ગુજરાત પેટા ચૂંટણીમાં ભૂંડી હાર પછી ભાજપમાં સર્જાઈ શકે છે ભૂકંપ..

Spread the love

ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપની ૬ માંથી ૩ બેઠકો પર હાર થઇ છે અને અમરાઈવાડી વિધાનસભા શહેરી વિસ્તાર હોવા છતાં માંડ માંડ જીતી છે ત્યારે ગુજરાતમાં ભાજપની આબરુનું મોટાપાયે ધોવાણ થયું છે.

ભાજપમાં કોંગ્રેસમાંથી નેતાઓને જોડીને મોટો અખતરો કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપમાંથી મોટા ગજાના નેતાઓની પણ હાર થઈ છે અને આ પરિણામ પછી હવે ભાજપે કોંગ્રેસમાંથી નેતાઓને આયાત કરીને લાવવું પણ મુશ્કેલ બની રહેવાનું છે.

ગુજરાતને પોતાનો ગઢ ગણાવતી ભાજપે અહી લોકસભા ચૂંટણીમાં ભારે માર્જીન સાથે ૨૬ બેઠકો જીત્યા બાદ ૩૭૦ ની કલમ અને રાષ્ટ્રવાદના મુદ્દે ઐતિહાસિક લોકપ્રિયતા મેળવી હોવાના દાવા કર્યા હતા.

ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ મુખ્યમંત્રી તો રાષ્ટ્રવાદ અને કાશ્મીરના નામે વોટ માંગતા હતા પણ જનતા સિંચાઈ અને પીવાનું પાણી અને રોજબરોજની સમસ્યાઓ સામે સુવિધા માંગતી હતી.

ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાએ પણ ચાર્જ સંભાળ્યા બાદ દેશભરમાં કોંગ્રેસની પરિસ્થિતિ રહી તે પ્રમાણે પડકારનો જ સામનો કરવો પડ્યો છે, આ પરિસ્થિતિ સામે તેઓ પણ મજબુર જણાયા પરંતુ તેમની જે સંગઠન શક્તિ અને આવડતને જોઇને પ્રમુખ બનાવાયેલા તેનો પરચો આ પેટા ચૂંટણીમાં મળી ગયો.

આ પેટા ચૂંટણીમાં ત્રણ મહિના અગાઉ લોકસભા ચૂંટણીની સરખામણીમાં ભાજપની લીડમાં ૫૦ હજારથી લઈને ૮૦ હજાર મતો સુધીનું નુકસાન થયું છે, જે ખરેખર ભાજપ માટે શરમજનક કહેવાય.

અન્ય બે રાજ્યોમાં માંડ માંડ પણ ભાજપની સરકાર બન્યા બાદ અને ગુજરાતમાં ૬ માંથી ૩ બેઠકો જીતવા છતાં ભાજપ કાર્યાલયે કાગડા ઉડતા હતા, દેખાડવા ખાતરની ઉજવણી કરવામાં આવી.

કોંગ્રેસે પોતાની બાયડ અને રાધનપુર બેઠક તો પાછી મેળવી જ લીધી પણ ભાજપના ગઢ સમાન ગણાતી થરાદ વિધાનસભા પણ ઝુંટવી લીધી છે.

ગુજરાતમાં ભાજપના આ ખરાબ પ્રદર્શનની વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસની રણનીતિ, પ્રચાર અને સંગઠન સામે અનેક ગણા રૂપિયાના ખર્ચ છતાં તેની સરખામણીએ ભાજપ વામણી પુરવાર થઇ છે અને આવનારા સમયમાં વધુ ચોંકાવનારા પરિણામો આવી શકે છે.

ત્યારે વડાપ્રધાન અને ગૃહ મંત્રીના હોમ ગ્રાઉન્ડમાં ભાજપના ધોવાણથી તેમના પર પણ પ્રશ્નો ઉભા થઇ શકે છે ત્યારે હવે ગુજરાત ભાજપમાં મોટા પરિવર્તનો આવી શકે છે.

ગુજરાતમાં ભાજપમાં આ બેઠકો પર ટીકીટ વહેંચણીમાં ભારે વિરોધ અને આંતરિક ડખા જોવા મળ્યા હતા. આંતરિક અસંતોષ અને પક્ષ વિરોધી કામગીરી કરનારાઓ સામે પગલા લેવા ઉપરાંત જેમને જવાબદારી સોંપી હતી અને તેમાં નિષ્ફળ રહ્યા તેમને તથા નિષ્ફળ પ્રદેશ નેતાગીરી સામે હવે પરિવર્તન પણ આવી શકે છે.

ત્યારે જો ભાજપમાં નેતાઓને કટ ટુ સાઈઝ કરવામાં આવશે તો આંતરિક ડખો હજુ વધી શકે છે અને યથાવત રાખવામાં આવશે તો આંતરિક અસંતોષ તથા આવા જ પરિણામો આવતા રહે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે ભાજપ માથે આ એક નવું સંકટ ઉભું થયું છે અને બન્ને બાજુના દબાણમાં હવે ભાજપમાં આંતરિક ભૂકંપની શક્યતાઓ જોવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે ભાજપ પ્રમુખની ટર્મ પણ હવે ગણતરીના દિવસોમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે છેલ્લે છેલ્લે આવેલા આ પરિણામો પણ નવા સંકેતો આપી શકે છે.

સાથે જ ગુજરાતની જનતામાં પણ ભાજપના વિરોધને કારણે હવે ખરાબ પરિસ્થિતિમાં ભાજપના નેતાઓના નિવેદન પણ ઘણા અજુગતા આવ્યા હતા, તે જોતા આવનારા સમયમાં ભાજપે પણ ઘણા નેતાઓના દબાણમાં રહેવું પડે તેવી હાલત ઉભી થઇ છે.