‘ગણપતિ બાપ્પા મોરિયા’ ના નાદમાં શું છે ‘મોરિયા’ શબ્દનો મતલબ.. જાણો

Spread the love

ગણેશ ચતુર્થી હોય કે ગણપતિ બાપ્પાની પૂજા હોય ત્યારબાદ ગણપતિ બાપ્પા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા એવો નાદ જોરજોરથી લગાવવામાં આવે છે.

આપણે પણ તેમાં જોડાઈએ છીએ અને ‘મોરિયા’ ‘મોરિયા’ના નાદ લગાવીએ છીએ પરંતુ શું ક્યારેય તે જાણવાનો પ્રયત્ન કર્યો છે ખરો કે આ ‘મોરિયા’ શબ્દ પાછળ શું કારણ છે ? કેમ ‘મોરિયા’ બોલવામાં આવે છે ?

ગણેશોત્સવમાં રાત્રે વાતાવરણ ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી ઉઠતું હોય છે, પરંતુ હવે આપણે જાણીએ કે કેમ આ નારો બોલાય છે.

મરાઠી ગ્રંથોમાં થયેલા ઉલ્લેખ અનુસાર મોરયા ગોસાવી નામના એક સુવિખ્યાત ગણેશ ભક્ત પુણે પાસેના સમીપ ચિંચવડમાં રહેતા હતા, તેઓ મૂળ કર્નાતાકના સંત હતા.

મોરિયા ગોસાવીએ ચિંચવડમાં કઠોર ગણેશ સાધના કરી હતી, કહેવાય છે કે મોરિયા ગોસાવીએ ત્યાં જ જીવતા સમાધિ લીધી હતી. ગણપતિ બાપ્પાએ જાતે તેમને આશીર્વાદ આપ્યા હોવાનું કહેવાય છે.

મોરિયા ગોસાવી શાલીગ્રામ કર્નાટકના બિડાર ગામમાં ૧૪ મી સદીમાં જન્મ્યા હતા. તેમણે આકરુ તપ કરીને ગણપતિ દાદાની આરાધના કરી હતી.

એવું મનાય છે કે ગણપતિ દાદાએ મયુરેશ્વરના સ્વરૂપમાં સાક્ષાત મોરિયાને દર્શન આપ્યા હતા.

ગણેશજીએ જ્યારે મોરિયાને વરદાન માંગવા કહ્યું હતું ત્યારે તેણે કહ્યું કે તે ગણેશજી સાથે એક થવા માંગે છે.

આથી તે દિવસથી મોરિયાનું નામ ગણપતિ દાદાના નામ સાથે જોડાઈ ગયું છે તેવું કહેવાય છે અને ગણેશ ભક્તોએ ગણપતિના નામ સાથે મોરિયાના નામનો જયઘોષ પણ શરુ કરી દીધો.

મોરિયાને સિદ્ધ યોગીરાજે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં જઈને તપશ્ચર્યા કરવા જણાવ્યું હતું. મોરિયાએ 42 દિવસ ઉપવાસ કરીને આદ્યાત્મિક જાગૃતિ કેળવી.

સાત પેઢી સુધી મોરિયા વંશના લોકો ગણેશજીના પ્રખર ભક્તો હતો. આ સાતે પેઢીના લખાણો ઉપલબ્ધ છે.

ગ્રંથોમાં ઉલ્લેખ છે કે મોરિયાએ અમદાવાદના સિદ્ધિવિનાયક મંદિર અને મોરેગાંવના મોરેશ્વર મંદિરમાં પણ તપ કર્યું હતું. મોરિયાને પછી પુણેના ચિંચવાડ જવાનો બુલાવો આવ્યો અને ત્યાં તેણે ગણેશ મંદિરનું નિર્માણ કર્યું.  ત્યારબાદ આ ગણેશ મંદિર દુનિયાભરમાં વિખ્યાત થયું.

તેમણે અહીં અન્ન દાનને પ્રોત્સાહન આપ્યું અને ગરીબોના ભોજન માટે રસોડા પણ બનાવ્યા.પિંપરી ચિંચવાડ મ્યુનિસિપલ કોર્પોરેશનના રેકોર્ડ મુજબ મોરિયાએ સંજીવન સમાધિના માધ્યમથી પોતાના જીવનનો ત્યાગ કર્યો.

તેમણે પાવન નદી નજીક 1561માં માગશર મહિનાના છઠ્ઠા દિવસે 186 વર્ષની ઉંમરે જીવ ત્યાગ્યો હતો.

હાલમાં જે મંદિર છે તે 456 વર્ષ પહેલા બંધાયેલા પ્રથમ મંદિર કરતા અનેક ગણુ વધારે આધુનિક છે. આ મંદિર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તેમાં ગણેશજીની મૂર્તિ મોરિયા ગોસાવીના મસ્તક પર છે.

આ મૂર્તિ બનાવવાની શરૂઆત 27 ઓક્ટોબર 1658માં કરવામાં આવી હતી અને તેનું કામ 13 જૂન 1659 રોજ પૂર્ણ થયું હતું. ચિંચવાડમાં મોરિયા ગોસ્વામીના નામે એક ગાર્ડન અને રસ્તો પણ છે.

ભારતમાં દેવતા જ નહીં, તેમના ભક્તોની પણ પૂજા થાય છે. આસ્થાની આગળ તર્ક, જ્ઞાન, બુદ્ધિ જેવા ઉપકરણ કામ નથી કરતા. આસ્થાના સુત્રોની શોધ ઇતિહાસના પન્નાઓ પર ના કરી શકાય.

આસ્થામાં તર્ક બુદ્ધિ નહીં મહિમા પ્રભાવી હોય છે. પ્રથમ નજરે દેખાતું તથ્ય તો તેવું જ કહે છે કે ગણપતિ બાપ્પા મોરિયાની પાછળ મોરિયા ગોસાવી જ છે. બીજું તથ્ય તેવું પણ કહે છે કે ‘મોરયા’ શબ્દની પાછળ મોરેગાંવના ગણેશ છે.