શ્રાવણના સોમવારે શિવજીની પૂજા કરતી વખતે રાખો આ બાબતનું ધ્યાન..

Spread the love

૧૯ તારીખે શ્રાવણનો ત્રીજો સોમવાર આવી રહ્યો છે. શ્રાવણના સોમવારના વ્રતને શ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે. કહેવાય છે કે શ્રાવણના દરેક સોમવાર ખાસ હોય છે.

આ દિવસોમાં જો જાતક સાચા મનથી શિવની ઉપાસના કરે છે તો ભગવાન શિવ તેની બધી જ ઈચ્છાઓ પૂરી કરી દે છે. શ્રાવણના ત્રીજા સોમવારના દિવસે શ્રીવત્સ યોગ, રવિ યોગ અને હસ્ત નક્ષત્ર પણ રહેશે. આ રીતે આ દિવસ ઘણો શુભકારી રહેવાનો છે.

શ્રાવણ સોમવારની પૂજા વિધિ

સ્કંદપુરાણ અનુસાર શ્રાવણના સોમવારનું વ્રત રાખનારા જાતકોએ એક ટાણાનું ભોજન કરવાનો નીમ લેવો જોઈએ. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. પાર્વતીજીની પુષ્પ, ધૂપ, દીવા અને જળથી પૂજા કરવી જોઈએ.

ત્યારબાદ ભગવાન શિવને દૂધ, જળ, કંદમૂળ વગેરે અર્પિત કરવા. શ્રાવણના પ્રત્યેક સોમવારે ભગવાન શિવને જળ અવશ્ય અર્પિત કરવું જોઈએ. ભગવાન શિવના જળાભિષેકમાં ભંગ, ધતુરો, અક્ષત, સફેદ ફૂલ, ધૂપ, સફેદ ચંદન વગેરે વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ.

પ્રસાદમાં કોઈ ફળ અથવા તો મીઠાઈ ચડાવવી જોઈએ. રાત્રે જમીન પર ઊંઘવું જોઈએ. ત્યારબાદ શિવના મંત્રોનો રુદ્રાક્ષની માળાથી જાપ કરવો જોઈએ. શિવ ચાલીસા અને સાંજના સમયે શિવ પુરાણનો પાઠ કરવો જોઈએ.

શ્રાવણના સોમવારે શિવની પૂજા કરતી વખતે જરૂરથી યાદ રાખવી આ બાબતો

ભગવાન શિવની પુજાના સમયે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભૂલથી પણ શિવજી પર હળદર, તુલસીના પત્તા, કેતકીના ફૂલ અર્પિત ના કરવા. જો તમે આવું કરી દેશો તો તમને વ્રતનું પૂર્ણ ફળ પ્રાપ્ત નહીં થાય.

જે જાતકોએ વ્રત નથી રાખ્યું તેઓ પણ આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરીને તેમને પ્રસન્ન કરી શકે છે. તેના માટે તમે શ્રાવણના સોમવારના દિવસે બ્રહ્મ મુહુર્તમાં જાગો. ઘરની સફાઈ કરીને સ્નાન કરી લો. ત્યારબાદ સમગ્ર ઘરમાં ગંગા જળ અથવા પવિત્ર જળ છાંટો.

ઘરમાં મંદિર અથવા કોઈ પવિત્ર સ્થાન પર ભગવાન શિવની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો. ધ્યાન રાખવું કે શ્રાવણના સોમવારના દિવસે ભગવાન શિવની સાથે સાથે દેવી પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે. પછી તાંબાના લોટા અથવા કોઈ અન્ય પાત્રમાં જળ ભરીને તેમાં ગંગાજળ મિલાવી લેવું.

ત્યારબાદ શિવજીને તે જળથી જળાભિષેક કરવું અને તેના પર ભાંગ, ધતુરો, અક્ષત, સફેદ ફૂલ, ધૂપ, સફેદ ચંદન વગેરે વસ્તુઓ અર્પિત કરવી. પ્રસાદમાં કોઈ ફળ અથવા મીઠાઈ ચડાવવી. શ્રાવણના સોમવારના દિવસે રુદ્રાભિષેક કરવું ફળદાયી માનવામાં આવે છે.