અમરાઈવાડી વિધાનસભામાં કોંગ્રેસે જાહેર કર્યા આ લડાયક પાટીદાર યુવાનને ઉમેદવાર

Spread the love

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના 4 ધારાસભ્યો સાંસદ તરીકે ચૂંટાઈ આવતા તે બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ તેના પર જીત મેળવવા જોર લગાવી રહ્યા છે.

ભાજપ જ્યાં ફોર્મ ભરવાના છેલ્લા દિવસની આગલી રાત સુધી ઉમેદવાર જાહેર નથી કરી શકી તેવામાં કોંગ્રેસે અમરાઈવાડી વિધાનસભા બેઠક પરથી સત્તાવાર ધોરણે પાટીદાર આંદોલનમાં સક્રિય રહી ચૂકેલા અને બાદમાં ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયેલા લડાયક યુવાન ધર્મેન્દ્ર પટેલ (ધમભાઈ) ને ઉમેદવાર જાહેર કર્યા છે.

ધર્મેન્દ્ર પટેલ અમરાઈવાડી વિસ્તારમાં ધમભાઈના નામે ઓળખાય છે. મૂળ અમરાઈવાડી ગામમાં જ પહેલેથી રહેતા ધમભાઈ પાટીદાર આંદોલન વખતે અને અગાઉ સરદાર પટેલ ગ્રુપ SPG માં સક્રિય રહી ચૂક્યા છે, જે તે સમયે તેઓ ભાજપના હતાં અને આંદોલન બાદ કોંગ્રેસમાં જોડાયા હતાં.

જનતાના સેવક તરીકે અને જમીન સાથે જોડાયેલા ડાઉન ટુ અર્થ વ્યક્તિની છાપ ધરાવતા ધમભાઈ સામે ભાજપને આંખે પાણી આવી જશે તે નક્કી છે.

વિધાનસભાની 6 બેઠકોની પેટા ચૂંટણી છે જેમાંથી કોંગ્રેસે 4 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા છે તેમાંથી 2 ઉમેદવાર તો પાટીદાર છે. અમરાઈવાડી ઉપરાંત બાયડ વિધાનસભામાં પણ કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે. ધવલસિંહની કોંગ્રેસમાંથી બળવાખોરીને કારણે ખાલી પડેલી બાયડ વિધાનસભા પેટા ચૂંટણી માટે કોંગ્રેસે જસુભાઈ પટેલને ટિકિટ આપી છે.

આ ઉપરાંત લુણાવાડામાં ગુલાબસિંહ ચૌહાણ અને થરાદ વિધાનસભામાં ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે.

અમરાઈવાડી વિધાનસભા અમદાવાદની સંપૂર્ણ શહેરી વિધાનસભા છે. જે મિક્સ મતદારો ધરાવે છે તો સાથે જ પાટીદાર મતો આ બેઠક પર નિર્ણાયક છે. અમરાઈવાડી, ભાઈપુરા – હાટકેશ્વર, ઇન્દ્રપુરી અને ઘોડાસર વિસ્તારના મતો આ બેઠક પર છે.

પાટીદાર ઉપરાંત હિન્દી ભાષી મતો પણ અમદાવાદમાં આ બેઠક પર સૌથી વધુ છે, આ ઉપરાંત માલધારી સમાજ અને દલિત સમાજના મતો આ બેઠક પર વધારે છે. આમ પાટીદાર મતો નિર્ણાયક હોવા સાથે મિક્સ મતો ધરાવતી બેઠક છે.

અમરાઈવાડી વિસ્તાર પણ અમદાવાદનો ઘણો સંવેદનશીલ ગણાય છે, આ બેઠક પર ધમભાઈની વ્યક્તિગત ઇમેજ ઘણી સારી અને કામ કરતા વ્યક્તિની છે તો સાથે જ કોંગ્રેસના કાર્યકરોની માંગણી પણ પાયાના માણસ ધમભાઈ પટેલને જ ટિકિટ આપવાની તરફેણમાં હતી.

સર્વસમાજમાં સારું નામ ધરાવતા, સામાજિક રીતે પણ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આ પાટીદાર યુવાનને ટિકિટ મળતા કાર્યકરો પણ ખુશ જણાઈ રહ્યા છે ત્યારે હવે પરિણામ કઈ દિશામાં આવે છે તે જોવું રહ્યું..