ડુપ્લિકેટ અને ફર્સ્ટ કોપી વચ્ચે હોય છે આ મોટો ફરક..!!

Spread the love

આપણે ત્યાં લોકોને આદત હોય છે, કદી પોતાનું ખોટું નહી સ્વીકારવાનું, હંમેશા પોતે જ સાચા એવું સાબિત કરતા રહેવું. એવું જ કંઈક વટ બતાવવાનું હોય છે, દરેક વ્યક્તિને ભારે બ્રાન્ડનો શોખ હોય છે, બ્રાન્ડેડ આઈટમોનો ઉપયોગ કરનારામાંથી ૭૦ ટકા લોકો તો પોતે મોંઘી બ્રાન્ડની વસ્તુઓ વાપરે છે એવું સ્ટેટ્સ જ બતાવવા માંગતા હોય છે. હવે જેને બ્રાન્ડેડ વસ્તુઓ પોષાતી હોય તેને તો ઠીક છે પણ જેને ના પોષાતી હોય તેને પણ એના શોખના કોડ જાગતા હોય છે.

સવાલ રોલા પાડવાનો હોય છે, કંઈક બતાવી દેવાનો હોય છે કે તમે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરો તો અમે પણ કઈ કમ નથી..

ત્યારે વગર રૂપિયે બ્રાન્ડેડના શોખ રાખવાવાળાઓ માટે વિકલ્પ છે જે તે બ્રાન્ડની ડુપ્લિકેટ વસ્તુનો. અત્યારસુધી ડુપ્લિકેટના નામે વસ્તુ વેચાતી તે હમણાંથી ફર્સ્ટકોપીના નામે વેચાય છે, મન મનાવવા માટે તો ફર્સ્ટકોપી એક સારો શબ્દ આપી દેવામાં આવ્યો છે પરંતુ છે તો તે પણ ડુપ્લિકેટ જ.

શું છે ડુપ્લિકેટ અને ફર્સ્ટ કોપી વચ્ચેનો ફરક ?

તમે કોઈને પૂછશો કે તમારી આ ઘડિયાળ અથવા ટી શર્ટ ડુપ્લિકેટ છે ? તો સામેથી જવાબ આવશે કે ના ડુપ્લિકેટ નહી ફર્સ્ટ કોપી છે. ત્યારે કોઇપણ વ્યક્તિ તેવું જ સમજે કે ફર્સ્ટ કોપીનો મતલબ ફેક્ટરી સેકન્ડ અથવા તો કંપની દ્વારા ડેમો – સેમ્પલ માટે અપાયેલી પ્રોડક્ટ હશે.

પરંતુ હકીકતમાં તમે જે તે બ્રાન્ડની વસ્તુંને ડુપ્લિકેટ કહો કે ફર્સ્ટ કોપી કહો તે બન્ને છે તો ડુપ્લિકેટ જ. સામાન્ય માન્યતા અનુસાર ‘ડુપ્લિકેટ’ નામ અપાયેલી વસ્તુ કરતાં ‘ફર્સ્ટ કોપી’ નામ અપાયેલી વસ્તુની ગુણવત્તા થોડીક વ્યવસ્થિત હોય છે. જો કે હકીકતમાં ડુપ્લિકેટ વસ્તુ હોય છે તેને તરત જ ઓળખી શકાતી હોય છે પરંતુ ફર્સ્ટ કોપી વસ્તુ હોય છે તેને પારખવી ઘણી અઘરી રહે છે – તે ઓરીજનલ જેવી જ દેખાતી હોય છે.

ઉ.દા. તરીકે જો Adidas કંપનીની ડુપ્લિકેટ પ્રોડક્ટ હશે તો તેના પર Abidas અથવા તો કોઈ અન્ય ફેરફાર હશે, ગુણવત્તા અને ટેગથી લઇ કલર સુધી જોતા ભેગો જ ખ્યાલ આવી જાય કે આ વસ્તુ ડુપ્લિકેટ છે, પરંતુ ફર્સ્ટ કોપી વસ્તુ હશે તો તે દેખાવથી કોપી ટુ કોપી ઓરીજનલ જેવી જ હશે, ઘણું ધ્યાન રાખીને બનાવવામાં આવે છે અને એટલે જ તે કહેવાય છે ‘ ફર્સ્ટ કોપી’. સરવાળે ફર્સ્ટ કોપી છે તો ડુપ્લિકેટ જ પરંતુ તે સોફેસ્ટીકેટેડ ડુપ્લિકેટ છે કે જેને જોઇને માણસ મન મનાવી શકે અને બતાવી શકે કે મે ઓરીજનલ વસ્તુ જ લીધી છે.

