ચંદ્રયાન -૨ ને લઈને ઈસરોએ આપ્યા મોટા સમાચાર, ઓર્બિટરે મોકલી ચંદ્રની તસ્વીરો..

Spread the love

ઇસરોનું અતિ મહત્વનું મિશન ચંદ્રયાન -૨ હજુ પૂર્ણ નથી થયું. યાન તો ચંદ્ર સુધી પહોંચી જ ગયું છે પરંતુ સંપર્કમાં સમસ્યા થતા લોકો નિરાશ થયા હતા, જો કે વિશ્વની દરેક સંસ્થાને અનેક વખત નિષ્ફળતા મળી જ છે અને આટલા મોટા મિશનમાં જોખમ તો રહેલું જ છે.

ત્યારે હજુ આશા ગુમાવી દેવા જેવું પણ નથી, ઈસરોએ ૯ સપ્ટેમ્બર ને સોમવારે એક સારા સમાચાર આપ્યા છે.

ઈસરોના ઓફિસરે ન્યુઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા જણાવ્યું છે કે,

ચંદ્રયાન – ૨ ના લેન્ડર વિક્રમને કોઈ નુકસાન નથી પહોંચ્યું. લેન્ડર સલામત જ છે અને ઈસરોએ ફરીથી સંપર્ક સાધવાની કોશિશ પણ કરી છે અને હાલમાં પણ કરી રહી છે. લેન્ડર એક જ પીસમાં છે, તે ટુકડાઓમાં નથી વહેંચાયું.

અમે દરેક શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ કે લેન્ડર સાથે સંપર્ક થઇ શકે. ઈસરોની ટેલીમેટ્રી (ટ્રેકિંગ એન્ડ કમાંડ નેટવર્ક) ટીમ તેમાં લાગેલી છે. આશા છે કે ટૂંક જ સમયમાં વિક્રમ સાથે સંપર્ક થઇ જશે.

તેનાથી પહેલા ૮ સપ્ટેમ્બરે ઓર્બિટરે વિક્રમની લોકેશનની જાણકારી મેળવી લીધી હતી. ઈસરો પ્રમુખ સિવને ૮ તારીખે આ જણાવ્યું હતું. સિવને જણાવ્યું હતું કે ચંદ્ર ફરતે પરિભ્રમણ કરી રહેલા ઓર્બિટરે વિક્રમની થર્મલ તસવીરો લીધી છે.

ઈસરો માટે આવનારા ૧૨ દિવસો ઘણા મહત્વના છે. ચંદ્રનો એક દિવસ ધરતીના ૧૪ દિવસ જેટલો હોય છે અને ૨ દિવસ વીતી ચુક્યા છે તેવામાં આવનારા ૧૨ દિવસ સુધી હજુ ચંદ્ર પર અજવાળું રહેશે.

ત્યારબાદ ચંદ્ર પર રાત થશે જે ૧૪ દિવસની હશે. અંધારામાં ઈસરોને વિક્રમનો સંપર્ક કરવામાં તકલીફ થઇ શકે છે. તેવામાં જો આવનાર ૧૨ દિવસમાં વિક્રમ સાથે સંપર્ક ના થઇ શક્યો તો ઈસરોએ લાંબી રાહ જોવી પડશે.

ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરાવવા માટે ભારતના આ પગલાને શનિવારે ત્યારે ફટકો લાગ્યો હતો કે જયારે ચંદ્રયાન – ૨ ના લેન્ડર વિક્રમને ચંદ્રની સપાટીથી લગભગ ૨.૧ કિલોમીટરની ઉંચાઈ પર સંપર્ક તૂટી ગયો હતો.