ગાંધીનગર લોકસભા છે પાટીદારોનો ગઢ..!! અમિત શાહ જીતશે કે હારશે ? જાણો

Spread the love

લોકસભાની ચૂંટણી માટે ભાજપે મોટાભાગના નામોની જાહેરાત કરી દીધી છે, જેમાં દેશભરમાં ચર્ચા જગાવનાર નામ અને બેઠક છે ગાંધીનગર લોકસભા.

ગાંધીનગર તો ગુજરાતનું પાટનગર છે પરંતુ ગાંધીનગર લોકસભા શું છે ? ગાંધીનગર લોકસભામાં આવે છે અડધું ગાંધીનગર શહેર અને ત્રણ વિસ્તારોને બાદ કરીને પશ્ચિમ અમદાવાદ શહેર. તો બાકીનું ગાંધીનગર આવે છે અમદાવાદ પૂર્વ લોકસભામાં. એટલે ગાંધીનગર બેઠકમાં અમદાવાદ આવે અને અમદાવાદ બેઠકમાં ગાંધીનગર આવે..!! એને જ કહેવાય વિકાસ

હવે ગાંધીનગર લોકસભાની જો વાત કરીએ તો તેમાં આવે છે ગાંધીનગર ઉત્તર વિધાનસભા, કલોલ વિધાનસભા, ઘાટલોડિયા વિધાનસભા, સાબરમતી વિધાનસભા, નારણપુરા, વેજલપુર વિધાનસભા અને સાણંદ વિધાનસભા.

હવે આ લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તરને બાદ કરતાં બાકીની બધી બેઠકો પર પાટીદારોના મતો નોંધપાત્ર છે. કલોલ વિધાનસભામાં પાટીદાર અને ઠાકોર મતો વધુ છે, સાબરમતી વિધાનસભામાં સાબરમતી, રાણીપ, ચાંદલોડિયા તેમજ શાયોના સિટી તરફનો એક હિસ્સો આવે જેમાં મહત્તમ વસ્તી પાટીદારોની છે.

ઘાટલોડિયા વિધાનસભામાં પણ પાટીદારોની મહત્તમ વસ્તી ધરાવતો ઘાટલોડિયા વિસ્તાર ઉપરાંત થલતેજ, ગોતા, બોડકદેવ, બોપલ – ઘુમા વિસ્તાર આવે છે જ્યાં પાટીદારોના મતો ૨૫ ટકા કરતા પણ વધુ છે. નારણપુરા વિધાનસભામાં પણ પાટીદારોના મતો મહત્તમ છે.

તો વેજલપુર વિધાનસભામાં વેજલપુર, જીવરાજપાર્ક, સેટેલાઈટ – જોધપુર, સરખેજ, જુહાપુરા જેવા વિસ્તારો આવે છે, જ્યાં જોધપુર – વેજલપુર સહિતના વિસ્તારોમાં પાટીદારોના મતો ઘણા છે, આ ઉપરાંત સાણંદમાં સૌથી વધુ મતો કોળી સમાજના છે પરંતુ પાટીદારોના મતો પણ નોંધપાત્ર છે.

આમ સમગ્ર ગાંધીનગર લોકસભામાં સૌથી વધારે મતો પાટીદાર સમાજના છે, જ્યાંથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. હવે પાટીદારોમાં અમિત શાહનો વિરોધ ઘણો વધારે છે તેવું કહેવાય છે તો આ ચૂંટણીમાં તેઓ જીતશે કે હારશે તેવો પ્રશ્ન થાય.

ત્યારે જો વાત કરીએ તો મોટા વરાછામાં જનરલ ડાયર હાય હાયના નારાઓ સાથે અમિત શાહનો ભારે વિરોધ થયો હતો, ત્યારપછી હજુસુધી વરાછામાં નરેન્દ્ર મોદી કે અમિત શાહ કોઈ કાર્યક્રમમાં નથી ગયા. તો મહેસાણામાં પણ ઘણો વિરોધ છે.

ગાંધીનગર લોકસભામાં રહેતા પાટીદારોમાં ય મહેસાણા તરફના પાટીદારોની વસ્તી ઘણી વધારે છે પરંતુ મહેસાણામાં ભાજપનો વિરોધ અને અમદાવાદમાં ભાજપને સમર્થન જેવો ઘાટ છે.

અમદાવાદમાં પાટીદાર આંદોલન શરુઆતના સમયને બાદ કરતાં ખાસ કઈ ચાલ્યું નથી, અમદાવાદમાં કોઈ મજબુત પાટીદાર નેતાને પાટીદાર આંદોલનની કમાન મળી નથી અને તે જ વાત ભાજપને વધુ ફાયદો કરાવી જાય છે.

તો અમદાવાદમાં આ વિસ્તારોમાં રહેતા પાટીદારોમાં ઘણા પરિવારોમાં કોઈ ને કોઈ વિદેશ હોય જ છે, જેથી તેમની આર્થિક પરિસ્થિતિ મજબુત છે અને સુખી છે.

તો અમદાવાદ શહેરની મહત્તમ પ્રજા મિડિયા અને સોશિયલ મિડિયાના પ્રભાવમાં રહેતી હોય છે, જેમાં ભાજપ સિવાય કોઈ વાત નથી હોતી, રસ્તાથી લઈને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અમદાવાદમાં ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનની નિષ્ફળતા હોવા છતાં લોકો કોઈ અવાજ ઉઠાવતા નથી.

ભલે પોતાના વિસ્તારમાં અનેક સમસ્યાઓ હોય પણ એને નજરઅંદાજ કરશે, પોતાના વિસ્તારમાં કોર્પોરેટર કે ધારાસભ્ય કોણ છે તે પણ મોટાભાગના અમદાવાદીઓને ખબર નહીં હોય, બસ કમળને મત આપી દેવો એટલું જ શીખ્યા છે.

અમદાવાદના ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં સૌથી વધુ પોલીસ કાર્યવાહી થઇ હતી, લોકોના ઘરોમાં તોડફોડ, ગાળો આપવાથી લઈને ગાડીઓના કાચ ફોડવા અને કેસ કરવા સુધીની કાર્યવાહી થઇ હતી જેને પાટીદારો દમન કહે છે તે થવા છતાં તેના ત્રણ જ મહિનામાં યોજાયેલી કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપને આ બધા વિસ્તારોમાં ભારે બહુમતીથી જીતાડી હતી.

એટલે હવે તો ચાર વર્ષ થયા, તમે જ સમજી શકો છો કે હવે તો ભાજપમાંથી અમિત શાહ હોય કે કોઇપણ હોય, આ બેઠકથી તે જીતી જાય તે નિશ્ચિત જ છે.

જેથી ગાંધીનગર લોકસભા ગુજરાતની જ નહીં પણ દેશની ભાજપ માટેની સૌથી સેફ બેઠક છે અને કોઈ બીજા નેતાને પડકાર આપવાને બદલે કે કોઈ અઘરી બેઠક પર જઈને, લડીને જીતી બતાવવાને બદલે અમિત શાહે આ સેફ બેઠક પસંદ કરી છે કે જેથી રેકોર્ડબ્રેક માર્જીનથી જીતી શકાય.