ખેડૂતલક્ષી: વધારે વરસાદથી ઉભા પાકને નુકસાન થયું છે, તો જાણો સરકારને કેવી રીતે કરવી અરજી

Spread the love

ચાલુ વર્ષે આસો મહિનો આવી ગયો છે, નવરાત્રી શરુ થઇ ગઈ છે તેમ છતાં વરસાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યો, લીલો દુકાળ પડી રહ્યો હોવાને કારણે હવે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. ખેડૂતોનો પાક હવે ખરાબ થઇ રહ્યો છે અને નુકસાની થઇ રહી છે ત્યારે સરકારને અરજી કરીને વળતરની માંગણી માટે વિરોધ પક્ષ કોંગ્રેસે ખેડૂતોનું કામ આસાન બનાવ્યું છે.

કોંગ્રેસના કિસાન મોરચાના ગુજરાતના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ સોશિયલ મિડિયા પર આ અરજીનો એક નમુનો ફરતો કર્યો છે અને સાથે જ ખેડૂતો સુધી તે પહોંચાડી મહત્તમ અરજી કરાવવા અપીલ કરી છે.

સોશિયલ મીડિયા પર વાયરલ કરેલો મેસેજ

વ્હાલા ખેડૂત ભાઈઓ.

ખેડૂતોના હિતમાં અતી જરૂરી માહિતી પહેલા શેર કરો પછી આખો લેખ વાંચો

કોઈ ગામમાં ખેતરોમાં પાણી ભર્યા છે ? રેચ ફૂટી ગયા છે ? પાક નિષ્ફળ જાય એમ છે ? તો પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જોગવાઈઓ મુજબ આ લેખમાં લખ્યું એટલું અવશ્ય કરો.

(અરજીનો નમૂનો આ લેખમાં સૌથી નીચે છે)

કુદરત મહેરબાન થઈ છે…. મેહુલા વરહે ભલા…. અને મન મુકીને મેહુલિયો વરહિયો પણ છે….. જેના કારણે ઘણા ગામોમાં ઘણા ખેડૂતોના ઉભા પાક નષ્ટ પામવાના આરે છે….. ખેડૂતોનું મન મોટું હોય છે પાક નિષ્ફળ જવા છતાં હિંમત હરવાની જગ્યાએ સિયાળુ પાક સારો થશે તેવી અપેક્ષાએ કુદરત સામે જજુમતો રહે છે.

પરંતુ કાયદાની જોગવાઈઓનો પણ ખેડૂતોએ અભ્યાસ કરવો જોઈએ અને કાયદા મુજબ પોતાના હક્ક અધિકાર માંગવા જોઈએ તેના માટે લડત કરવા આગળ આવવું જોઈએ દરેક લડતમાં હકારાત્મક જ પરિણામ આવે એ જરૂરી નથી પણ જેમ કુદરત સામે ખેડૂત લડે છે તેમ સરકાર અને ખાનગી પાકવીમા કંપનીઓ સામે પણ લડત કરવી જોઈએ એવું મારુ સ્પષ્ટ માનવું છે. એવું ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાનું કહેવું છે
પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જોગવાઈ મુજબ પાકનું મૂલ્યાંકન કરવા માટે ગ્રામ સમિતિ બનાવવામાં આવે છે આ ગ્રામ સમિતિમાં સભ્ય તરીકે..

1) ચેરમન : તલાટી મંત્રી,
2) સભ્ય સચિવ : ગ્રામ સેવક
3)વાઇસ ચેરમેન : સરપંચ શ્રી
4) સભ્ય : પાક વીમા કંપનીના પ્રતિનિધિ
5) સભ્ય : ઉપ સરપંચ શ્રી,
6) અને 7) ગામના બે ખેડૂત આગેવાનો. ની બનેલી ગામ સમિતિ અછતગ્રસ્ત, અતિવૃષ્ટિ કે ક્રોપ કટિંગની કામગીરીનું રોજકામ કરી આપણાં (ખેડૂતો) પાકવીમાંનું નિર્ધારણ થતું હોય છે ગયા વર્ષે ગુજરાત ભર માં ખેડૂત આગેવાનોએ કરેલી લડતના કારણે આ ગ્રામ સમિતિઓ પહેલી વખત અસ્તિત્વમાં આવી છે નહિતર આ બધી જ સમિતિઓ કાગળ પર જ બની જતી અને કાગળ પર જ તમામ રિપોર્ટ થઈ જતા હવે આ ગ્રામ સમિતિઓ અસ્તિત્વમાં આવી જ છે તો તેમની પાસેથી આપણી પરિસ્થિતિ પ્રમાણે કામ લેવું એ આપણો હક્ક અને ફરજ બન્ને છે.

