રાજકોટ અને પોરબંદરથી કોંગ્રેસના ઉમેદવાર બન્ને લલિતકાકા જીતશે કે હારશે? જાણો

Spread the love

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ એટલે વિઠ્ઠલ રાદડિયાનો સંપૂર્ણ દબદબો અને તેમાં પણ રાજકોટ – પોરબંદર સુધી વિઠ્ઠલ રાદડિયાને ગણતરીમાં લીધા વગર કોંગ્રેસમાં ના ટીકીટ મળી શકે કે ના નિમણુંક થઇ શકે.

આ વિઠ્ઠલ રાદડિયા જોડાયા ભાજપમાં, ત્યારે ભાજપમાં તેમના સાથી બન્યા ધોરાજી – ઉપલેટાના લલિત વસોયા. જો કે તેમને સમય જતાં ભાજપમાં કોઈક નારાજગી થઇ, ભાજપમાં તેમને રસ ઘટી ગયો.

ટંકારા વિધાનસભા બેઠક કે જેમાં રાજકોટ જિલ્લાના પડધરી અને મોરબી જિલ્લાનો ટંકારા વિસ્તાર આવે, જ્યાં કોંગ્રેસમાંથી લલિત કગથરા અનેક વખત હાર્યા.

વર્ષ ૨૦૧૫ નો સમય, પાટીદાર અનામત આંદોલન શરુ થયું અને ટૂંકા સમયમાં સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ગયું. લલિત વસોયાની ભાજપથી નારાજગી થઇ જ હતી અને આંદોલનમાં તેઓ જોડાઈ ગયા, સૌરાષ્ટ્રની એકતરફની કમાન સંભાળી લીધી. બોલવામાં હોંશિયાર, રાજકીય સુઝબુઝના કારણે તેમની લોકપ્રિયતા વધી. તો કોંગ્રેસે ધોરાજીથી ટીકીટ આપી અને જીતી ગયા.

તો ટંકારાના લલિત કગથરા પણ પાટીદાર, આખા બોલા, એક એક શબ્દ પકડી પકડીને બોલે, સમાજ માટે ખુલીને સામે આવ્યા, આંદોલનકારીઓને માટે દરેક પ્રકારે મહેનત કરી. ટંકારા બેઠકથી ફરીએકવાર કોંગ્રેસે ટીકીટ આપી અને આ વખતના જુવાળમાં ૩૦ હજાર મતોએ જીતીને આવ્યા.

આ બન્ને નેતાઓ ધારાસભ્ય બન્યા પછી પણ સક્રિય રહ્યા. વિવિધ મુદ્દે આંદોલન કરતાં રહ્યા. સાથે સાથે કોંગ્રેસ પક્ષમાં પણ દરેક પ્રકારે સક્રિય રહ્યા. જસદણની પેટા ચૂંટણી હોય કે જનતાની લડાઈ લડવાની હોય.

તેમના લડાયક મિજાજ, અલગ અંદાજ, ભાજપ સામે લડી જ લેવાની ભાવનાથી પક્ષમાં પણ કાર્યકરોમાં તેઓ લોકપ્રિય બન્યા, પક્ષની ગુડબુકમાં પણ રહ્યા. પક્ષને માટે એક એક બેઠક મહત્વની છે ત્યારે સૌરાષ્ટ્રની મહત્વપૂર્ણ બેઠક રાજકોટ લોકસભા માટે લલિત કગથરા અને પોરબંદર લોકસભા માટે લલિત વસોયાને ટીકીટ આપવામાં આવી છે.

પોરબંદર લોકસભા અને રાજકોટ લોકસભા બન્ને જીતવી કોંગ્રેસ માટે એટલી સરળ પણ નથી અને એટલી અઘરી પણ નથી. કોંગ્રેસ પક્ષે ‘લલિતકાકા’ને ઉતારીને પોતાના તરફથી તો મજબુત દાવ રમી લીધો છે.

સૌરાષ્ટ્રમાં કડવા અને લેઉવા સમીકરણ સમજીને ચાલવું જરૂરી છે આ સમીકરણ અનુસાર જ કોંગ્રેસ અને ભાજપે પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરા કડવા પાટીદાર છે તો ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયા પણ કડવા પાટીદાર છે.

તો પોરબંદર લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા લેઉવા પાટીદાર છે તો ભાજપના ઉમેદવાર રમેશ ધડુક પણ લેઉવા પાટીદાર છે.

આમ પોરબંદર અને રાજકોટ લોકસભાના સામાજિક સમીકરણો અનુસાર બેઠકોની ફાળવણી થઇ છે, હવે તેમાં પોરબંદર લોકસભા કોંગ્રેસ માટે રાજકોટ બેઠક કરતાં વધુ મજબુત છે કારણે રાજકોટ લોકસભામાં શહેરી વિસ્તારના મતો ઘણા છે અને તે ભાજપની વોટબેંક કહેવાય છે.

જો કે ઉમેદવારની દ્રષ્ટીએ વાત કરીએ તો લલિત કગથરા ભાજપના મોહન કુંડારિયા કરતાં વ્યક્તિગત ધોરણે અને રાજકીય રીતે વધુ મજબુત કહેવાય છે, વધુ લોકપ્રિય છે અને પ્રજાની વચ્ચે રહેનારા છે.

