મોદી ગુજરાતની આ બેઠક પરથી લડશે લોકસભાની ચૂંટણી.. જાણો વિગત

Spread the love

લોકસભાની ચૂંટણીના મંડાણ મંડાઈ ગયા છે. હવે ભાજપ અને કોંગ્રેસ તેની તૈયારીઓમાં લાગી ચુક્યા છે. કોણ જીતશે કે કોણ હારશે તે કહેવું સરળ નથી પરંતુ દરેક નેતાઓ પોતાની રીતે પોતાના પક્ષ માટે જોર લગાવી રહ્યા છે.

વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્ર મોદી ગુજરાતની વડોદરા અને ઉત્તરપ્રદેશની વારાણસી બેઠકથી ચૂંટણી લડ્યા હતાં. ત્યારબાદ તેમણે કોઈ એક બેઠકથી રાજીનામું આપવું પડે તેમાં વડોદરાથી રાજીનામું આપીને વારાણસીથી ટર્મ ચાલુ રાખી હતી.

હવે ફરીથી ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ૫ વર્ષ પુરા થવા આવ્યા છે. આ પાંચ વર્ષમાં ઘણા ગણીતો બદલાઈ ગયા છે. ઘણી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

હાલમાં મોદી સાંસદ છે તે વારાણસી બેઠક ઉત્તરપ્રદેશમાં આવે છે અને તે રાજ્યમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન થઇ ચુક્યું છે. આ પરિસ્થિતિમાં અલગ અલગ સર્વે પ્રમાણે યુપીના આસાર મુજબ તો ભાજપને તકલીફ પડે તેવી હાલત છે.

તો વારાણસી પણ ભાજપનો તેવો કોઈ મજબુત ગઢ રહ્યો નથી કે નથી વડાપ્રધાન તરીકે રહીને નરેન્દ્ર મોદીએ વારાણસીની કોઈ સકલ બદલી નાખી. કાશીને ક્યોટો બનાવવાનું કહીને હજુસુધી તે દિશામાં કોઈ કામ થયેલું દેખાતું નથી.

તો ગઠબંધનને કારણે પણ વારાણસી બેઠક પર ભાજપ માટે જોખમ ઉભું થયું છે. ત્યારે ગુજરાતમાં ભાજપની ગણતરીની સેફ સીટ બચી છે અને તે પણ શહેરી વિસ્તારોમાં.

જેમાં વડોદરા બેઠકથી એકવાર કરોડોના ખર્ચને અંતે સાંસદ બનીને ૧૫ દિવસમાં રાજીનામું આપી દીધું છે એટલે હવે ફરીથી વડોદરાથી ચૂંટણી લડવાની વાતને ત્યારે જ વિરામ મુકાય જાય છે.

બાકી બચેલી ભાજપની સેફ બેઠકોમાં ગાંધીનગર, નવસારી, સુરત અને રાજકોટ લોકસભા સીટનો સમાવેશ થાય છે. હવે આમાં સુરત બેઠકમાં વરાછા સહિતના પાટીદાર પ્રભાવિત વિસ્તારો આવે છે અને ત્યાંથી જો કદાચ પણ નરેન્દ્ર મોદી સામે હાર્દિક પટેલ ઉમેદવારી કરે તો તેમને અઘરું પડી શકે છે.

તો રાજકોટ લોકસભા બેઠકમાં પણ ગ્રામ્ય વિસ્તારો પણ આવે છે અને ત્યાં ખેડૂતોમાં ભાજપ સામે ઘણો રોષ છે ત્યારે રાજકોટ લોકસભા ગાંધીનગર અને નવસારી લોકસભા જેટલી સેફ નથી.

ગાંધીનગર લોકસભામાં ગાંધીનગર ઉત્તર, ઘાટલોડિયા, સાબરમતી, નારણપુરા, વેજલપુર, સાણંદ અને કલોલ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે જેમાં ભાજપને ઘાટલોડિયા, સાબરમતી અને નારણપુરા જ મોટી લીડ અપાવી દેવા સક્ષમ છે.

ગાંધીનગર લોકસભામાં એલિસબ્રીજ – પાલડી – નવરંગપુરા – ચાંદખેડાને બાદ કરતાં બાકીનો અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર આવી જાય છે.

તો નવસારી લોકસભા બેઠકમાં પણ નવસારી, જલાલપોર, મજુરા ગેટ, ચોર્યાસી, લિંબાયત, ઉધના અને ગણદેવી વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. આ બધી જ વિધાનસભામાં છેલ્લે ભાજપનો વિજય થયો હતો.

આમ નવસારી લોકસભામાં સુરતનો અને ગાંધીનગર લોકસભામાં અમદાવાદનો પોશ વિસ્તાર આવી જાય છે અને સુખી લોકોને કોઈ સમસ્યા પડતી કે દેખાતી ના હોવાથી તેઓ ઉમેદવાર જોયા વગર પણ ભાજપને મત આપતા રહ્યા છે.

ગુજરાતની કોઈ લોકસભા બેઠક હોય તો તેમના માટે હોમગ્રાઉન્ડ હોવાથી  પ્રચાર અને વિસ્તારોને સમજવા પણ સરળ રહે અને લોકો પણ વડાપ્રધાન ગુજરાતી છે તેવું સમજીને મત આપે.

સુરતની નવસારી બેઠકથી નરેન્દ્ર મોદી ચૂંટણી લડે તેની શક્યતા કરતાં અમદાવાદની ગાંધીનગર લોકસભા બેઠકની વધારે છે કારણકે અમદાવાદની ભૂગોળથી તેઓ વાકેફ છે, અહિયાં પ્રચાર કરવો સરળ રહે.

અમદાવાદના માહોલનો ગુજરાતભરમાં લાભ મળે, તો મિડિયા કવરેજ પણ અમદાવાદથી વધુ મળી રહે. ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસ જોડે ગાંધીનગર બેઠક માટે તેવો કોઈ પડકારજનક ઉમેદવાર પણ નથી.

ત્યારે આવનારી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ક્યાંય પડકાર આપવાની વાત કરવાને બદલે સેફ ગેમ રમીને પોતાની બેઠક સચવાઈ રહે તે માટે નરેન્દ્ર મોદી ગાંધીનગર બેઠકથી લડશે તેવા સમીકરણો દેખાઈ રહ્યા છે.