ગુજરાતની ૬ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપનું થશે ધોવાણ.. કોંગ્રેસની મોટી જીત

Spread the love

ગુજરાતની ૬ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનું મતદાન સોમવારે પૂર્ણ થયું. મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ભેગું દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખાલી પડેલી વિધાનસભાની અને લોકસભાની બેઠકો પર મતદાન યોજાયું હતું.

ગુજરાતમાં થરાદ, રાધનપુર, ખેરાલુ, બાયડ, અમરાઈવાડી અને લુણાવાડા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ.

થરાદના ધારાસભ્ય પરબત પટેલ, ખેરાલુના ધારાસભ્ય ભરતજી ડાભી, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ, લુણાવાડાના ધારાસભ્ય રતનસિંહ રાઠોડ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં સાંસદ બન્યા તેમજ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ જતા પેટા ચૂંટણી યોજાઈ.

થરાદ વિધાનસભામાં ભાજપ તરફથી જીવરાજ પટેલ અને કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતને ટીકીટ આપવામાં આવી હતી, કોંગ્રેસના ઉમેદવાર યુવાન અને શિક્ષિત તથા ભાજપના ઉમેદવાર વૃદ્ધ તેમજ ઓછું શિક્ષણ ધરાવતા હોવાનો મુદ્દો ઉઠ્યો હતો, ભાજપ પર જાતીવાદી રાજકારણનો આરોપ લાગ્યો.

તો પ્રચારમાં પણ ભાજપ કરતા કોંગ્રેસ ઘણું આગળ રહ્યું. સામે ભાજપમાં આંતરિક વિવાદ અને શંકર ચૌધરીની ટીકીટ કાપવામાં આવતા ચૌધરી સમાજમાં અંદરખાને વિરોધ જોવા મળ્યો.

તો ખેરાલુમાં ભાજપ તરફથી અજમલજી ઠાકોર અને કોંગ્રેસમાંથી બાબુજી ઠાકોરને ટીકીટ આપવામાં આવી હતી, ભાજપમાંથી સાંસદ ભરતજી ડાભીના પરિવારમાંથી ટીકીટ મળે તેવી માંગની સામે અન્ય ઉમેદવારને ટીકીટ મળતા આંતરિક વિવાદ જોવા મળ્યો હતો, સામે છેડે કોંગ્રેસમાં દાવેદારો ઓછા હોવાથી આંતરિક વિવાદ જોવા મળ્યો નહોતો.

આ બેઠક પર ભાજપ માટે જીતવું અને બેઠક જાળવી રાખવી મોટો પડકાર કહેવાય છે.

અમરાઈવાડી વિધાનસભામાં ભાજપે વિરાટનગર વોર્ડ – નિકોલ વિધાનસભા વિસ્તારના જગદીશ પટેલને અને કોંગ્રેસે અમરાઈવાડી ગામના ધર્મેન્દ્ર પટેલને ટીકીટ આપી હતી. આ વિધાનસભા અમદાવાદના શહેરી વિસ્તારમાં હોવા છતાં ભાજપને પ્રચાર કરવામાં જ લોઢાના ચણા ચાવવા પડ્યા.

ભાજપનો પ્રચાર કરનારાઓનો વિરોધ પણ જોવા મળ્યો હતો, સામે છેડે કોંગ્રેસના ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલ સ્થાનિક હોવા સાથે તેમણે સતત પ્રચાર કર્યો હતો અને તેમને પ્રતિસાદ પણ ખુબ સારો સાંપડ્યો હતો. આ બેઠક પર ઓછું મતદાન ભાજપને જ ભારે પડી શકે છે તેવો મત નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.

લુણાવાડા વિધાનસભામાં ભાજપે જીગ્નેશ સેવક અને કોંગ્રેસે ગુલાબસિંહ ચૌહાણને ટીકીટ આપી હતી, ભાજપના ઉમેદવારનો અંદરખાને ભારે વિરોધ જોવા મળ્યો હતો તો જ્ઞાતિ સમીકરણ પ્રમાણે કોંગ્રેસના ઉમેદવારની વોટબેંક મજબુત છે.

ભાજપ આ બેઠક પર પ્રચારમાં કોંગ્રેસ કરતા ઘણી પાછળ જોવા મળી હતી. પરંપરાગત કોંગ્રેસનો વિસ્તાર હોવાથી આ બેઠક ભાજપે કમળના નિશાન પર જીતવી ખુબજ અઘરી કહેવાય છે. તેમજ કોંગ્રેસ માટે હોટ ફેવરીટ કહેવાય છે.

રાધનપુરમાં કોંગ્રેસમાંથી રઘુભાઈ દેસાઈ અને ભાજપમાંથી અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણીમાં ઉતર્યા હતા, આ બેઠક પર કટોકટીની ટક્કર કહેવાય છે. કોંગ્રેસ તરફથી ખુબ જ મજબુત પ્રચાર કરવામાં આવ્યો તો અપક્ષ ઉમેદવારોએ પણ કોંગ્રેસને ટેકો આપતા ભાજપ માટે મુશ્કેલીઓ સર્જાઈ છે.

સાથે જ પક્ષ પલટાની છાપ પણ પ્રજામાં નકારાત્મક અસર ઉભી કરી ગઈ. આ બેઠક પર બન્ને પક્ષો વચ્ચે ફાઈટ કહી શકાય.

બાયડ વિધાનસભા પરંપરાગત કોંગ્રેસની બેઠક રહી છે, જો કે ૨૦૧૭ માં આયાતી ઉમેદવારના કારણે કોંગ્રેસમાં આંતરિક વિરોધ હતો છતાય ઓછા માર્જીનથી પણ કોંગ્રેસ જ છેવટે જીતી હતી, તો આ વખતે ધવલસિંહ ઝાલા ભાજપમાંથી ઉભા રહેતા ભાજપના સંગઠનમાં વિરોધ જોવા મળ્યો હતો.

સામે કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સ્થાનિક હોવા ઉપરાંત સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી આ સીટ કોંગ્રેસ માટે જીતવી સરળ બની ગઈ. કોંગ્રેસ માટે જીતની બેઠકોમાં બાયડ સૌથી ટોચ પર છે.

આમ છ એ છ બેઠક પર ભાજપ માટે કપરા ચડાણ છે તો સામે કોંગ્રેસની જૂની બે બેઠકો ઉપર જેટલી સીટો આવે તે વકરો એટલો નફો સમાન જ છે. તાજેતરમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ધોવાણ બાદ પેટા ચૂંટણીમાં ભાજપના પણ ઘણી બેઠકો પર સુપડા સાફ થઇ શકે છે તેવો મત વ્યક્ત થઇ રહ્યો છે.