આંધળી મોદી ભક્તિની હદ વટાવનાર આ રેલ ફેરીયાની થઇ ધરપકડ.. જાણો કેમ

Spread the love

હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટ્રેનમાં એક ફેરિયો મોદી – મોદી કર્યા કરે છે અને અન્ય પક્ષોના નેતાઓની જેમ ફાવે તેવા શબ્દોમાં મજાક બનાવી રહ્યો છે.

આ વિડીયો મોદી સમર્થકો સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યા છે, ત્યારે નરેન્દ્ર મોદીના ગુણગાન ખાતા ના થાકતા આ ફેરિયાની જ ધરપકડ કરી લેવામાં આવી છે.

પહેલા તેવી વાત ફેલાઈ હતી કે નરેન્દ્ર મોદીની મિમિક્રી કરવા બદલ આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેની ધરપકડ ટ્રેનમાં ગેરકાયદેસર મુસાફરી અને સામાન વેચવા સહિતના આરોપોમાં કરવામાં આવી છે.

આ વ્યક્તિનું નામ અવધેશ દુબે છે અને વલસાડ – વાપી વચ્ચે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં અનેક ફેરિયાઓને પકડવામાં આવ્યા છે, માત્ર અવધેશ જ નહીં.

જો કે નિયમો અને કાયદાનો ભંગ કરનારા આ વ્યક્તિ માટે મોદી સમર્થકોએ ટ્વીટર પર મુહિમ ચલાવવાનું શરુ કર્યું હતું પણ તેમાં લોકોનો ખાસ કોઈ સપોર્ટ મળ્યો નહોતો. તે લોકોને એટલે જ ફિકર હતી કે આ વ્યક્તિ મોદી સમર્થક છે, બાકી રોજ આવા કેટલાય લોકો પર કાર્યવાહી થાય છે ત્યારે કેમ કોઈને કઈ નથી દેખાતું ?

કોંગ્રેસ, સપા, બસપા, આરજેડી સહિતના પક્ષો અને રાહુલ ગાંધી – સોનિયા ગાંધી – લાલુ યાદવ – માયાવતી – મમતા સહિતના નેતાઓ પર અભદ્ર ટીપ્પણી કરીને મોદીના વખાણ કરતા ના થાકતા આ વ્યક્તિની રોજગારી જતી રહી છે અને દંડ તેમજ દસ દિવસની જેલની સજા થઇ છે.

આરપીએફ-સુરતના આસિસ્ટન્ટ સિક્યૉરિટી કમિશનર રાકેશ પાંડે જણાવે છે, “આરપીએફ દ્વારા હાથ ધરાતી નિયમિત ડ્રાઇવના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે.

જેમાં ટ્રેનમાં ગેરકાયદે સામાન વેચવો-144(A), રેલવેમાં ઉપદ્રવ કરવો-145(B) અને અનઅધિકૃત પ્રવેશ કરવો-147 RA જેવી ધારાઓ અંતર્ગત ફેરિયાઓની ધરપકડ કરવામાં આવી છે.”

“અવધેશનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે એ ઘણો જૂનો છે અને આ ડ્રાઇવ સાથે એનો કોઈ સંબંધ નથી.”

‘અવધેશે મૅજિસ્ટ્રેટ સમક્ષ પોતાનો ગુનો કબુલ્યો છે. જે બાદ તેના પર 3500 રૂપિયાનો દંડ ફટકારોય છે અને 10 દિવસની કેદ માટે લાજપોર કેન્દ્રીય જેલમાં મોકલી દેવાયો છે.’

રાકેશ પાંડેના જણાવ્યા અનુસાર આરપીએફ દ્વારા નિયમિત રીતે આવી ડ્રાઇવ હાથ ધરાય છે, જેમાં રેલવેમાં ગેરકાયદે સામાન વેચતા ફેરિયા કે અન્ય લોકોની ધરપકડ કરવામાં આવે છે.

રમકડાં વેચતા ફેરિયાની અટકાયત અને સજાને પગલે હવે સૌ કોઈ કહી રહ્યા છે કે, કોઇપણ બાબત હોય તેનો વિડીયો સોશિયલ મીડિયા પર આવ્યા પછી જ તંત્રની આંખ ઊઘડે છે ?

હજુ આજની તારીખે પણ આ રમકડાંવાળા ફેરિયાની જેમ સંખ્યાબંધ ફેરિયાઓ ટ્રેનોમાં ખુલ્લેઆમ રિઝર્વ્ડ કોચમાં ફરીને ખાદ્યપદાર્થ અને ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. છતાં તંત્રને કશું દેખાતું જ નથી અને જ્યારે સોશિયલ મીડિયા પર કંઈક વાઈરલ થાય છે અને હોબાળો મચે ત્યારે જ તંત્ર હરકતમાં આવે છે.