સરદાર પટેલે કેમ મુક્યો હતો RSS પર પ્રતિબંધ, વાંચો તેમનો ચોંકાવનારો પત્ર..

Spread the love

ખેડૂતપુત્ર સરદાર પટેલના નામે ભાજપ તાયફા યાત્રાઓ નિકાળવાથી લઈને અનેક તાયફાઓ કરતી રહી છે પરંતુ તેના રાજમાં આજે ખેડૂતો જ સૌથી બેહાલ છે, ભાજપ સરદાર પટેલના નામે માત્ર દેખાડા કરવાને બદલે તેમની નિતીથી ચાલે તો રાજ્ય અને દેશનું ઘણું ભલું કરી શકે.

સરદાર પટેલ આજીવન કોંગ્રેસી રહ્યા, કોંગ્રેસના ગુજરાતના પ્રમુખથી લઈને દેશના ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન સુધી રહ્યા. સરદાર પટેલ ચુસ્ત કોંગ્રેસી હતાં.

તેમણે તેમના જીવનમાં કદી કોંગ્રેસે અન્યાય કર્યો હોવાની વાત નથી કરી પરંતુ વિવાદો ઉભા કરીને ચોક્કસ સમાજના વોટ મેળવવા માટે નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને ભાજપે ગાંધીજીએ સરદાર પટેલને અન્યાય કરીને નહેરુને પીએમ બનાવ્યા તેવી વાતો ઉપજાવી કાઢી છે.

હકીકતમાં સરદાર પટેલે ભાજપ અને નરેન્દ્ર મોદી મૂળ જે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના છે તે RSS પર પ્રતિબંધ મુક્યો હતો. ભાજપ ભલે કોઇપણ મોટી મોટી વાતો કરે પરંતુ તેનું પાવર સેન્ટર સંઘ જ છે, સંઘના ઈશારે જ ભાજપ ચાલે છે. નરેન્દ્ર મોદી વર્ષો સુધી સંઘના કાર્યકર રહ્યા છે.

દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર ભાજપ સરકારે સ્ટેચ્યુ ફોર યુનિટીનો મોટો ઉત્સવ રાખ્યો હતો.

મોદી પર તેવા આક્ષેપો પણ મુકાયા કે તેઓ સરદાર પટેલના કોંગ્રેસ સાથેના ભૂતકાળને હાઈજેક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોદીએ ઘણીવાર સરદાર પટેલનો ઉલ્લેખ એક પ્રખર રાષ્ટ્રવાદી તરીકે કરીને તેમને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની વિચારધારાની નજીકના ઠેરવવાના પ્રયાસ કર્યા છે.

કહેવાય છે કે ઈતિહાસ વિજેતા લખતા હોય છે પરંતુ પત્ર તો લોકો લખ્યા કરે છે. મહાત્મા ગાંધીની હત્યા બાદ RSS પર ૪ ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રોજ સરદાર પટેલે પ્રતિબંધ લગાવી દીધો હતો.

Courtesy – Indian Express

ગાંધીજીની હત્યા બાદ ગૃહમંત્રી સરદાર પટેલને સૂચના મળી હતી કે, ‘આ સમાચાર આવ્યા બાદ ઘણી જગ્યાઓએ RSS સાથે જોડાયેલા વિસ્તારોમાં મિઠાઈ વહેંચવામાં આવી હતી.’

૪ ફેબ્રુઆરીએ એક પત્રવ્યવહારમાં ભારત સરકાર, કે જેના ગૃહમંત્રી સરદાર પટેલ હતાં, તેમણે સ્પષ્ટિકરણ આપ્યું હતું.

‘દેશમાં સક્રિય નફરત અને હિંસાની શક્તિઓ, કે જે દેશની આઝાદીને જોખમમાં મુકવાનું કામ કરી રહી છે, તેને મૂળથી ઉખાડવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને ગેરકાયદેસર જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

દેશના ઘણા ભાગોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા કેટલાય લોકો હિંસા, આગચંપી, લુંટફાટ, ચોરી, હત્યા જેવી ઘટનાઓમાં જોડાયેલા રહ્યા છે અને તેમણે ગેરકાયદેસર હથીયારો તથા દારૂગોળો જમા કરી રાખ્યો છે.

