ઇન્ડીયન એરફોર્સના એક્સ આર્મીમેન જોડાયા કોંગ્રેસમાં..

Spread the love

ભૂતપૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશિક (ફ્લાઈટ એન્જીનીયર, ભારતીય વાયુ સેના) પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની ઉપસ્થિતિમાં “રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો.

આજ રોજ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે એક પત્રકાર પરિષદ સાથે વાર્તાલાપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ ભૂતપૂર્વ સાર્જન્ટ અને તેમની ટીમને કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે આવકારતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની વિચારધારા અને સશક્ત નેતૃત્વથી પ્રેરિત થઈને કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે.

હાલમાં દેશની સેનાના નામે વડાપ્રધાન ખોટો જશ લઇ રહ્યા છે અને જનતાને ગુમરાહ કરી રહ્યા છે ત્યારે સાર્જન્ટ અનીલ કુમાર અને તેમના સાથીઓ આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે અને તેઓ સેનાની સાચી કાર્યશૈલીથી જનતાને વાકેફ કરશે.

આ પત્રકાર પરિષદમાં ભૂતપૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર કૌશિકે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન સેનાએ કરેલા કાર્યનો પ્રચાર પોતે કરેલા કાર્યો છે તેમ જણાવી રહ્યા છે તેનાથી શહીદ સૈનિકોના પરિવારો વ્યથિત છે.

ભૂતપૂર્વ સાર્જન્ટ અનીલ કુમાર પોતે પણ સર્જીકલ સ્ટ્રાઈકના એક ભાગ તરીકે રહી ચુકેલા છે અને તેઓએ ૧૨૦૦ કલાકથી પણ વધુ ઉડ્ડયન કરેલ છે અને તેમને સાડા સત્તર વર્ષ વાયુસેનામાં સેવા આપેલ છે.

આ દરમિયાન તેઓ એચ.એ.એલ. સાથે જગુઆર ઓપરેશનમાં પણ સામેલ હતા. તથા શ્રીલંકા, મિઝોરમ વગેરે સ્થળોએ વાયુસેનાના ઓપરેશનની કામગીરી કરેલ હતી.

રાફેલ ભ્રષ્ટાચારના મુદ્દે પુછાયેલ પ્રશ્નમાં એમને જણાવ્યું હતું કે, “જહાં ધુઆઁ ઉઠતા હૈ, વહાં આગ તો હોતી હી હૈ”, સુરક્ષાના નામે સરકાર શા માટે વાસ્તવિકતાને છુપાવી રહી છે ?

કેપ્ટન અભિનંદનને પાકિસ્તાન દ્વારા મુક્ત કરવા વિષે જણાવ્યું હતું કે, ભૂતકાળની કોંગ્રેસની સરકારમાં પણ આપણા પાયલોટને પાકિસ્તાનથી બે દિવસમાં પરત લાવવામાં આવ્યા હતા.

તે વખતની સરકાર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનો શ્રેય લેવામાં આવ્યો ન હતો. સેનાને છૂટ આપવાની બાબતે તેમને જણાવ્યું હતું કે, સેના હંમેશા ખડેપગે જ હોય છે અને તે હંમેશા તેના સુપ્રિમ કમાન્ડરના આદેશથી દેશની સુરક્ષા માટે કાર્ય કરતી રહી છે અને કરતી રહેશે.

સર્જીકલ સ્ટ્રાઈકના મુદ્દે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ઘણી સર્જીકલ સ્ટ્રાઈક કોંગ્રેસ શાષિત સરકારમાં કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ સરકાર દ્વારા મત માટે સેનાના નામનો કદી દુરુપયોગ કરવામાં આવ્યો ન હતો.

આ પત્રકાર પરિષદમાં સોશિયલ મીડિયા વિભાગના કોઓર્ડીનેટર હેમાંગ રાવલ તથા રાજકોટ ઝોનલ ઈન્ચાર્જશ્રી સંજય ગઢિયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

( ભરત દેસાઈ)