દેશને શંકા ભારતીય સેના કે જવાનો પર નહીં મોદી સરકાર પર છે : જયરાજસિંહ

Spread the love

કોંગ્રેસના પ્રશ્નો અને ભાજપ પર આક્ષેપો બાદ નરેન્દ્ર મોદીએ તેને સેના સાથે છોડીને કોંગ્રેસને નિશાને લીધી હતી, જેના પર કોંગ્રેસ પ્રવક્તાએ જવાબ આપ્યો હતો.

આ અંગે કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું છે કે, પાકીસ્તાનને પીપડા ભરીને ગાળો આપી સત્તામાં આવેલા મોદી સાહેબ પોણા પાંચ વરસ સુધી તેને ગળે લગાડતાં રહ્યાં અને ચુંટણી સામે દેખાતા જ એર સ્ટ્રાઇક ના નામે ગળુ ફાડવા લાગ્યા.

શાલ અને સાડી થી શરૂ થયેલી કુટનીતી છેક મારો-કુટો સુધી પહોંચી તે સરકારની સફળતા કે નિષ્ફળતા એ સવાલ પર ચર્ચા કરવાના બદલે વગર બોલાવે લાહોર જઈ કેક કાપી આવનાર મોદીજીની છાતીમાં સ્ટ્રાઇકની એર ભરી છપ્પન ઈંચી સાબિત કરવાના ગતકડાં થઈ રહ્યા છે.

આપણા સિપાહીઓનાં માથા કાપી મોકલનાર પાકીસ્તાનને કેરીના ટોપલા મોકલતા મોકલતા મોદીજી અચાનક ધમકીઓના પોટલાં કેમ છોડવા લાગ્યા તે સમજવું જરૂરી છે.

આજે જે મુફ્તી ને દેશદ્રોહી કહી ભાંડી રહ્યા છે એને રાજકીય મહેબુબા બનાવી સાડા ત્રણ વરસ સુધી સત્તાસુખ કેમ માણ્યું એનો જવાબ યુધ્ધના ઉન્માદમાં દબાવી દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પઠાણકોટ, ઉરી અને પુલવામામાં ગુપ્તચર વિભાગની નિષ્ફળતા ( ઈન્ટેલીજન્સ ફેઇલ્યોર) ની નામોશી ટાળવા એર સ્ટ્રાઇકનો સહારો લેવાઈ રહ્યો છે.

શપથ વખતના નિર્બળ વડાપ્રધાને એવા તો ક્યા બહાદુરીના ઇન્જેક્શન લીધા કે આટલી હિંમત આવી ગઈ. જે લોકો મોદીજીને ઓળખે છે તેઓ જાણે છે કે ચુંટણીના ભણકારા અને તેને કોઈ પણ ભોગે જીતવાના ધબકારા જ તેમની જીવંતતા નું કારણ છે.

તેમની પ્રચારયાત્રાઓની સમાંતર સ્મશાનયાત્રાઓ ચાલતી હોય તે પરંપરા મોદીજીના રાજકીય ઉદયથી લઈને આજ સુધી જળવાઈ છે. આ શબ યાત્રા રામના નામે માર્યા ગયેલા કારસેવકોની હોય, ગોધરાના નરસંહારની હોય, ગાય ગંગા, દાદરી,બાબરી જેવા કારણોસર હોય કે પુલવામાના શહીદોની હોય મોદી સાહેબને કોઈ ફરક નથી પડતો.

ચુંટણી આવશે એટલે મોદીજી કંઈક નવાજુની કરશે , જોરદાર દાવ લાવશે , કંઈક ખેલ કરશે , ક્યાંકે બૉમ્બ બ્લાસ્ટ થશે કે ક્યાંક કોમી રમખાણો થશે એવી વાતો તેમના ભક્તો પણ ગર્વથી કરતા હોય ત્યારે સંદેહ સેના પર નહી મોદીજી પર થવો એ નાગરિક ચેતનાનો પુરાવો છે.

સવાલ સેના પર નહી સરકારની મનશા પર છે. વાયુ સેનાધ્યક્ષ ધનોઆજી એ સ્પષ્ટ કર્યું કે અમને ચીંધેલા લોકેશન પર હીટ કરવું એ જ અમારૂ કામ છે અમે લાશો ગણતા નથી. તો સવાલ સ્વાભાવિક છે કે આ અઢીસો થી લઈને સાડા ત્રણસો આતંકીઓની લાશ ગણવા કઈ એજન્સી કામે લાગી હતી.
શું મીરાજની સાથે કેટલાક મીડીયાકર્મી કે સેન્સેક્સ અધિકારી પણ લાશો ગણવા આ એરસ્ટ્રાઈકમાં સામેલ હતા? શૌચાલયમાં પણ સેલ્ફી લેતા આ મનોરોગીઓ આટલા આતંકીઓના શબ વચ્ચે પોતાને ફોટો લેતા કઈ રીતે રોકી શકે એ પણ મુખ્ય પ્રશ્ન છે.

જૈશૈ મહોમંદની જાનમા જઈને બીરયાની ખાઈ આવ્યા હોય એમ અઝહર મસુદ ના સાળા, બનેવી, ભાણા ભત્રીજા અને વેવાઈઓ નું લીસ્ટ ન્યુઝ ચેનલો પર બતાવનાર એનો સ્ત્રોત શું એવો સવાલ કરતાં જ ફેફસાફાડ ચીસો મારી સવાલ કરનારને દેશદ્રોહી સાબીત કરવા લાગે એમા જ એજન્ડા શું છે તે સમજાઈ જાય.

