પાટીદારો ઉત્તર ગુજરાતમાં કરશે સામાજિક એકતાનું સૌથી મોટું શક્તિ પ્રદર્શન.. જાણો

Spread the love

હાર્દિક પટેલે કરેલા ૧૯ દિવસના ઉપવાસ બાદ પણ પાટીદારોની લડાઈ અટકવાનું નામ નથી લેતી તો સામે ભાજપની ચિંતાઓ ઓછી નથી થતી.

પાટીદારો ઠેર ઠેર કોઈ ને કોઈ રીતે ભાજપ સરકાર સામે પોતાની માંગણીઓ રજુ કરવા કાર્યક્રમો આપી રહ્યા છે. સુરતમાં રામધુન હોય કે રામાપીરના આખ્યાન સાથે જેલમુક્ત થયેલા આંદોલનકારી યુવાનોનું સન્માન સમારોહ હોય.

પાટીદારો અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે અડગ છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ પાટીદારો એક યાત્રા નિકાળીને સૌથી મોટું શક્તિ પ્રદર્શન કરશે.

તારીખ 7 ઓક્ટોબર અને રવિવારના રોજ સવારે 08:00 કલાકે લક્ષ્મીપુરા પાલનપુરથી શરૂઆત કરીને ઊંઝા સુધીની રથયાત્રાનું સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં સમાજના લોકોને પોતાના વાહનો સાથે સામાજિક એકતા રેલીમાં નૈતિક ફરજ સમજી જોડાઈ જવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે.

Jamnagar Patidar

તો સાથે સાથે સ્પષ્ટતા પણ કરવામાં આવી રહી છે કે, આ કોઈ રાજકીય સંદર્ભમાં રેલી નથી, આ સમાજની ભક્તિના માધ્યમથી એકતાની શક્તિ બતાવવાની હોવાથી દરેક ભાઈ બહેનો ને SPG ટીમ તરફથી આમંત્રણ હોવાનું કહેવાય છે.

ભલે રાજકીય સંદર્ભમાં આ રેલી નથી પરંતુ આ રેલીથી ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી જશે તે તો નક્કી જ છે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં પાટીદારોની વસ્તી નોંધપાત્ર છે.

Patidar

ત્યારે પાટીદારો દ્વારા મોટી સંખ્યામાં એકત્ર થઈને નિકાળવામાં આવનારી આ રેલીથી સત્તાધારી ભાજપને સૌથી વધુ ચિંતા સતાવી રહી હશે, તો આ રેલીના માધ્યમે પાટીદારો એક છે તેવો સંદેશ પણ આપવામાં આવશે.

લાલજી પટેલે કર્યું આહવાન

પાટીદાર અનામત આંદોલન હાર્દિકના ઉપવાસ બાદ દિવસે ને દિવસે રંગ પકડતું જઈ રહ્યું છે, પાટીદાર અનામત આંદોલન સમિતિ ઉપરાંત હવે પાટીદાર સમાજની છ ધાર્મિક સંસ્થાઓ અને સરદાર પટેલ સેવાદળ અને તેના અધ્યક્ષ લાલજી પટેલ પણ તેમાં જોડાયા છે.

પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે બેંગ્લોર સારવાર કરાવીને પરત ફરેલા હાર્દિક પટેલે પણ વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરી છે. તો એસપીજી દ્વારા પણ ઉત્તર ગુજરાતમાં આંદોલનને લગતા કાર્યક્રમોની જાહેરાત લાલજી પટેલે કરી છે.

સૌરાષ્ટ્ર અને સુરતની બાજી હાર્દિક પટેલ અને ઉત્તર ગુજરાતમાં લાલજી પટેલ આંદોલનને વેગ આપશે તેમજ પાટીદારોમાં એકતા લાવવાનો પ્રયાસ કરીને સરકાર પર દબાણ ઉભું કરશે. ત્યારે લાલજી પટેલે સમાજને સંબોધીને એક પત્ર જાહેર કર્યો છે.

જેમાં તેમણે લખ્યું છે કે, ”આજે હું સરદાર પટેલ સેવાદળના અધ્યક્ષના નાતે આહવાન કરું છું કે તારીખ ૭, ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજ સવારે 8 કલાકે લક્ષ્મીપુરા (પાલનપુર) થી ઊંઝા ઉમિયા માતાજીના મંદિર સુધી જે ઉમાખોડલ રથયાત્રા નીકળવાની છે.

તેમાં એસપીજીના તમામ હોદ્દેદારો તથા સભ્યો, પાટીદારોની ધાર્મિક છ સંસ્થાના આગેવાનો તેમજ હાર્દિક પટેલ અને પાસના તમામ કન્વીનરો, પાટીદારોને અનામતની માંગણી સાથે જોડાયેલા આંદોલનકારીઓ, ખેડૂતો તથા અનામતથી વંચિત સમાજના લોકો અને તેમના આગેવાનોને આ રથયાત્રામાં જોડાવા માટે આહવાન કરું છું.

આ આપણી એકતા બતાવવાનો અનેરો અવસર છે.

વધુમાં લખ્યું છે કે, આ માં ઉમાખોડલ રથયાત્રામાં જોડાઈને વિરોધીઓને જવાબ આપીએ કે અમે બધા સાથે છીએ અને જ્યાં સુધી સમાજની માંગણીઓ પૂરી નહી થાય ત્યાં સુધી અમે કોઇપણ સરકાર હશે તેનો વિરોધ કરીશું અને અમારું આંદોલન ચાલુ રહેશે.

તો લાલજી પટેલની સક્રિયતાથી ભાજપ પણ ચિંતામાં મુકાઈ ગઈ છે, એકતરફ હાર્દિક પટેલ અને તેની ટીમ દ્વારા સતત થતા પ્રહારોથી બચવાના પ્રયાસ કરતી ભાજપ સામે હવે આ નવો પડકાર ઉભો થયો છે.

સમાજના આંદોલનમાં જેટલા આગેવાનો જોડાશે એટલો સમાજ સંગઠિત થશે અને તેનાથી સત્તાધારી ભાજપને રાજકીય નુકસાન થવાની ભીતિ છે, ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલું પાટીદારોનું આંદોલન આવનારા સમયમાં હજુ કેટલો વેગ પકડે છે અને ચૂંટણીમાં કેવી અસરો ઉપજાવે છે તે જોવું રહ્યું.