મુખ્યમંત્રી બનાવતા હોય તોયે ભાજપમાં ના જાઉ : ટંકારાના ધારાસભ્ય લલિત કગથરા

Spread the love

બુધવાર રાતથી કોંગ્રેસના ૩ ધારાસભ્યો ભાજપમાં જોડાશે તેવી અટકળો ફેલાઈ રહી હતી. અલ્પેશ ઠાકોર, ભરતજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, ધવલસિંહ ઝાલા, ડૉ કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સોમા ગાંડા પટેલ સહિતના ધારાસભ્યોના નામ ચાલી રહ્યા હતાં.

ગુરુવારની સવાર પડતા જ તેમના સમાચાર સમગ્ર મિડિયામાં ચાલવા લાગ્યા હતાં, જેથી આ ધારાસભ્યોએ ખુલાસા આપવાના શરુ કર્યા હતાં. વિડીયો દ્વારા તેમજ મિડિયા ઈન્ટરવ્યું દ્વારા તેઓ સ્પષ્ટતા આપી રહ્યા હતાં.

જેમાં કોંગ્રેસના ટંકારાના પાટીદાર ધારાસભ્ય લલિત કગથરાએ કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં ભળે છે તેવી વાતો ફેલાવીને ભાજપ હવાતિયા મારે છે, ભાજપને હડકવા થયો છે.

તો લલિત કગથરાએ તેઓ કોઇપણ કાળે ભાજપમાં નથી જોડાઈ રહ્યા તેમજ હવે કોઇપણ ધારાસભ્ય ભાજપની માયાજાળમાં નહીં આવે તેમ કહ્યું, સાથે જ જણાવ્યું કે ગુજરાતનો મુખ્યમંત્રી બનાવતા હોય તોયે હું ભાજપમાં ના જાઉં ત્યાં સુધીની સ્પષ્ટતા તેમણે આપી.

તો લલિત વસોયાએ પણ ભાજપમાં જોડાવા કરતાં કાં તો રાજકારણ છોડી દેવાની કાં તો આપઘાત કરી લેવો જોઈએ તેવી વાત કરી હતી. સાથે જ સૌરાષ્ટ્રના એકેય કોંગ્રેસી ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય તેવું જણાવ્યું હતું.

આમ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાય છે તેવી અફવાનો હાલ પુરતો છેદ ઉડી ગયો છે, ખુદ કોંગ્રેસના જે ધારાસભ્યોના નામ સામે આવ્યા તેમણે જ સ્પષ્ટતા કરીને જણાવી દીધું છે. તેથી અત્યારે આ વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયો છે.