નીતિન પટેલની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય – ઠાકોરોમાં ભભૂકતો રોષ.. જાણો

Spread the love

વિધાનસભામાં કોઇપણ સભ્ય ભાજપ સરકાર સામે બોલે તો નીતિન પટેલ જવાબ આપવા બોલવા લાગતા હોય છે, દરેક બાબતમાં વચ્ચે પડવાની તેમની આ આદત આ વખતે મોંઘી પડી શકે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાલમાં સોશિયલ મીડિયા પર ક્ષત્રિય અને ઠાકોર સમાજના યુવાનોના નિશાને છે.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન સિંહોના રક્ષણ મામલે પ્રશ્નો પુછાઈ રહ્યા હતા ત્યારે ભાજપમાં ઠાકોરોનું સ્થાન વધ્યું છે તેવી વાતો કરવામાં આવી રહી હતી, ત્યારે કોંગ્રેસ તરફથી માધવસિંહ સોલંકીનો ઉલ્લેખ કરવામાં આવતા નીતિન પટેલે કમેન્ટ કરી હતી.

ઠાકોર અને ક્ષત્રિયની કમેન્ટ કરીને ભેદરેખા ઉભી કરવામાં આવી છે તેવા આક્ષેપ સાથે વિવાદ ઉભો થયો છે. ઠાકોર સમાજના યુવાનો દ્વારા નીતિન પટેલની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ભારે વિરોધ થઇ રહ્યો છે. તો ક્ષત્રિય અને ઠાકોર સમાજના સંગઠનો આવેદનપત્ર આપીને નારાજગી વ્યક્ત કરશે.

નીતિન પટેલે વિધાનસભામાં ક્ષત્રિય અને ઠાકોર સમાજની ભેદરેખા અંગે સવાલ ઉભો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. નામ પાછળ સિંહ લાગે છે તો તેઓ ક્ષત્રિય છે કે ઠાકોર છે તેવો સવાલ ઉભો કરવામાં આવતા ઠાકોર સમાજમાં નારાજગી ફેલાઈ છે.

તો સોશિયલ મીડિયામાં આ અંગે મહેસાણા કલેકટરને આવેદનપત્ર આપવા સુધીની વાત કરવામાં આવી રહી છે.

જો કે આ ટિપ્પણીની સામે ક્ષત્રિય અને ઠાકોર સમાજના યુવાનો એક થઈને નીતિન પટેલનો વિરોધ કરી રહ્યા છે અને આથી સામાજિક એકતા જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્યે સિંહોના મોત અંગે ચિંતા વ્યક્ત કરીને સવાલ કર્યો હતો, તેનો જવાબ આપતા કહ્યું હતું કે ગુજરાત સરકાર આ બાબતે ગંભીર છે અને પગલા ભર્યા છે,

પછી હસવા સાથે કહ્યું હતું કે અમારે ત્યાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા હોય, પ્રદીપસિંહ જાડેજા હોય કે જયદ્રથસિંહ પરમાર સહિતના ધારાસભ્યોને જોઈ લ્યો.

તો ઠાકોર અને ક્ષત્રિય સમાજની વાત નીકળે ત્યારે કોંગ્રેસ માધવસિંહની વાત કરે છે. હવે તો ભરતસિંહ સોલંકી જ સ્પષ્ટતા કરી શકે કે તેઓ ઠાકોર છે કે ક્ષત્રિય.

ઉલ્લેખનીય છે કે જેઓ ગૃહમાં હાજર નથી, જે માધવસિંહ ચાર વખત ગુજરાતના સીએમ રહી ચુક્યા છે, તેમના પર ટિપ્પણી કરીને નીતિન પટેલે ફરીથી નકારાત્મકતા દર્શાવી છે.

આ સાથે હવે મહેસાણામાં મોટી સંખ્યામાં યુવાનો ભેગા થઈને કલેકટરને આવેદનપત્ર આપીને નીતિન પટેલનો વિરોધ કરવાના મેસેજ ચલાવી રહ્યા છે.

નીતિન પટેલ ખુદ મહેસાણાથી જ ધારાસભ્ય છે ત્યારે તેમના વિસ્તારમાં અત્યારથી જ તેમનો વિરોધ શરુ થઇ ગયો છે, ત્યારે હવે તેઓ માફી માંગશે કે કેમ તે જોવું રહ્યું.