તેઓ એવી પત્રિકાઓ વહેંચતા પકડાયેલા છે, જેમાં લોકોને આતંકી પદ્ધતિથી બંદુક વગેરે જમા કરાવવાનું કહેવામાં આવી રહ્યું છે. સંઘની ગતિવિધિઓથી પ્રભાવિત અને પ્રાયોજિત બનનારા હિંસક રસ્તાએ ઘણા લોકોને પોતાનો શિકાર બનાવ્યો છે. તેમણે ગાંધીજી, જેમનું જીવન આપણા માટે અમુલ્ય હતું, તેને પોતાનો સૌથી નવો શિકાર બનાવ્યો છે.

આ પરિસ્થિતિઓમાં સરકાર આ જવાબદારીથી બંધાઈ ગઈ છે કે તેઓ હિંસાને ફરીથી એટલા ઝેરીલા રૂપમાં પ્રગટ થતી રોકે. આ દિશામાં પ્રથમ પગલા તરીકે સરકારે સંઘને એક ગેરકાયદેસર સંગઠન જાહેર કરવાનો નિર્ણય લીધો છે.’

પ્રતિબંધ લગાવ્યાના છ મહિના બાદ સરદાર પટેલે RSS ના સરસંઘચાલક ગોળવાલકરને પત્ર લખ્યો હતો :

‘RSS ના ભાષણ સાંપ્રદાયિક ઉત્તેજનાઓથી ભરેલા હોય છે. દેશને આ ઝેરનું અંતિમ પરિણામ મહાત્મા ગાંધીની અમુલ્ય જિંદગીની શહીદી સ્વરૂપે ભોગવવું પડ્યું છે. આ દેશની સરકાર અને અહિયાંના લોકોના મનમાં RSS પ્રત્યે જરાપણ સહાનુભુતિ નથી બચી.

આ સિવાય દેશના સત્તાધારી પક્ષ કોંગ્રેસ પર તમે લોકો જે રીતે હુમલા કરતા રહ્યા છો તેમાં તમે લોકો બધી જ મર્યાદાઓ, સમ્માનને બાજુ પર મૂકી દો છો. દેશમાં એક અસ્થિરતાનો માહોલ ઉભો કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સંઘના લોકોના ભાષણમાં સાંપ્રદાયિકતાનું ઝેર ભરેલું હોય છે. હિંદુઓની રક્ષા કરવા માટે નફરત ફેલાવવાની શું જરૂર છે ? આ નફરતની લહેરને કારણે દેશે પોતાના પિતા ગુમાવી દીધા. મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી.

હકીકત તે છે કે તેનો વિરોધ વધતો ગયો. જયારે આર.એસ.એસ.ના લોકોએ ગાંધીજીની હત્યા પર ખુશી વ્યક્ત કરી અને મિઠાઈ વહેંચી, તો આ વિરોધ વધુ ને વધુ થતો ગયો. આ પરિસ્થિતિમાં સરકાર પાસે આર.એસ.એસ. પર કાર્યવાહી સિવાય કોઈ રસ્તો નહોતો.’

આ ઉપરાંત ૧૮ જુલાઈ, ૧૯૪૯ ના રોજ સરદાર પટેલે હિંદુ મહાસભાના નેતા શ્યામાપ્રસાદ મુખર્જીને એક પત્ર લખ્યો,

‘જ્યાં સુધી RSS અને હિંદુ મહાસભાની વાત છે, ગાંધીજીની હત્યાનો કેસ અદાલતમાં છે અને મને તેમાં બે સંગઠનોની ભાગીદારી વિશે કશું નથી કહેવું પરંતુ અમને મળેલા રિપોર્ટ તે વાતનો પુરાવો આપે છે કે આ બન્ને સંસ્થાઓ, ખાસ કરીને આરએસએસની ગતિવિધિઓના ફળસ્વરૂપે દેશમાં એવો માહોલ બન્યો કે આવું બર્બર કાંડ શક્ય થઇ શક્યું.

RSS ની ગતિવિધિઓ સરકાર અને રાજ્ય વ્યવસ્થાના અસ્તિત્વ માટે જોખમી હતી. અમને મળતા રિપોર્ટ કહે છે કે પ્રતિબંધ હોવા છતાં ગતિવિધિઓ બંધ ના થઇ. હકીકતમાં સમય વીતવાની સાથે RSS ની ટોળકી ઉગ્ર થઇ રહી છે અને વિનાશકારી ગતિવિધિઓમાં મોટાપાયે ભાગ લઇ રહી છે.’

