સાતમું પગારપંચ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે આવ્યા આનંદના સમાચાર..

Spread the love

૨૦૧૯ માં લોકસભા ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, કહેવાઈ રહ્યું છે કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓની માંગણી બાદ તેમને ખુશ કરવા માટે કેટલાક મહિનામાં મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લઇ શકે છે. મિડિયામાં આવેલી ખબરો અનુસાર સરકાર આ વિશે વિચાર કરી રહી છે. જાણકારી માટે જણાવી દઈએ કે આમતો વર્ષમાં બે વખત સરકાર મોંઘવારી ભથ્થું કર્મચારીઓ અને પેન્શનધારકોને આપે છે.

જાન્યુઆરી અને જુલાઈથી આ લાગુ કરવામાં આવે છે. તે વાત અલગ છે કે સરકારની જાહેરાતમાં થોડી ઘણી વાર થઇ જાય છે. જેમ ૨૦૧૮ ના માર્ચમાં નાણામંત્રી અરુણ જેટલીએ મોંઘવારી ભથ્થું વધારવાની જાહેરાત કરી હતી, જે જાન્યુઆરી ૨૦૧૮ થી લાગુ કરવામાં આવ્યું હતું.

હવે જુલાઈ છે અને એકવાર કેન્દ્રીય કર્મચારી અને પેન્શનધારકો સરકાર તરફથી રાહ જોઇને બેઠા છે કે ક્યારે સરકાર આ અંગે જાહેરાત કરે છે. જોવામાં આવ્યું છે કે જુલાઈમાં લાગુ થનારું મોંઘવારી ભથ્થું સરકાર ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં જાહેર કરે છે.

જણાવી દઈએ કે માર્ચમાં કેન્દ્ર સરકારે દેશના લગભગ ૧.૧૦ કરોડ સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરી આપ્યો હતો. ત્યારથી સરકારી કર્મચારીઓને પાંચ ટકાને બદલે સાત ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. નવા દરો આ વર્ષની ૧ જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળની વડાપ્રધાનની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને ૧ જાન્યુઆરીથી અત્યારસુધી મોંઘવારી ભથ્થું જોડીને વેતન – પેન્શન મળી રહ્યું છે. નોંધનીય છે કે આ મંજુરી બાદ કેન્દ્ર સરકારના ૪૮.૪૧ લાખ કર્મચારીઓ અને ૬૧.૧૭ લાખ પેન્શનધારકોને ફાયદો મળી રહ્યો છે. આ નિર્ણય બાદ સરકારી ભંડોળ પર વાર્ષિક ૬,૦૭૭.૭૨ કરોડ રૂપિયાનો વધારાનો ભાર પડી રહ્યો છે.

ખાસ વાત તે છે કે મોંઘવારી ભથ્થાની આ વૃદ્ધિ સ્વીકાર્ય ફોર્મ્યુલા અનુસાર થઇ હતી. આ ફોર્મ્યુલા સાતમાં કેન્દ્રીય પગાર પંચની ભલામણો પર આધારિત છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનધારકોનું મોંઘવારી ભથ્થું એક ટકા વધારીને પાંચ ટકા કરી દીધું હતું. આ નિર્ણયથી ૫૦ લાખ કર્મચારીઓ અને ૬૧ લાખ પેન્શન ધારકોને ફાયદો થયો હતો.