જો કોંગ્રેસ અજમાવશે આ દાવ.. તો અલ્પેશ ઠાકોરની થઇ શકે છે પેટા ચૂંટણીમાં હાર..!! જાણો

Spread the love

ગુજરાતમાં પેટા ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચુક્યા છે, વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીઓ છે અને આ ચૂંટણીના મુદ્દા, સમીકરણો અલગ જ હશે. લોકસભાની ચૂંટણીમાં ભલે ભાજપની જીત થઈ હોય પરંતુ વિધાનસભાની પેટા ચૂંટણીઓ તો સ્થાનિક મુદ્દે અને સ્થાનિક પરિબળો પર જ લડાશે.

ગુજરાતમાં રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, અમરાઈવાડી, લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી છે. જેમાંથી રાધનપુર વિધાનસભાનો મુકાબલો ખરાખરીનો જામશે. કારણકે તે બેઠક પરથી ભાજપમાંથી ઉતરશે અલ્પેશ ઠાકોર.

ભાજપ અને અલ્પેશ ઠાકોર એ સીટ પર જીતવાના દરેક પ્રયાસો કરશે તો સામે છેડે કોંગ્રેસ પણ આ બેઠક પર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા મહેનત કરશે. તેવામાં રાધનપુરનો જંગ વર્ષો પછી ફરીથી ચર્ચામાં આવશે.

અલ્પેશ ઠાકોરે ઠાકોર સેનાના નામે નામ પ્રસ્થાપિત કરીને રાજકારણમાં જોડાતા ઠાકોર સેનામાં પણ ભાગલા પડ્યા હતા. અંદરોઅંદર અનેક ડખા અને વિવાદ બાદ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ ગયા જો કે હજુસુધી સત્તાવાર નથી થયું પરંતુ કહેવાય છે તે પ્રમાણે રાધનપુરથી જ અલ્પેશ ઠાકોરને ભાજપ ટીકીટ આપશે.

જો ભાજપ અલ્પેશ ઠાકોરને લડાવે તો કોંગ્રેસે પણ સામે છેડે રાધનપુર બેઠક પર કોઈ મજબુત ઉમેદવાર ઉતારવા પડે. ત્યારે ચાલી રહેલી ચર્ચાઓ અનુસાર કદાચ ગેનીબેન ઠાકોરને પણ કોંગ્રેસ ટીકીટ આપી શકે છે. આ પરિસ્થિતિમાં રાધનપુરની લડાઈ ઘણી રોચક બની જાય.

અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ વાવ વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય અને ફાયરબ્રાન્ડ વક્તા અને નેતા ગેનીબેન ઠાકોરને ઉતારે તો સમાજમાં વર્ચસ્વ, કદ અને નામ તથા કાર્યોને જોતા ગેનીબેનની જીતની શક્યતા વધી જાય. ગેનીબેન વર્ષો જુના અનુભવી, સક્રિય અને સમાજ સેવા કરી રહેલા નેતા છે.

તો ગેનીબેનનું ઠાકોર સમાજમાં પણ મોટું નામ છે, જનતા માટે તેઓ કોઈની પણ સામે બોલવામાં ડરે તેવા નથી, તો ધારાસભ્ય બનીને પણ પ્રજાની વચ્ચે રહીને સતત કામગીરી કરતા રહ્યા છે. સાથે જ વર્ષોથી તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા રહ્યા છે એટલે કે પોતાનો સ્વાર્થ સાધવા ભાજપ જોડે નથી બેસી ગયા.

રાધનપુરમાં ઠાકોર સમાજના મતોનું પ્રમાણ વધારે છે અને ગેનીબેનનું ઠાકોર સમાજમાં સારું નામ હોવા સાથે જાતીવાદીનો સિક્કો નથી લાગેલો તેથી તેઓ અન્ય સમાજના મતો પણ આસાનીથી મેળવી શકે જ્યારે સામે અલ્પેશ ઠાકોર માટે તે શક્ય હોવું નથી જણાઈ રહ્યું.

આમ જો કોંગ્રેસ ગેનીબેન ઠાકોરને મેદાને ઉતારીને મોટો ખેલ પાર પાડે છે તો ભાજપ અને અલ્પેશ ઠાકોર માટે રાધનપુરની બેઠક પર જીતવામાં લોઢાના ચણા ચાવવા પડી શકે છે.