ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો થઇ જશે સફાયો.. જાણો કેમ..??

Spread the love

ગુજરાતમાં છ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી છે. અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, રાધનપુર, બાયડ અને ખેરાલુ.

જેમાં અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ બનતા બેઠક ખાલી પડી છે, લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ પંચમહાલના સાંસદ, ખેરાલુના ભરતસિંહ ડાભી પાટણના સાંસદ અને થરાદના ધારાસભ્ય પરબત પટેલ બનાસકાંઠાના સાંસદ બનતા ખાલી પડી છે.

તો રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ભાજપમાં જોડાઈ જતા આ બેઠકો પર પણ પેટા ચૂંટણી આવી છે.

ચૂંટણી પંચે જાહેર કરેલી તારીખો અનુસાર ૨૧ મી ઓક્ટોબરે આ બેઠકો પર ચૂંટણી છે અને ૨૪ તારીખે પરિણામ છે. આ બેઠકો પર વિજય મેળવવા બન્ને પક્ષો મહેનત કરી રહ્યા છે. ઉમેદવારો જાહેર થઇ ગયા છે અને પ્રચાર પણ શરુ થઇ ગયો છે.

ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં ભાજપની ધમાકેદાર જીત બાદ પણ ગણતરીના મહિનાઓમાં યોજાઈ રહેલી આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ બાજી મારી જાય તેવું કહેવાઈ રહ્યું છે.

જો વાત કરીએ અમરાઈવાડી વિધાનસભા બેઠકની તો ભાજપે જાહેર કરેલા ઉમેદવાર જગદીશ પટેલ વિરાટનગર વોર્ડથી આવે છે એટલે કે અમરાઈવાડી વિધાનસભાથી બહારના ઉમેદવાર છે, જયારે કે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ એટલે કે ધમભાઈ પટેલ અમરાઈવાડી ગામના જ છે એટલે તેઓ સ્થાનિક છે.

આ ઉપરાંત સ્થાનિક લોકો સાથે વાત કર્યા અનુસાર ભાજપમાં જુથવાદ અને આંતરિક ડખાના કારણે નબળા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે અને સામે કોંગ્રેસમાંથી ઉતારવામાં આવેલા ઉમેદવાર સ્થાનિક, સક્ષમ, લોકપ્રિય અને મજબુત છે.

આથી ભાજપને આ બેઠક પર જીતવામાં ઘણી મુશ્કેલીઓ પડી શકે છે, સામે કોંગ્રેસે પ્રથમ વખત ચૂંટણીના દિવસો પહેલા બુથ મેનેજમેન્ટ પણ કરી લીધું છે અને સંપૂર્ણ સંગઠન મહેનતમાં લાગી ગયું છે.

ત્યારબાદ જો લુણાવાડા બેઠકની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટીકીટ આપી છે અને ભાજપે જીગ્નેશ સેવકને ટીકીટ આપી છે.

આમ તો બન્ને ઉમેદવારોની વ્યક્તિગત છબી ખરડાયેલી છે પરંતુ ભાજપની અંદર આંતરિક વિરોધ વધારે જોવા મળી રહ્યો છે તો જ્ઞાતિ સમીકરણો પણ ભાજપની બાજી બગાડી શકે છે.

ભાજપમાં આંતરિક અસંતોષની સાથે અપક્ષ ઉમેદવારો પણ ભાજપનો ખેલ બગાડી શકે છે.

લુણાવાડા પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો હોવાથી અહિયાં કોંગ્રેસનું સંગઠન મજબુત છે અને કોંગ્રેસના ઉમેદવાર પણ મજબુત પ્રચાર કરી રહ્યા છે. આથી નિષ્ણાતો આ બેઠક પર પણ ભાજપની શક્યતાઓ ઘણી ઓછી જોઈ રહ્યા છે.

થરાદ વિધાનસભા બેઠક અત્યારસુધી ભાજપ માટે સરળ ગણવામાં આવતી હતી. અનેક નેતાઓની દાવેદારીઓ બાદ બન્ને પક્ષને ઉમેદવાર પસંદ કરવામાં થયેલી જહેમત બાદ સ્થાનિક જનતામાં રોષ જોવા મળ્યો હતો.

