હાર્દિક કરાવશે આંદોલનની ધમાકેદાર વાપસી, જાણો શું છે સમગ્ર આયોજન

Spread the love

આંદોલન આગળ વધારવા હાર્દિક મક્કમ

વર્ષ ૨૦૧૫ માં શરુ થયેલા પાટીદાર અનામત આંદોલનમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ કોઈ કાર્યક્રમ જોવા નથી મળ્યા, છેલ્લા ત્રણેક મહિનાથી ગુજરાતમાં પાટીદાર આંદોલન શાંત છે, ઘણીવાર આંદોલન ઠંડુ પડ્યું છે અને પાછું ઉભું થયું છે પરંતુ આ વખતે ચૂંટણીમાં ભાજપ જીતતા આંદોલનકારીઓમાં હતાશા ફેલાઈ જવા પામી હતી અને આંદોલન શાંત પડી ગયું છે. હાલમાં ગણ્યા ગાંઠ્યા લોકો જ આંદોલન સાથે જોડાયેલા હોય અને સોશિયલ મિડિયા પર જ સક્રિયતા હોય તેવું લાગી રહ્યું છે, આંદોલનને પાછું વેગવંતુ બનાવવું હાર્દિક પટેલ માટે પણ ઘણું અઘરું સાબિત થઇ શકે છે, જો કે સત્તાધારી ભાજપના અનેક પ્રયાસો છતાં હાર્દિક પટેલ આંદોલનને આગળ ધપાવવા મક્કમ છે અને આ માટે તેણે નવું આયોજન પણ શરુ કરી દીધું છે.

માત્ર અનામત જ નહીં હોય મુદ્દો

અનામત આંદોલનથી શરુઆત કરવામાં આવી હતી પણ ગુજરાતભરમાં પ્રવાસ બાદ આ જરૂરીયાત ખેતી અને યુવાનોના રોજગારીની સમસ્યાને કારણે ઉભી થઇ હોવાને કારણે હવેના તબક્કામાં અનામતની સાથે ખેડૂતો અને યુવાનોને રોજગારીના મુદ્દાનો પણ સમાવેશ કરવામાં આવશે.

પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાયેલા યુવાનોના કહેવા અનુસાર ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય ના નીકળી હોય તેવી વિશાળ યાત્રા નિકાળવામાં આવશે. આ યાત્રાને ‘જનજાગૃતિ યાત્રા’ નું નામ આપવામાં આવ્યું છે.

શું છે જનજાગૃતિ યાત્રાનું આયોજન ?

જનજાગૃતિ યાત્રા ગુજરાત ના દરેક જિલ્લામાં ફરશે અને પાટીદાર સમાજને અનામત, ખેડૂતોની લૉન માફી, શિક્ષિત યુવાનોને રોજગારીની માંગણી કરવામાં આવશે. આ માટે સમાજના લોકોને યાત્રા થકી જ સંગઠિત કરવામાં આવશે. આ યાત્રા દરેક જિલ્લા માં 18-18 દિવસ ફરશે અને ગુજરાતના તમામ જિલ્લામાં આ યાત્રા ફરશે.

આ અગાઉ હાર્દિક પટેલ જેલમાં હતો ત્યારે પાસ કન્વીનર્સ દ્વારા સૌરાષ્ટ્રમાં ‘પાટીદાર એકતા યાત્રા’ નિકાળવામાં આવી હતી, ઉત્તર ગુજરાતમાં વિસનગર – બહુચરાજીની યાત્રા નિકાળવામાં આવી હતી, સુરતમાં લાપસી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હાર્દિક પટેલ દ્વારા પણ જેલમાંથી છૂટ્યા બાદ સોમનાથ સુધીની યાત્રા નિકાળવામાં આવી હતી, આ ઉપરાંત ચૂંટણી દરમિયાન હાર્દિક પટેલ દ્વારા પણ અનેક રોડ શો અને યાત્રા કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ યાત્રાની તારીખો, સમય અને સ્થળ સહિતની સમગ્ર રૂપરેખા અને આયોજન જાહેર કરવામાં આવશે તેવું કહેવાઈ રહ્યું છે. આ યાત્રાની શરૂઆત ‘જુનાગઢ’ જિલ્લાથી કરવામાં આવશે.

સોશિયલ મિડિયામાં વાયરલ મેસેજ….

સોશિયલ મિડિયામાં ફરી રહેલા મેસેજમાં કહેવાઈ રહ્યું છે કે, ‘બે મહિના પછી સમગ્ર ગુજરાતમાં “ ગુજરાત જનજાગૃતિ યાત્રા “ નો પ્રારંભ થશે. ગુજરાતના મુખ્ય ૨૬ જિલ્લાઓમાંથી આ યાત્રા નિકળશે. દરેક જિલ્લામાં ૧૮ દિવસ યાત્રા ફરશે. જિલ્લા ના તમામ ગામડાઓમાં યાત્રા ફરશે તથા અનામત,ખેડૂત અને યુવાનો મુદ્દે જનતાને જાગૃત કરવામાં આવશે. સરકારની ખોટી નીતિઓ અને વ્યવસ્થા સામે લોકોમાં એકતા અને જાગૃતિ લાવાનો પ્રયાસ થશે. યાત્રાનો પ્રારંભ જૂનાગઢ જિલ્લાથી થશે. યાત્રાની તમામ વિગતો ટૂંક સમય માં જાહેર કરાશે.

ગુજરાતને વેરથી નહિ પણ પ્રેમથી બદલીશું.
સત્તા પરિવર્તન માટે નહિ પરંતુ વ્યવસ્થા પરિવર્તન માટે લડીશું.
યાત્રાનો ઉદ્દેશ ફક્ત જાગૃતિ અને અધિકાર માટેની લડાઈનો છે.


૧. પટેલ સમાજને બંધારણીય અનામતનો લાભ આપો.
૨. અન્નદાતા સમાન ખેડૂતનું દેવું માફ કરો અને ખેડૂતની આવક બમણી કરો.
૩. શિક્ષિત યુવાનો માટે તત્કાલીન રોજગારી ઉપલબ્ધ કરો.’

કેવી રહેશે અસર ?

ત્યારે આંદોલનને મોટા વિરામ બાદ ફરીથી ધમધમતું કરવું હાર્દિક પટેલ માટે પણ પડકાર બની રહેશે, જો કે જ્યારે જ્યારે આંદોલન ઠંડુ પડતું દેખાયું છે ત્યારે ત્યારે બે ગણી શક્તિ સાથે આંદોલન ઉભું થયું છે, તેવામાં હાર્દિક પટેલની આ યાત્રા કેટલી સફળ રહે છે તે જોવું રહ્યું પરંતુ ભાજપ માટે આ યાત્રા ફરી એક ચિંતા લઈને આવશે તે નક્કી છે.