આમ છતાં કોંગ્રેસ સરકાર નાગરિક સ્વતંત્રતા જેવા વિચારોને નબળા નહોતી પાડવા માંગતી, ગાંધીજીની હત્યા છતાં સરકાર દમનકારી નહોતી બનવા ઈચ્છતી. ૨૯ જુન, ૧૯૪૯ માં નહેરુએ સરદાર પટેલને પત્ર લખ્યો હતો,

” વર્તમાન પરિસ્થિતિમાં આવા પ્રતિબંધ અને અટકાયતો જેટલી ઓછી થાય એટલું જ સારું છે”, આર.એસ.એસ.એ સરદાર પટેલની શરતોને સ્વીકારી લીધી તો જુલાઈ, ૧૯૪૯ માં તેના પરથી પ્રતિબંધ હટાવી લેવાયો.

શરતો હતી કે,

આર.એસ.એસ. એક લેખિત અને પ્રકાશિત બંધારણ સ્વીકારશે, પોતાને સંસ્કૃતિક ગતિવિધિઓ પુરતું જ મર્યાદિત રાખશે. રાજકારણમાં કોઈ દખલગીરી નહીં કરે. હિંસા અને ગોપનીયતાનો ત્યાગ કરશે. ભારતીય ધ્વજ અને બંધારણ પ્રત્યે આસ્થા વ્યક્ત કરશે અને પોતાને જનવાદી આધારો પર સંગઠિત કરશે. (સંદર્ભ : આઝાદી બાદનું ભારત, બિપીન ચંદ્ર)

હવે વિચારો કે સરદાર પટેલે RSS પર અનેક પ્રહારો કર્યા છે, તેમણે સંઘ પર પ્રતિબંધ મુક્યો હતો, દોઢ વર્ષ સુધી સંઘ પર પ્રતિબંધ રહ્યો હતો. બાદમાં શરતોને આધીન પ્રતિબંધ ઉઠાવાયો હતો, જો કે રાજકારણમાં દખલગીરી ના કરવાની એ શરતનું કેટલું પાલન હાલમાં થઇ રહ્યું છે તે આપણે જોઈએ જ છીએ.

જે સરદાર પટેલ બિનસાંપ્રદાયિક, દેશને એક અને અખંડિત રાખવાની વાત કરતાં – કામ કરતાં, સાદગીભર્યું જીવન જીવતા, વાતો કરવામાં નહીં પણ કામ કરવામાં માનતા તે સરદાર પટેલના નામે આજે કરોડોના ખર્ચે કાર્યક્રમો થાય અને તે પણ જયારે લાખો ખેડૂતો દયનીય હાલતમાં છે ત્યારે.

આમ આજીવન સરદાર પટેલ સંઘની વિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા હતાં તેમજ સંઘની અમુક પ્રવૃત્તિઓના ટીકાકાર પણ રહ્યા હતાં. ત્યારે તેમનો અને સંઘની વિચારધારાનો ક્યાંય મેળ જ નથી બેસતો. વાતો ઘડી કાઢવામાં આવી છે.

સરદાર પટેલ હકીકતમાં ચુસ્ત કોંગ્રેસી અને ભારત દેશના હિતેચ્છુ હતાં, તથા તેમણે પત્રમાં RSS ના લોકોને દેશસેવા કરવી હોય તો કોંગ્રેસ સાથે જોડાઈ જવા પણ જણાવ્યું હતું.

સાથે સાથે જે ગાંધીજી માટે સરદાર પટેલે સંઘ પર પ્રતિબંધ મુક્યો, કઠોર શબ્દોમાં ટિકા કરી તે જ સંઘમાંથી આવેલા લોકો વાતો ફેલાવે છે કે ગાંધીજી અને સરદાર પટેલને બનતું નહોતું, એક દીવાલ ઉભી કરવામાં આવી રહી છે દેશના સ્વાતંત્ર્ય સેનાનીઓ વચ્ચે.

સરદારને અન્યાય થયો, સરદારને અન્યાય થયો તેવું કહીને સરદાર સાહેબને જ અપમાનિત કરનારાઓને શું એટલી ખબર નહીં હોય કે અન્યાય સહન નહોતા કરતાં એટલે જ તો સરદાર કહેવાયા, કડવી પણ સાચી વાત મોઢે જ કહી દેનારા સરદાર પટેલને કોણ અન્યાય કરવાનું ?

હકીકત જાણો અને શેર કરી લોકો સુધી પહોંચાડો