ્રમાં ભાજપ સમર્થક પાટીદારોએ જ બેનર માર્યા હતાં કે પોરબંદર લોકસભામાં રાદડિયા સરકાર સિવાય કોઈ જ નહીં ચાલે નહીં તો ભાજપનો પણ વિરોધ થશે.

અંતે થયું તેવું જ. જયેશ રાદડિયાની તો લોકસભા લડવાની શક્યતા ઓછી હતી પણ લલિત રાદડિયા કે તેમની માતાને પોરબંદર લોકસભા લડાવવાના બદલે રાદડિયા યુગનો અંત ભાજપે ગોંડલના રમેશ ધડુકને પોરબંદર લોકસભાની ટીકીટ આપી.

ભાજપ તે વિસ્તારમાં રાદડિયા પરિવારને કારણે જ બચી છે તેમ છતાં તેઓ ભાજપમાં મોટા ના થઇ જાય અને સમય જતાં તેમનું વર્ચસ્વ વધતા પક્ષ પાસે કોઈ મોટી માંગણી ના કરે તેવા ડરથી તેમને આગળ વધતા અટકાવવા અન્ય નેતાને ટીકીટ આપવામાં આવી.

જયેશ રાદડિયા હાલમાં ભાજપ સરકારમાં મંત્રી છે તેથી તેઓ મંત્રીપદને કારણે ખુલીને કઈ બોલી શકે નહીં પરંતુ તે વાત સ્પષ્ટ છે કે પ્રજાની પસંદગી ભાજપમાંથી તો માત્ર રાદડિયા પરિવાર જ છે અને તેમાંથી ટીકીટ આપવામાં ના આવતા પાટીદાર સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત આવ્યા છે.

સૌરાષ્ટ્રમાંથી આટલા મોટા પાટીદારને ભાજપમાંથી કાપવામાં આવતા હવે સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વાત ફેલાઈ ગઈ છે. સૌરાષ્ટ્રની દરેક બેઠક પર પાટીદારોના મતો મોટી સંખ્યામાં છે, એટલે રાદડિયા પરિવારની ભાજપમાં અવગણના કરવામાં આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપ સાફ થઇ જશે તેમ કહેવાય છે.