જે ગામોમાં જે જે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા છે તેવા ખેડૂતોએ જો કપાસ કે મગફળીનું વાવેતર કર્યું હોય અને તેનો પાકવીમો લીધો હોય તો તેમણે આટલું કરવું જરૂરી છે.
જિલ્લામાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી ને સંબોધન કરતી એક જ અરજી કરવી જોઈએ (એક જ અરજીમાં ઉપરોક્ત ત્રણેય અધિકારીઓને સંબોધીને અરજી કરી શકો ત્રણેયને અલગ અલગ અરજી કરવાની જરૂર નથી જુઓ અરજીનો નમૂનો) આ અરજીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાના કારણે પાક નિષ્ફળ જાય એમ હોય તાત્કાલિક પ્રધાનમંત્રી પાકવીમાં યોજના ની જોગવાઇ મુજબ બનેલી ગ્રામ સમિતિ દ્વારા અમારા ખેતરોની રૂબરૂ મુલાકત કરી પંચ રોજકામ કરી ખેડૂતને થયેલ પાકના નુકશાન ની આકારણી કરવામાં આવે તથા પાકવીમાં યોજના ની જોગવાઇ મુજબ પાકને થયેલ નુક્સાનીનું વળતર દિવસ 15 માં ચુકવવામાં આવે તેવી માંગણી કરવી જોઈએ.

નિમ્ભર તંત્ર અને તેની સાથે મિલીભગત કરી ખેડૂતોને ચૂસતી ખાનગી પાકવીમાં કંપનીઓ સરળતાથી આપણને કાઈ વળતર આપશે નહિ પણ લડત કરવી જરૂરી છે જેથી સરકાર અને ખાનગી વીમા કંપનીઓને પણ સમજાય કે હવે ખેડૂત જાગૃત થઈ ગયો છે આપણું લોલમલોલ હવે નહિ ચાલે.

જે જે ગામમાં ખેડૂતોના સામૂહિક ખેતરોમાં પાણી ભર્યા છે, જે જે ગામોમાં રેચ ફૂટી ગયા છે તેવા તમામ ગામોના આગેવાનોને વિનંતી છે કે એક અરજી તૈયાર કરો અને ગ્રામ સમિતિ દ્વારા નુકશાનિની આકારણી અને વળતરની માગણી કરો એવી વિનંતી છે.

અરજીનો નમૂનો

પ્રતિ,
1) જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી,
જિલ્લા પંચાયત ભવન,
લાલપુર રોડ, ખંભાળિયા,
જી. દેવભૂમિ દ્વારકા.

2) નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ),
જિલ્લા સેવા સદન,
લાલપુર રોડ, ખંભાળિયા,
જી. દેવભૂમિ દ્વારકા

3) ચેરમન શ્રી, DLMC, PMFBY,
જિલ્લા કલેકટર શ્રી,
જિલ્લા સેવા સદન,
લાલપુર રોડ, ખંભાળિયા,
જી. દેવભૂમિ દ્વારકા.

વિષય : અતિવૃષ્ટિ ના કારણે ખેતરમાં ભરાયેલા પાણી/રેચ
ફૂટી જવાના કારણે ઉભા પાકને થયેલ નુક્સાનીની
આકારણી કરી/કરાવી તાત્કાલિક વળતર અપાવવા
બાબત

માનનીય સાહેબ શ્રી,

જય કિસાન સાથ જણાવવાનું કે ચાલુ વર્ષ 2019-20 દરમિયાન કુદરત મહેરબાન થઈ છે અમો _____________ગામના_________તાલુકાના _________જિલ્લાના ખેડૂતો છીએ અમારે સતત____ દિવસથી વરસતા વરસાદના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે/રેચ ફૂટી ગયા છે અમારા ખેતરોમાં અમોએ મગફળી/કપાસનો પાક વાવ્યો હતો પરંતુ સતત વરસતા વરસાદને કારણે ખેતરોમાં ભરાયેલા પાણીના કારણે પાકના મૂળિયાં નબળા પડી ગયા છે/સળી ગયા છે પાક સંપૂર્ણપણે/અંશતઃ નિષ્ફળ જાય એમ છે ત્યારે આપ સાહેબ ને નમ્ર અરજ છે કે પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જોગવાઈઓ મુજબ અમારા ગામની ગ્રામ સમિતિ દ્વારા અમારા ખેતરોની મુલાકાત કરી, થયેલા નુકસાનની આકારણી કરવામાં આવે તથા તેનું ગ્રામ સમિતિ દ્વારા પંચ રોજકામ કરવામાં આવે અને જો આ ગ્રામ સમિતિ દ્વારા કરવામાં આવેલ આકારણીમાં ખરેખર નુકશાન માલુમ પડે તો પ્રધાનમંત્રી પાકવીમાં યોજનાની જોગવાઈ મુજબ દિવસ 15 માં વળતર આપવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે
આપનો આભાર.

લી. આપના વિશ્વાસુ

નોંધ : ઉપરોક્ત અરજી વ્યક્તિગત કે સામુહિક કરવા વિનંતી છે

પાલભાઈ આંબલિયા
ચેરમેન
ગુજરાત કિસાન કોંગ્રેસ
9924252499

ફેસબુક પોસ્ટ કે જ્યાંથી આ નમુનાની કોપી ડાઉનલોડ કરી શકશો :