આ ઉપરાંત તેમની તળપદી ભાષામાં વક્તવ્યથી પણ પ્રજા કન્વીન્સ થઇ શકે છે.

રાજકોટ શહેરમાં પણ હવે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ રહ્યો નથી. કુંવરજી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ છોડીને જતાં રહ્યા છે અને આ બે નેતાઓના વિવાદમાં જ પક્ષ ત્યાં હારી રહ્યો હતો.

અશોક ડાંગર, પ્રદીપ ભટ્ટ, મહેશ રાજપૂત, વશરામ સાગઠીયા, દિનેશ ચોવટિયા, જસવંત ભટ્ટી, રજત સંઘવી જેવા આગેવાનો ભેગા મળીને હવે રાજકોટ શહેરમાં કોંગ્રેસને બુથથી મજબુત કરી રહ્યા છે. જેથી રાજકોટ શહેરમાં પણ વિધાનસભાની સરખામણીએ કોંગ્રેસનું પ્રદર્શન સુધરવાની આશા છે.

તો રાજકોટ ગ્રામ્ય, જસદણ, ટંકારા, વાંકાનેર વિધાનસભા વિસ્તારથી પણ લલિત કગથરા વધુ મતો લઇ જાય તેવી શક્યતાઓ છે. ગ્રામ્ય કક્ષાએ ભાજપ વિરુદ્ધ ખુબ જ નારાજગી છે. ખેડૂતોના પ્રશ્નો હોય, પાટીદાર સમાજ ભાજપ વિરુદ્ધ હોય, રોડ – રસ્તા – પાણીની સમસ્યાઓ હોય. ગામડાની જનતા ભાજપથી ત્રસ્ત છે.

જસદણ પેટા ચૂંટણીમાં ભલે ભાજપના કુંવરજી જીતી ગયા પરંતુ પેટા ચૂંટણીમાં સરકાર સામે લોકો મતદાન કરીને સામેથી સમસ્યા વહોરવામાં નથી માનતા એટલે સત્તાધારી જ જીતે પરંતુ તે જ જનતા આ વખતે કોંગ્રેસને જ બહુમતી આપશે તેવું કહેવાય છે.

તો વાંકાનેરથી ભાજપના જીતુ સોમાણી અને લોહાણા સમાજની નારાજગી પણ ભાજપને એક લાખ જેટલા મતોનું નુકસાન કરવી જશે તેમ કહેવાય છે.

આમ કોંગ્રેસે મજબુત ઉમેદવારને મેદાનમાં ઉતારતા એકતરફી કહેવાતી રાજકોટ લોકસભામાં હવે ભાજપ – કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર થાય તેવા સમીકરણો સર્જાયા છે.

તો પોરબંદર લોકસભા બેઠકમાં ગ્રામ્ય વિસ્તાર વધુ આવે છે, ભાજપે રાદડિયા પરિવારની અવગણના કરી છે અને કોંગ્રેસની પરિસ્થિતિ મજબુત છે. ત્યારે કોંગ્રેસે મજબુત ઉમેદવારોને મેદાનમાં ઉતારતા હવે પોરબંદર લોકસભા પર કોંગ્રેસની જીતની શક્યતા વધી ગઈ છે.

પોરબંદર લોકસભામાં રાજકોટ જિલ્લાની ગોંડલ, જેતપુર, ધોરાજી, જુનાગઢ જિલ્લાની કેશોદ, માણાવદર, પોરબંદર જીલ્લાની કુતિયાણા અને પોરબંદર વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે.

લલિત રાદડિયાને ટીકીટ આપવામાં ના આવતા જેતપુર તથા આસપાસના વિસ્તારમાં ભાજપના કાર્યકરો પક્ષથી નારાજ છે, તો પોરબંદરથી બાબુ બોખીરીયા પણ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે.

જવાહર ચાવડા ભાજપમાં જતા રહ્યા ત્યારબાદ કોંગ્રેસ પાસે લલિત વસોયાની ધોરાજી બેઠક જ છે હાલમાં પરંતુ સમગ્ર લોકસભા મત વિસ્તારમાં ભાજપ પ્રત્યે રોષ છે, વિધાનસભા કરતાં વિપરીત પરિસ્થિતિ છે.

ત્યારે ભાજપ પોતાના મજબુત ઉમેદવારોના સહારે જીતી ગયું હતું. આ વખતે કોંગ્રેસના ઉમેદવાર વધુ મજબુત છે તેથી કોંગ્રેસની શક્યતા વધારે છે.

Lalit Vasoya

આમ કોંગ્રેસના બન્ને લલિત કાકા સૌરાષ્ટ્રની બાજુ બાજુની જ બેઠક પરથી લડી રહ્યા છે. કાર્યકરોમાં ઉત્સાહ છે, જનતા ભાજપ સરકારથી નારાજ છે ત્યારે તેઓ કેવી લડાઈ આપે છે અને જીતે છે કે કેમ તે આવનારી ૨૩ મે ના પરિણામ જ કહી દેશે.