હાર્દિક પટેલ ભલે ચૂંટણી લડશે નહીં પણ ભાજપને નડશે જરૂર.. જાણો કઈ રીતે

Spread the love

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ પર વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરવાના કેસમાં કોર્ટે સજા કરી હતી, જો કે ત્યારબાદ તરત જ જામીન મળી ગઈ હતી.

હવે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયો છે અને જામનગર લોકસભાથી પક્ષ પણ તેને લડાવવા તૈયાર છે, પણ જુનો કેસ તેને હાલમાં આડે આવી રહ્યો છે.

હાર્દિક પટેલ ચૂંટણી લડી શકે તે માટે હાઈકોર્ટમાં તેણે એક અરજી કરી હતી, જો કે કોર્ટે તેની અરજી ફગાવી દીધી અને તેના કેસ પર સ્ટે મુકવાની ના પાડી દીધી.

હાર્દિક પટેલ હવે સુપ્રિમ કોર્ટમાં અરજી કરે તો પણ સોમવારે તે દાખલ થઇ ત્યારબાદ સુનવણી હાથ ધરવામાં આવે અને બુધવારે ફોર્મ ભરવાનો છેલ્લો છે એટલે હવે તે લગભગ ચૂંટણી લડશે નહીં.

જામનગર બેઠક પર કોંગ્રેસમાંથી મેરામણ ગોરિયા, વિક્રમ માડમ અથવા મુળુ કંડોરિયાને ટીકીટ મળી શકે છે.

તો હાર્દિકે પટેલે અગાઉ કહ્યું હતું તેમ જ હવે તે ચૂંટણી નહીં લડી શકે તો, ગુજરાત અને દેશની અલગ અલગ બેઠકો પર ફરીને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે.

હાર્દિક પટેલ પહેલા માત્ર જામનગર પુરતો ભાજપને નડેત. હાર્દિક એક લોકસભા બેઠક પુરતો સીમિત થઇ જાત. તેને અલગ અલગ બેઠક પર ફરીને પ્રચાર કરવાનો સમય ના રહેત પરંતુ હવે તે સમગ્ર ગુજરાતમાં ફરી ફરીને રેલીઓ અને સભાઓ કરતો રહેશે.

ગુજરાતમાં પાટીદાર મતો ધરાવતી અનેક બેઠકો છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સુરતમાં પાટીદારોના મતો નિર્ણાયક છે. ત્યારે આ દરેક વિસ્તારમાં હવે હાર્દિક કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કરશે.

હાર્દિક ચૂંટણી ના લડી શકે તે માટે સરકારે હાઈકોર્ટમાં ઘણી રજૂઆતો કરી હતી અને તે રજૂઆતોને મંજુર રાખીને કોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે એટલે હાર્દિક હવે સરકારની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરશે.

એક ૨૫ વર્ષના છોકરાથી રાજ્યની ભાજપ સરકાર ડરી ગઈ છે તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, એકબાજુ ભાજપ હાર્દિક જોડે કોઈ નથી એવી વાતો કરે છે અને બીજીતરફ તે ચૂંટણી ના લડી શકે તેના માટે એડીચોટીનું જોર લગાવે છે.

હાર્દિકને ચૂંટણી ના લડવા દેતા તેનો સરકાર પ્રત્યે રોષ વધી શકે છે અને તે બમણા જોરથી ભાજપની સરકાર સામે પ્રચાર કરશે તે વાત હવે દીવા જેવી સ્પષ્ટ છે.

એટલે આ પરથી એવું જરૂરથી કહી શકાય કે હાર્દિક પટેલ ભલે હવે લડશે નહીં પણ ભાજપને નડશે જરૂર.