ભાજપમાંથી કાર્યકરો અને સ્થાનિકો શંકર ચૌધરીને ટીકીટ મળશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા હતા અને અન્ય ઉમેદવાર આવતા ભાજપ પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શંકર ચૌધરીનું સમાજમાં વર્ચસ્વ જોતા સ્વૈચ્છિક રીતે ભાજપના મતદારો નોટામાં મત આપવાનો અને જાહેરમાં ભાજપમાં વિરોધ કરવાનો પ્રચાર કરી રહ્યા છે. આમ ભાજપે નવા ઉમેદવાર મુકતા આ બેઠક પણ તેમના માટે અઘરી બની ગઈ છે.

રાધનપુર બેઠક પરથી અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનેલા અલ્પેશ ઠાકોરને ભાજપમાંથી ટીકીટ આપવામાં આવી છે.

પક્ષ પલટાથી જનતામાં નારાજગી તો છે જ સાથે જ અપક્ષમાં ઠાકોર સેનામાં જ રહી ચુકેલા ઉમેદવાર આવતા ભાજપ માટે મુશ્કેલી ઉભી થઇ છે. આ સાથે જ એનસીપી પણ ભાજપનો ખેલ બગડી શકે છે.

સામે કોંગ્રેસે રઘુભાઈ દેસાઈને મેદાને ઉતારતા ભાજપ આ અનુભવી નેતા સામે ટૂંકી પડવા લાગી છે.

રાધનપુરથી વર્ષોથી ટીકીટ માંગતા રઘુભાઈ દેસાઈને કોંગ્રેસે આ વખતે ટીકીટ આપતા તેઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે તો સાથે જ તેઓ ભાજપ સામે રાધનપુરમાં કોંગ્રેસના મજબુત ઉમેદવાર માનવામાં આવે છે.

ભાજપના સંગઠનમાં અલ્પેશ ઠાકોર સામે નારાજગી જોવા મળી રહી હતી તેથી ભાજપનો આંતરિક અસંતોષ પણ પક્ષને નુકસાન કરી જાય તેવું કહેવાઈ રહ્યું છે.

બાયડ બેઠક પરથી ભાજપમાંથી અગાઉ કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહેલા ધવલસિંહ ઝાલાએ ઉમેદવારી કરી છે, બાયડમાં પણ ભાજપના સ્થાનિક આગેવાનો – કાર્યકરો ધવલસિંહથી નારાજ છે.

ત્યાં પણ ભાજપના સંગઠનના વિરોધને કારણે ભાજપને મોટો ફટકો પડી શકે છે તેવું કહેવાઈ રહ્યું છે તો કોંગ્રેસે સહકારી ક્ષેત્રના અગ્રણી અને મજબુત ઉમેદવાર જશુભાઈ પટેલને ઉતારતા ભાજપ માટે બાયડ સીટ પર જીત મેળવવી સૌથી અઘરી બની ગઈ છે.

ખેરાલુ બેઠક પર ભાજપે સાંસદ ભરતસિંહ ડાભીના પરિવારના ઉમેદવાર ઉતાર્યા હોત તો જીત નિશ્ચિત હતી પરંતુ હવે આ બેઠક પર પણ ટક્કર જોવા મળી રહી છે.

કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો એક જ સમાજના છે તેવામાં હવે આ બેઠક પર ટક્કર થઇ શકે છે. સાથે ભાજપ પણ હાલમાં આ બેઠક પર પોતાની જીત નિશ્ચિત માની રહ્યું છે. ત્યારે અન્ય બેઠકોની સરખામણીએ ભાજપને ખેરાલુમાં આસાની લાગી રહી છે.

આમ ભાજપ માટે આંતરિક કલેહ, પક્ષ પલટુ ઉમેદવારોને કારણે ૬ બેઠક પરની વિધાનસભા પેટા ચૂંટણીમાં મોટો ફટકો પડી શકે એમ છે.

કોંગ્રેસની ૨ બેઠકો હતી અને ભાજપની ૪ બેઠકો હતી ત્યારે કોંગ્રેસ કદાચ અગાઉ ૭૭ થી પડેલી ખોટને સરભર કરવા વધુ બેઠકો પણ જીતી શકે છે, જયારે ભાજપ બધી જ બેઠક જીતવા મહેનત કરી રહ્યું છે પરંતુ પરિણામ તો ૨૪ તારીખે જ ખબર પડશે.