ભાજપને મોટો ઝટકો : તેજ તર્રાર નેતા રેશમા પટેલનું રાજીનામું.. જાણો હવે શું કરશે

Spread the love

વિધાનસભા ચૂંટણી વખતે પાટીદાર આંદોલન છોડીને ભાજપમાં જોડાયેલા રેશમા પટેલે છેલ્લા ચારેક મહિનાથી સતત વિરોધ નોંધાવ્યા બાદ હવે સત્તાવાર રીતે ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.

તેમણે ભારે ટિકા કરીને ભાજપમાંથી રાજીનામું આપ્યું છે, ઉલ્લેખનીય છે કે રેશમા પટેલ મિડિયામાં ભાજપના પ્રવક્તા તરીકે ભાજપના કોઇપણ જુના નેતા કરતાં વધુ મજબુતીથી બોલતા હતાં અને બધાની બોલતી બંધ કરી દેતા હતાં, ત્યારે હવે તેમણે જ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે.

રાજકોટ ખાતે એક પ્રેસ યોજીને રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકસભા અને પેટા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

રેશમા પટેલે ચૂંટણી લડવા અંગે જણાવ્યું છે કે, હું લોકસભા અને પેટા ચૂંટણી લડવા માંગું છું. આ સાથે તેમણે પોરબંદર બેઠક પરથી લોકસભાની અથવા માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ઝંપલાવવા અંગેની વાત કરી છે.

રેશમા પટેલે ટીકીટ મળવા અંગે કહ્યું છે કે, મને કોઇ રાજકીય પક્ષ ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડીશ, પરંતુ મારો ચૂંટણી લડવાનો નિર્ણય અડગ છે. હાલ મેં ચૂંટણીને લઇને સંપર્ક અભિયાન પણ શરૂ કરી દીધું છે.

તો રેશમા પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ સીધા આરોપ લગાવતા જણાવ્યું હતું કે, ભાજપને પાડવા માટે એક થઈને લડવું પડશે. ભાજપ હંમેશાં પોતાનું ધાર્યું કરતો પક્ષ છે. તે હંમેશાં મહિલાઓ સાથે અન્યાય કરે છે.

ઉલ્લેખનીય છે કે ભાજપને હવે એક બોલવામાં મજબુત નેતાએ રાજીનામું આપતા મોટો ફટકો પડ્યો છે. તો હવે રેશમા પટેલ લોકસભાની ચૂંટણી અગાઉ એનસીપીમાં પણ જોડાઈ શકે છે.

રેશમા પટેલે કહ્યું છે કે, ભાજપ હવે અંદરથી ખોખલું થઇ ગયું છે, જેથી ખોખલા થઇ રહેલું ભાજપ હાલ કોંગ્રેસમાં તૈયાર થયેલા કદાવર નેતાઓને પોતાની પાર્ટીમાં જોડી મજબૂત બનવાની કોશિશ કરી રહ્યું છે, પરંતુ ભાજપની આ મૂરાદ પુરી નહીં થાય.

રેશ્માએ ભાજપ પર પ્રશ્નો ઉઠાવતા કહ્યું છે કે, પાર્ટી મજબૂત છે તો કોંગ્રેસના નેતાઓને શા માટે ભાજપમાં જોડવામાં આવી રહ્યા છે ? તો વધુમાં જણાવ્યું છે કે  ભાજપના લોકશાહી જેવું કશું બચ્યું નથી અને પક્ષનું સંચાલન સરમુખત્યાર પદ્ધતિથી થઇ રહ્યું છે.

ભાજપ જે કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાત કરી રહ્યા હતા તે ઘૂંટણીયે પડીને કોંગ્રેસના નેતાઓને પોતાનામાં જોડાવા લાચાર બન્યા છે. રેશ્મા પટેલે ભાજપને આકરા સવાલો પુછ્યા કે, શું ભાજપ પાસે તૈયાર કરેલા નેતા નથી ?

કોંગ્રેસમાંથી તૈયાર થયેલા નેતાઓને પાર્ટીમાં જોડી ભાજપ શું સાબિત કરવા માંગે છે?

રેશમા પટેલે વધુમાં જણાવ્યું છે કે, હું લોકસભાની ચૂંટણી લડીશ જ અને લડવાની જ છું. મારે સમાજની મહિલાઓ, યુવાઓ માટે કામ કરવુ છે, એટલે હું વિપક્ષમાં બેસીને ચૂંટણી લડીશ.

આ ઉપરાંત રેશમા પટેલ લોકસભા ચૂંટણીમાં હાર્દિકને મદદ કરશે તેવું પણ જણાવ્યું છે.