સરદાર પટેલના માનમાં કોંગ્રેસની સરકારોએ કર્યા છે આટલા કામ..જાણો

Spread the love

છેલ્લા કેટલાક વર્ષોથી એવું સાબિત કરવાનો પ્રયાસ થાય છે કે આજથી ૨-૩ વર્ષ અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ વિશેષ લોકો જાણતા નહોતા, સરદાર વલ્લભભાઈ પટેલ આજે કોઈ એક વ્યક્તિને લીધે જ પ્રખ્યાત થયા છે. પણ આવી વાતો ફેરવનારા એ જ લોકો હોય જેમણે બાળપણમાં ભણવામાં ધ્યાન આપ્યું ના હોય.

કોંગ્રેસની જ સરકાર દરમિયાન સરદાર પટેલના કાર્યો , દેશ માટે યોગદાન અંગે શિક્ષણમાં અનેક પાઠ ઉમેરવામાં આવ્યા હતા. અન્યાય સહન નહોતા કરતા એટલે તો સરદાર કહેવાયા. RSS પર પ્રતિબંધ મુકનારા કોંગ્રેસ પક્ષના નેતા  સરદાર પટેલ વિશે એમની વિરોધી વિચારધારાવાળા લોકો જ સરદારને અન્યાય થયો એમ કહી કહીને સરદાર સાહેબનું અપમાન કરતા ફરે છે.

સરદાર પટેલ ખેડૂતપુત્ર હતાં તેમજ સાદગીભર્યું જીવન જીવતા હતાં. આજેપણ તેમની સાદગીના ઉદાહરણ આપવામાં આવે છે. સરદાર પટેલ દેશના આટલા મોટા નેતા હોવા છતાં તેમજ દેશને એક કરનાર અખંડ ભારતના શિલ્પી હોવા છતાં તેઓ સીધા સાદા ઘરમાં જ રહેતા અને સાધારણ જીવનધોરણ જ જીવતા.

ભલે સાદું જીવન જીવતા પરંતુ ઉચ્ચ વિચારો રાખતા સરદાર પટેલ. તેઓ અમદાવાદના મેયર હતા ત્યારે વરસતા વરસાદમાં અડધી રાત્રે લોકોની પરિસ્થિતિ જાણવા નીકળી પડતા. જનસેવા અને જનતા પ્રત્યેની જવાબદારીની સાચી ભૂમિકા તેઓ ભજવતા. આજે જોવા મળે છે એવા કોઈ રાજનેતા ?

અમુક અજ્ઞાની લોકો અને અધુરી જાણકારીવાળા લોકો કહેતા હોય છે કે સરદાર પટેલ માટે કોંગ્રેસની સરકારોએ કઈ કર્યું જ નથી, કોઈ કામ નથી કર્યું.. બસ તેમની ઉપેક્ષા જ કરી છે.

તો આવો જાણીએ સરદારના નામે કોંગ્રેસની સરકારોએ કેટલા અને કયા કામો કર્યા છે, ક્યાં તેમણે મહત્વ આપ્યું છે.

ગુજરાત વિધાનસભાનું નામ સરદાર પટેલના મોટા ભાઈ વિઠ્ઠલભાઈ પટેલના નામે રાખ્યું, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર ડેમ બનાવ્યો કે જેનું ખાતમુહૃત પંડિત જવાહરલાલ નહેરુએ કરેલું ત્યારે તે ડેમનું નામ તેમણે ‘સરદાર સરોવર’ રાખ્યું.

અમદાવાદમાં સરદાર પટેલ સ્મારક બનાવ્યું, એરપોર્ટનું નામ ‘સરદાર પટેલ’ સાથે જોડ્યું. જે સમયે એરપોર્ટને સરદાર પટેલના નામ સાથે જોડવામાં આવ્યું ત્યારે ભાજપ જ તેના વિરોધમાં ખુલ્લેઆમ નીકળી હતી.

અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનને સરદાર પટેલ ભવન નામ આપ્યું, સ્પીપા (સરદાર પટેલ ઇન્સ્ટીટ્યુશન ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન), મધ્ય ગુજરાત યુનિવર્સીટી, અમદાવાદ સ્ટેડીયમને સરદાર પટેલના નામ સાથે જોડ્યું, સરદાર પટેલ કૃષિ યુનીવર્સીટી દાંતીવાડા, સુરતમાં SVNIT, સરદાર વલ્લભભાઈ ટેકનોલોજી ઇન્સ્ટીટ્યુટ, વલ્લભ વિદ્યાનગર, તેમના મોટાભાઈના નામે જી.આઈ.ડી.સી.નું નામ વિઠ્ઠલ ઉદ્યોગનગર, મુંબઈમાં સરદાર પટેલ ઇન્ડોર સ્ટેડીયમ, ઉકાઈ ડેમના તળાવને વલ્લભ સાગર યોજના નામ આપ્યું કોંગ્રેસની સરકારે.

પાલડી – જમાલપુરને જોડતો સરદાર બ્રિજ, સચિવાલયનું નામ સરદાર પટેલ ભવન જે બાદમાં ભાજપની સરકારે સ્વર્ણિમ સંકુલ કહ્યું, સરદાર પટેલને ભારત રત્નના ખિતાબ સાથે નવાજ્યા. આતો થઇ ગુજરાતની જ વાત.

ગુજરાત તો બરાબર પણ મધ્યપ્રદેશમાં પણ સચિવાલયને વલ્લભ ભવન નામ આપ્યું છે, હૈદરાબાદમાં પણ પોલીસમાં સર્વોચ્ય કહેવાતા આઈપીએસ ઓફિસરોના ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી નામ આપ્યું છે.

બિકાનેર, રાજસ્થાનમાં પણ સરદાર પટેલ મેડીકલ કોલેજ છે, તેમજ પોલીસ અને સિક્યુરીટી યુનીવર્સીટીને પણ સરદાર પટેલના નામે રાખવામાં આવી છે.

આ ઉપરાંત સરદાર પટેલની દેશભરમાં અનેક મૂર્તિઓ બનાવી, ચોક બનાવ્યા, વિસ્તારોને સરદાર નગર નામ આપ્યા. સરદાર પટેલના નામ સાથે અનેક સંસ્થાઓને જોડી, તેમાંય અમદાવાદમાં સરદાર પટેલ મેયર રહી ચુકેલા તેથી શહેરના મોટાભાગના જાહેર સ્થળોને સરદાર પટેલના નામ સાથે જોડવામાં આવ્યા.

તો સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ પણ કોંગ્રેસ પક્ષમાં મહત્વની ભૂમિકા ભજવી ચુક્યા છે તેમજ સાંસદ પણ રહી ચુક્યા છે. કોંગ્રેસની સૌપ્રથમ સરકારમાં સરદાર પટેલ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી પણ રહી ચુક્યા હતાં.

તેમજ જયારે ગાંધીજીની હત્યા બાદ નૈતિક જવાબદારીમાં ચૂક થઇ હોવાનું માનીને વડાપ્રધાન જવાહરલાલ નહેરુને રાજીનામું આપ્યું ત્યારે નહેરુએ તેમને મનાવી લીધા હતાં અને રાજીનામું સ્વીકારવાની સ્પષ્ટ ના કહી દીધી હતી. આ વાત નહેરુ અને સરદારના સબંધોમાં ગાઢ વિશ્વાસ સાબિત કરે છે.

આમ એક મહાન હસ્તી કે જેમનું નામ દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે, બાળકો શાળાના શિક્ષણથી જ જેમના પાઠ ભણે છે. દેશના દરેક માનવીને સરદાર પટેલનું મહત્વ ખબર છે. તેઓ લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી તરીકે ઓળખાય છે.

શું સાદગીના આદર્શ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ સરદાર સાહેબના નામે હજારો કરોડના ખર્ચા કરીને થતા રાજકીય ભાષણો અને દેખાડાને કહેવાય કે તેઓ જેમના હિતેચ્છુ હતાં તેવા ખેડૂતો, સામાન્ય લોકોની સાચી સેવા કરવાને કહેવાય ?