શું કારણ હોય છે ફર્સ્ટ કોપી પ્રોડક્ટ ખરીદવાનું ?

ઉપર કહ્યું તેમ ઘણા લોકો ઓરીજનલ ખરીદવાની શક્તિ ના હોય છતાં પોતે પૈસાદાર છે, શોખીન છે તેવું બતાવવા ફર્સ્ટ કોપી પ્રોડક્ટ ખરીદતા હોય છે, કોઈકની જોડે રૂપિયા તો હોય – ઓરીજનલ ખરીદવાની શક્તિ તો હોય પરંતુ ખિસ્સામાંથી રૂપિયા છૂટતા ના હોય તેવા લોકો સ્સ્તાના ચક્કરમાં ફર્સ્ટ કોપી લઇ લે છે, તો દેશમાં એવા લોકો પણ પડ્યા છે કે જે ફર્સ્ટ કોપીને ઓરીજનલ જ માનીને હોંશે હોંશે ખરીદતા હોય છે, આ સિવાય જે ઓરીજનલ વસ્તુ ખરીદી તો શકે પરંતુ સાચવી ના શકતા હોય તે પોતાનો શોખ પૂરો કરવા ફર્સ્ટ કોપી પ્રોડક્ટ ખરીદતા હોય છે.

પ્રોડક્ટ ઓરીજનલ છે કે ફર્સ્ટ કોપી, કઈ રીતે પારખવી ?

  • ફર્સ્ટ કોપી / ડુપ્લિકેટ ખરીદનારને તો કોઈ ફિકર નથી પરંતુ પુરા રૂપિયા આપીને ખરીદનાર વ્યક્તિને ચિંતા થાય કે મે લીધેલી વસ્તુ ઓરીજનલ છે કે ફર્સ્ટ કોપી ? તે કઈ રીતે ઓળખવી ?
  • તેના માટે સૌથી પહેલા તો ઓરીજનલ પ્રોડક્ટનો પૂરો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે,
  • ઓરીજનલ વસ્તુ ખરીદવા ઓથોરાઈઝડ ડીલરને ત્યાંથી જ ખરીદી કરવી જરૂરી છે,
  • ઓરીજનલ વસ્તુમાં માત્ર દુકાનદાર નહી પરંતુ કંપનીની વોરંટી મળતી હોય છે, માટે તે ખાતરી કરવી જરૂરી છે,
  • ઓરીજનલ વસ્તુ લાંબા સમય સુધી ટકી રહે છે, ફર્સ્ટ કોપી વસ્તુ હલકી ગુણવત્તાની હોય છે – માત્ર દેખાવ ખાતર જ ઓરીજનલ જેવી હોય છે માટે તે ટૂંકા સમયમાં જ અટકી જતી હોય છે,
  • ઓરીજનલ વસ્તુ અને ફર્સ્ટ કોપી વસ્તુનો ફરક ઘણીવાર ડિઝાઈન અને ફિનિશિંગ પરથી પણ જાણી શકાય છે,
  • ઓરીજનલ વસ્તુનો ભાવ ઉંચો હોય છે અને ફર્સ્ટકોપીનો ભાવ ઓછો હોય છે,

આમ આ ફરક છે ઓરીજનલ, ડુપ્લિકેટ અને ફર્સ્ટ કોપી પ્રોડક્ટ વચ્ચેનો, જેમ આજકાલ લોકોને ટૂંકાગાળામાં વધારે કમાઈ લેવું હોય છે તેમ વગર પૈસે પણ દેખાડા કરવાના શોખ થતા હોય છે તેથી જ તેમના કારણે ફર્સ્ટ કોપીનું બજાર તેજીમાં ચાલતું રહે છે. જો કે વ્યક્તિ ફર્સ્ટ કોપીના નામે સસ્તું અને ડુપ્લિકેટ લેવાને બદલે ઓરીજનલ લઇ શકે તેટલો સદ્ધર થવાનું હકારાત્મક વિચારે અને અસલી જ વસ્તુ ખરીદે તો તેના મનને સાચો સંતોષ મળે, અને ઓરીજનલની સામે ડુપ્લિકેટનું માર્કેટ દેશના અર્થતંત્રને નુકસાન કરતું પણ મટે.

પણ હવે આતો વ્યક્તિગત વિચારો પર નિર્ભર કરે છે.

તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો જરૂરથી Share કરો….