કોંગ્રેસના નેતાઓને રાતોરાત મંત્રી બનાવાતા ગુજરાતમાં ભાજપમાં થઇ શકે છે ભડકો..!! જાણો

Spread the love

ગત વર્ષે કોંગ્રેસમાંથી કોળી નેતા કુંવરજી બાવળિયાને ભાજપમાં લઇ જવામાં આવ્યા, સવારે ભાજપમાં જોડાયા અને સાંજે મંત્રી બનાવી દેવાયા. તો ફરી પાછી ભાજપે લોકસભા ચૂંટણી આવતા શરુઆત કરી અને કોંગ્રેસના બે ધારાસભ્યોને ભાજપમાં લઇ લીધા.

કોંગ્રેસમાંથી માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા શુક્રવારે ભાજપમાં જોડાયા અને શનિવારે તેમને કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા, તો વર્ષ પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ જાડેજાને પણ કેબિનેટ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે.

તો સામે ભાજપમાંથી દોઢ વર્ષથી નારાજ ચાલતા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા. આમ કોંગ્રેસના નેતાઓને કેબિનેટ મંત્રી બનાવાયા અને સામે માત્ર એક મૂળ ભાજપી નેતાને રાજ્યમંત્રી જ બનાવાયા.

આ અગાઉ પણ કોંગ્રેસના અનેક નેતાઓને કેબિનેટ મંત્રી બનાવીને ભાજપે પોતાના જ પક્ષને ઉભો કરનારા અનેક નેતાઓની અવગણના કરી છે. અત્યારસુધી ચાલ્યું જતું હતું પણ હવે આ બાબત કાયમી બની જતા ભાજપના અનેક નેતાઓ અંદરોઅંદર અકળાઈ રહ્યા છે.

ભાજપના નેતાઓ અને કાર્યકરોએ શું કોંગ્રેસમાંથી આવતા નેતાઓને જ અભિનંદન આપ્યા કરવાના અને આગતાસ્વાગતા કરતું રહેવાનું ? આ પ્રશ્ન દરેક મૂળ ભાજપી નેતાઓને ઉપજી રહ્યો છે.

છેલ્લા ઘણા સમયથી ભાજપના એકપણ ચાલુ ધારાસભ્ય તૂટીને કોંગ્રેસમાં નથી ગયા, પૂર્વ ધારાસભ્યો અને સાંસદ જ કોંગ્રેસમાં જોડાયા છે પરંતુ જયારે ભાજપના ઉકળતા ચરુની વાત બહાર સુધી જશે ત્યારે ભાજપને મોટો ઝટકો લાગશે અને તેઓ કઈ કરી પણ નહીં શકે.

ભાજપની પરિસ્થિતિ તેવી છે કે હાલમાં ઘરના સચવાતા નથી અને કોંગ્રેસના નેતાઓને લાવીને તેમને મોટું સ્થાન આપવામાં આવી રહ્યું છે. હવે આ કારણે જ ભાજપમાં આંતરિક વિખવાદની પરિસ્થિતિ સર્જાય તેવું છે.

ભાજપના અનેક ધારાસભ્યો મંત્રી ના બનાવાતા નારાજ ચાલી રહ્યા છે, તો હાલમાં પક્ષની સત્તા છે અને તેના દબાણથી કશું ખુલીને બોલી નથી રહ્યા.

જો કેન્દ્રમાંથી ભાજપ સત્તા ગુમાવે છે તો તેની પરિસ્થિતિ ગુજરાતમાં સૌથી ખરાબ થશે, ત્યારબાદ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો મર્યાદા ઓળંગીને તેમનો રોષ ખુલીને બહાર કાઢવા લાગશે અને ભાજપ તુટવા લાગશે.

આ ઉપરાંત લોકસભાની ટીકીટની વહેંચણી દરમિયાન પણ ભાજપની હાલત ખરાબ થશે અને કોંગ્રેસ તેનો ભરપુર લાભ ઉઠાવશે તેવું કહેવાઈ રહ્યું છે.

આ ઉપરાંત હાર્દિક પટેલ ૧૨ મી તારીખે કોંગ્રેસમાં સત્તાવાર રીતે ખેસ ધારણ કરીને જોડાવા જઈ રહ્યો છે ત્યારે તેની સાથે પણ અનેક મોટા સામાજિક અને રાજકીય આગેવાનો કોંગ્રેસમાં જોડાશે તેવું કહેવાય છે.

કોંગ્રેસમાં જે બળવાખોર હતા તે ભાજપમાં જોડાઈ ગયા છે અને ભાજપમાં જે બળવાની પરિસ્થિતિ અંદર અંદર જોવાઈ રહી છે તે હજુ શાંત નથી થઇ અને આગામી દિવસોમાં વધુ વકરે તેમ છે. ત્યારે કોણ બળવો કરે છે, ક્યારે કરે છે, શું પરિસ્થિતિ સર્જાય છે અને કેવા પરિણામો આવે છે તે હવે જોવું રહ્યું.