મોનસુન દરમિયાન સૌથી વધારે પસંદગી પામનારા લિજ્જતદાર વ્યંજનો..!! જુઓ

Spread the love

બહાર ખાવાપીવાનું, હરવા ફરવાનું અને મજા કરવાનું નક્કી ના હોય, એતો બારેય મહિના હોય જ પરંતુ તેના માટે અમુક સમય અને સિઝન ખાસ હોય છે, જેમ વરસાદમાં રેઈનકોટ પહેરાય – છત્રી રખાય, ઠંડીમાં સ્વેટર પહેરાય તેમ ખાવાપીવામાં પણ અમુક સિઝનની મજા કઈક ખાસ હોય છે અને ખાવાપીવાના શોખીનોએ તો તે સિઝનની સ્પેશિયલ વાનગીઓ ચૂકવી જ ના જોઈએ.

અત્યારે આવી છે ચોમાસાની એટલે કે વરસાદની સિઝન અને વરસાદ હોય એટલે વાતાવરણમાં ઠંડક અને ભેજ પ્રસરી ગયો હોય, આવા વાતાવરણમાં આપણને મજા આવે ગરમાગરમ – ઉકળતું – તળાતું – મસાલેદાર અને ચટાકેદાર ખાવાનું. તો ચાલો જોઈએ મોનસુનની ફેવરીટ વાનગીઓનું આ લિસ્ટ.

દાળવડા

એકતરફ વરસાદ વરસતો હોય, માહોલ જામ્યો હોય અને તેમાં ગરમાગરમ દાળવડા મળી જાય તો તેની મજા કંઈક વિશેષ જ છે. અમદાવાદ જેવા શહેરોમાં તો વરસાદ વરસવાનો શરુ થતા પ્રખ્યાત સ્થળોએ દાળવડાવાળાઓને ત્યાં લાઈનો લાગી જતી હોય છે અને મર્યાદિત જથ્થામાં જ દાળવડા આપવામાં આવતા હોય છે. ચોમાસાની સૌથી પ્રિય વાનગીઓમાંથી દાળવડાનું સ્થાન કંઇક અલગ જ છે.

મકાઈ (કોર્ન)

વરસાદ શરુ થાય, રસ્તાઓ ભીજવાયા હોય ત્યારે કામ ધંધે રજા મુકીને મોસમની મજા માણવા હાઈવે પર લોંગ ડ્રાઈવ પર પરિવાર કે દોસ્તો સાથે નિકળો એટલે ભેજવાળા આ વાતાવરણમાં ધુમાડા ઉડાડતી શેકાઈ રહેલી – બફાયેલી મકાઈની લારી જોઇને તે ખાવાની ઈચ્છા થયા વગર ના રહે.

તેમાં પણ મસાલા કોર્ન ખાવાની મજા અલગ જ છે. મસાલા કોર્ન ખાવામાં વધુ સ્વાદિષ્ટ તેમજ ચટપટા હોય છે.

ગ્રિલ્ડ સેન્ડવિચ

લીલી ચટણી સાથે એકદમ શેકાયેલી એટલે કે ગ્રિલ્ડ સેન્ડવિચ ટેસ્ટી લાગતી હોય છે. અનેક શાકભાજી – ચટણીઓ અને મસાલાથી ભરપુર તેવી ગ્રિલ્ડ સેન્ડવિચ ખાવાની મજા વરસાદી વાતાવરણમાં વિશેષ આવે છે. આમતો દુકાનો – ફૂટપાથ પર અનેક વેરાયટીની ગ્રિલ્ડ સેન્ડવિચ મળતી હોય છે પણ તેની મજા તમે ઘરેબેઠા બનાવીને પણ ઉઠાવી શકો છો.

હોટ ચોકલેટ

ચા અને કોફી પીવાના શોખીનોને હોટ ચોકલેટ મિલ્ક ટક્કર આપી શકે છે. વરસાદ કે કડકડતી ઠંડીની સિઝનમાં હોટ ચોકલેટ મિલ્કની ડીમાંડ વધી જાય છે.

યમી ચોકલેટ મિલ્કને મેલ્ટેડ ચોકલેટ અને દૂધમાં મિલાવીને સરળતાપૂર્વક બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોફી પાઉડર, કોકો પાઉડર કે વેનીલા પાઉડર નાખીને પણ ટેસ્ટી બનાવી શકાય છે.

વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હોય ત્યારે ગરમાગરમ વરાળ નીકાળતા ગ્લાસમાં રહેલું હોટ ચોકલેટ મિલ્ક જીભને બધા જ ટેસ્ટ આપી દેતું હોય છે.

ભજીયા – ગોટા મિક્સ

ચોમાસાની સિઝન હોય એટલે ગુજરાતીઓને દાળવડા સિવાય બીજો ચસ્કો હોય તો તે છે ભજીયાનો. વરસાદની સાથે સાથે ગરમાગરમ તળાઈ રહેલા ભજીયાની લુફ્ત ઉઠાવવાની મજા એટલે આ..હા.. એના જેવું તો કઈ જ નહી.

ભજીયામાં પણ બટાકાના ભજીયા, મરચાના ભજિયા, ડુંગળીના ભજીયા, ટામેટાના ભજીયા.. જેવો જેનો ટેસ્ટ. આ સિવાય બટાકા વડા, મેથીના ગોટા, ટીકડી વડાની મિક્સ ડીશ ખાધી હોય તો ચટાકો પડી જાય. તેમાં પણ સાથે લીલી અને ગળ્યી ચટણી ટેસ્ટમાં કઈક ખાસ ઉમેરો કરી દેતા હોય છે.

આ મજા તમે બહાર દુકાને કે લારીએ પણ ઉઠાવી શકો છો અને પરિવારના લોકો – મિત્રો ઘરે ભેગા થઈને પણ.

સિઝલર

આમતો બહારનું ખાવું હેલ્ધી નથી ગણાતું પરંતુ સિઝલરમાં આવતી શાકભાજી સ્વાસ્થ્યપ્રદ હોય છે તેવું કહી શકાય. એકદમ તડતડતું ધુમાડા ઉડાડતું સિઝલર જયારે વરસાદી મોસમમાં આવે ત્યારે ઠંડક સાથે ગરમાગરમ ટેસ્ટી મસાલેદાર – ચટાકેદાર – લિજ્જતદાર વસ્તુઓનો સમૂહ મળી જાય એટલે પછી એમાં તો કંઈ જ ના ઘટે.