ત્રણસો કીલો આરડીએક્સ થી થયેલા બ્લાસ્ટ બાદ પુલવામામાં માર્યા ગયેલા જવાનો આપણા જ હોવા છતાં એમના શબને વેરીફાઈ કરવામાં બોતેર કલાક લાગ્યા અને આ લાશોના કારોબારીઓએ ટીવી સ્ટુડીયોમા બેઠા બેઠા જ એક હજાર કીલો ના બ્લાસ્ટ પછી પણ મસુદ ના સગાઓ ને એવી ઝડપથી ઓળખી કાઢ્યા કે જાણે રોજ ગલ્લે સાથે બીડી ફુંકતા હોય.

કેન્દ્રીય મંત્રી આહુવાલીયા એર સ્ટ્રાઇક કોઈને મારવાના ઉદેશથી નથી કરાઈ, સેના કે સરકાર મરનાર આતંકવાદીઓ ના આંકડા નથી આપતી તો સંખ્યા પર સવાલ કેમ? એવુ નીવેદન આપી ના કહેવાનું બધુ કહી દીધું.

પરંતુ અમિત શાહે મારૂ નહી ને તમારુ નહીં એવો ગુજરાતી હીસાબ કરી અઢીસોનો આંકડો બોલી નાખ્યો. હવે મીડીયા ને આ આંકડો ક્યાંથી મળ્યો હશે એનો તાળો મેળવવો સહેલો છે.

ભારતના ૧૩૦ કરોડ દેશવાસીઓને ભારતીય સેના કે સેનાના જવાનો પર લેશમાત્ર શંકા નથી પણ જે મોદીજીની છાપ છે ને એમના ભૂતકાળનો જૂઠનો ઇતિહાસ છે એટલે એમની કાર્ય પદ્ધતિ સામે શંકા છે અને આ શંકા પણ સૌ પ્રથમ તાજેતરમાં જ પુલવામમાં શહીદ થયેલા એક જવાનીની માતા ક્રૂર રુદન સાથે કહી રહ્યા હતા કે સરકારના નેતાઓ દેશના જવાનોની અંતિમયાત્રામાં આવે છે ને મીડિયા બતાવે છે પરંતુ તમે જો સાચો જ બદલો લીધો હોય તો એક આતંકવાદીનો તો ” જનાજો ” બતાવો ત્યારે દેશ અચંબામાં પડી ગયો હતો ને શંકા કરવા લાગ્યો છે.

આમ પણ દેશને મોદીજીની જન્મ તારીખ પર શંકા, પોતાની ડિગ્રી પર શંકા, મગર પકડવાની બાલ નરેન્દ્ર વાળી વાર્તા પર શંકા, નકલી ઝોળીને નકલી ફકીર હોવા પર શંકા, નકલી નેપાળી પુત્ર અંગે શંકા, નકલી છાતીના માપ પર શંકા, સુપ્રીમ કોર્ટ પણ નકલી એન્કાઉન્ટર પર શંકા કરે, નકલી કીટલી અને ચા વાળો હોવા પર શંકા, બળજબરી બની બેઠેલા ચોકીદાર અંગે શંકા, પોતાના વિવાહિત અને અવિવાહિતપણા અંગે શંકા,

નકલી વાયદાઓ પર શંકા, નકલી મગરના આંસુ પર શંકા, ઓબીસી કે પછાતપણા અંગે શંકા, નકલી રાષ્ટ્રવાદ પર શંકા, નકલી સદ્ભાવના પર શંકા, અરે ચૂંટણી જીતો છતાં દેશવાસીઓને ઈવીએમ મશીન પર શંકા, ગઈ વખતની સર્જીકલ સ્ટ્રાઇક પર દેશ શંકા કરે ને હવે હવાઈ હુમલા માં થયેલ જાનહાનીને મૃતકોની સંખ્યા પર શંકા ક્યારે કરે ?? જયારે તમારી મથરાવટી મેલી હોય અને વિશ્વસનીયતા ખૂટી ગઈ હોય તો જ દેશ સવાલ ઉઠાવે ને ?

આફત સર્જી એને અવસરમાં ફેરવવા ના માસ્ટર માઇન્ડ મોદીજી આ વખતે થાપ ખાઈ ગયા. પોણા પાંચ વરસની નિષ્ફળતાઓ પર પડદો ઢાંકવા કરાયેલ આ સંદેહાત્મક ષડયંત્ર બુમરેંગ થશે. 2014ના અપાયેલા વચનો ને ભુલાવવા ગમે તેટલા જોરથી જુબાની શૌર્ય આચરે દેશના યુવાનો બે કરોડ રોજગારનો હીસાબ માંગશે જ.

જનતાને ખબર હોત કે પંદર લાખ ની ઉઘરાણી ચુવાલીસ જવાનોની શહીદી જેટલી મોંઘી પડશે તો ખાલી માલ્યા મોદી ને પરત લાવવા જ દબાણ કરત. ખેડુતોની પાયમાલી, મોંઘવારી, અસુરક્ષા, ઘસાતો રૂપીયો, વધતા ગેસ પેટ્રોલના ભાવ જેવી અનેક અસફળતાઓ પર કરાયેલી આ સ્ટ્રાઇક મોદી શાહની જોડીને વેર વિખેર કરી દેશે.

સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલો ઉઠાવનાર દેશદ્રોહી છે એવું કહેનાર ભાજપના બદલે સર્જીકલ સ્ટ્રાઇકના હીરો શ્રીમાન ડી.એસ. હુડ્ડાજી એ કોંગ્રેસનો ખેસ ખભે નાખી કથીત રાષ્ટ્રવાદીઓની સર્જરી કરી નાખી. સમયની રાહ જુઓ એર સ્ટ્રાઇક ના જાંબાજો પણ તેમના રાજકીય ઉપયોગનો જવાબ જરૂર આપશે. તેવું અંતે જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું.