શિયાળાની ગુલાબી ઠંડીમાં ઘરે બનાવો તુવેરના ટેસ્ટી અને હેલ્થી ટોઠા.. જાણો રેસિપી

Spread the love

ઠંડીની સિઝન હવે પુરેપુરી જામી ગઈ છે, સાંજે છ વાગતા અંધારું થવા લાગે છે અને ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળે છે. ત્યારે ઠંડીની સિઝનમાં સ્વાદિષ્ટ ચીજવસ્તુઓ ખાવાની પણ મજા આવે.

શિયાળામાં ખોરાક સામાન્ય કરતાં વધારે થઇ જતો હોય છે, ત્યારે પહેલા ઉત્તર ગુજરાત અને હવે સમગ્ર ગુજરાતમાં ફેમસ થયેલા તુવેરના ટોઠાની આસાન રેસિપી આજે આપણે જાણીશું.

કુલચા તથા બ્રેડ સાથે તુવેરમાં મસાલો કરીને બનાવાતા ટોઠા ગરમાગરમ મળી જાય તો આ ઠંડીમાં કંઈક અલગ જ મજા આવી જતી હોય છે ત્યારે જાણો ઘરે બેઠા ટોઠા બનાવવાની સરળ રેસિપી.

સામગ્રી

સૂકી તુવેર – ૨૦૦ ગ્રામ

તેલ – ૪ થી ૫ ચમચી

તમાલ પત્ર – ૧

સૂકું લાલ મરચું – ૧

લીલા મરચા – ૨ થી ૩

ટામેટા પ્યુરી – ૩

સ્વાદ અનુસાર મીઠું

લીલી ડુંગળી

ગરમ મસાલો

લીંબુનો રસ

હિંગ – ચપટી

હળદળ, મરચું, ધાણાજીરું

કોથમીર અને મરચાનું ક્રશ – ૨ થી ૩ ચમચી

તુવેરને ધોઈને ઓછામાં ઓછા 4 થી 5 કલાક પાણીમાં પલાળો. કૂકરમાં 1 ગ્લાસ પાણી અને મીઠુ નાંખી તુવેરને 3 થી 4 સીટી વાગે ત્યાં સુધી બફાવા દો.

કૂકર ઠંડુ પડે એટલે તુવેર બરાબર સોફ્ટ થઈ ગઈ છે કે નહીં તે જોઈ લેવી. જો સોફ્ટ ના થઈ હોય તો 1-2 સીટી વાગવા દો અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી તુવેરને બફાવા દો.

વઘાર કરવાની રીત :

તેલને એક કડાઈમાં ગરમ કરો. તેમાં હીંગ અને લસણની પેસ્ટ નાખવી. લસણ સંતળાય એટલે તેમાં ડુંગળી નાંખી સાંતળો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો.

આ બધુ જ બરાબર સંતળાય એટલે તેમાં ટામેટા નાંખી તેને દસેક મિનિટ સંતળાવા દો.

મસાલો કરવાની રીત :

ટમેટા પ્યુરી જેવા પોચા થઈ જાય એટલે બાફેલી તુવેરના તપેલામાં નાંખીને તેને બરાબર હલાવો, બાદમાં તેમાં ગરમ મસાલો, ગોળ, ખટાશ વગેરે સ્વાદાનુસાર ઉમેરો.

બાદમાં તેને પીરસીને લીલી ડુંગળી સાથે ખાવાથી ઓર મજા આવશે. તુવેરના ટોઠા રોટલી સાથે પણ ખાઈ શકાય પણ બ્રેડ અને કુલ્ચા સાથે ટોઠા ખાવાની મજા વધારે આવે.