હાર્દિક પટેલ ચૂંટણી લડી શકશે કે કેમ ? જજે અરજી કરી નોટ બીફોર મી.. જાણો હવે શું

Spread the love

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ ગઈકાલે સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે.

રાહુલ ગાંધીની હાજરીમાં ખેસ પહેરીને કોંગ્રેસમાં જોડાયા બાદ રાહુલ ગાંધીએ પણ હાર્દિક ચૂંટણી લડશે તે નિશ્ચિત છે તેવા સંકેતો આપ્યા હતાં.

હાર્દિક ચૂંટણી લડે એટલે જે તે બેઠક ભાજપે ભૂલી જ જવી પડે તેવી પરિસ્થિતિ છે. ત્યારે હાર્દિકના ચૂંટણી લડવા પર પણ એક ગ્રહણ નડી શકે તેમ છે.

હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે વિસનગર કોર્ટનો સજાનો હુકમ મોકૂફ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેમાં આજે થયેલી સુનાવણીમાં હાઈકોર્ટના જસ્ટિસ આર.પી ઢોલરીયાએ અરજીને નોટ બીફોર મી કરીને કાઢી નાખી હતી.

હાર્દિક પટેલ જામનગર લોકસભાથી ચૂંટણી લડશે તેવું પણ કહેવાય છે, રાહુલ ગાંધીએ તો હાર્દિકના ચૂંટણી લડવાના પ્રશ્ન પર સીધું એમ જ કહી દીધું કે હાર્દિક લડશે નહીં જીતશે.

ત્યારે શું છે એ કેસ અને ઘટના ?

વિસનગર એમએલએની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલે વિસનગર કોર્ટના ઓર્ડર સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

હાર્દિક આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ એક બેઠકથી લડવા માંગતો હોવાથી તેણે આ અરજી કરી હતી.

વિસનગર કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા પડી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

હાર્દિકે કોઈ મુશ્કેલી ભવિષ્યમાં ઉભી ના થાય તે માટે કોર્ટમાં અરજી કરી હતી. આથી ચૂંટણી લડવામાં કોઈ અવરોધ ઉભો ના થાય તે માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

પરંતુ ગુજરાત હાઇકોર્ટના જજ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી છે. હવે હાર્દિકની અરજી પર 15 મી માર્ચે બીજા જજ દ્વારા સુનાવણી કરવામાં આવશે. અગાઉ હાર્દિકના ઉપવાસ વખતે પણ એક અરજીમાં જજ આરપી ઢોલરીયાએ નોટ બીફોર મી કરી હતી.

હાર્દિક શરતી જામીન પર મુક્ત

પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા.

આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

હાર્દિક સામે લાગેલી કલમો

કલમ 120/B, કલમ 435, કલમ 427, કલમ 143, 147, 148 હેઠળ ગુના દાખલ કરવામાં આવેલા છે.

શું હતો બનાવ ?

23મી જુલાઈ, 2015ના રોજ અનામતની માંગણી સાથે વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં આંદોલનકારીઓ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા.

ત્યારે ધારાસભ્યની ઓફિસમાં પણ તોડફોડ થઇ હતી, જેના કારણે સમગ્ર ગુજરાતમાં આ ઘટનાની ચર્ચા થઇ હતી અને ત્યારબાદ જ અનામત આંદોલન ચર્ચામાં આવ્યું હતું.