નરેન્દ્ર મોદીના પીએમ બનવા પાછળ છે સુષમા સ્વરાજનો મોટો ફાળો.. જાણો કઈ રીતે

Spread the love

વર્ષ ૨૦૧૪ નો સમય હતો. કેન્દ્રની મનમોહનસિંહ સરકાર સામે અન્ના – કેજરીવાલ જેવા લોકો આંદોલન કરી રહ્યા હતા જનલોકપાલ માટે, ભાજપ અને એની સંસ્થાઓ ભારે વિરોધ પ્રદર્શનો કરી રહી હતી અને દસ વર્ષની સત્તા બાદ કોંગ્રેસની સામેનું એક વાતાવરણ હતું. ભાજપની સરકાર બની અને નરેન્દ્ર મોદી પીએમ બન્યા.

જો કે આ બધું રાતોરાત નથી થયું. વર્ષ ૨૦૦૯ માં ભાજપે લોકસભા ચૂંટણીમાં મોટા સપના જોયા હતા, સરકાર બનાવીને અડવાણી પીએમ બનવા માટે તૈયાર થઇ રહ્યા હતા, પરંતુ ભાજપ ખરાબ રીતે હારી અને ફરીથી વધારે બેઠકો સાથે કોંગ્રેસે યુપીએ સરકારની રચના કરી.

૨૦૦૯ ના વર્ષમાં યુપીએ ૨ ની સરકાર રચાઈ, ડૉ. મનમોહનસિંહ ફરીથી વડાપ્રધાન બન્યા. ભાજપનું લક્ષ્ય સત્તા હતી. સત્તા ના મળતા હવે ભાજપ માટે અસ્તિત્વનો સવાલ હતો કારણકે તેને બેઠકો ઘણી ઓછી મળી હતી.

ત્યારે ૨૦૦૯ થી ૨૦૧૪ ની ૫ વર્ષની યુપીએ – ૨ ની ટર્મ માટે લોકસભા ભાજપના નેતા એટલે કે વિપક્ષના નેતા તરીકે નિમાયા વિદિશાના સાંસદ સુષમા સ્વરાજ.

આ ટર્મ બાદની ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઇ. જનલોકપાલના નામે આંદોલન કરીને આજે શોધ્યા ના મળતા અન્ના હજારે અને તેમની ટીમ તેમજ દિલ્હીના સીએમ બની ગયેલા કેજરીવાલ અને તેમની ટીમ તો ૨૦૧૧ પછી સક્રિય થઇ.

પરંતુ યુપીએ સરકાર લોકસભામાં કોઇપણ બિલ લાવે તેના પર એકલા હાથે કાયમ સુષમા સ્વરાજ વિરોધ કરતા, જો કે અમુક બિલ પસાર કરવાના હોય ત્યારે સોનિયા ગાંધી સામેથી સુષમા સ્વરાજ સાથે બેઠક કરતા, એટલે તેઓને સરકાર સાથે પણ સારા સબંધ હતા.

લોકસભાની અંદર મજબુત વિપક્ષની ભૂમિકા ભજવીને સત્તા પક્ષને અરીસો બતાવવાનું કાર્ય સુષમા સ્વરાજ કરતા જેનાથી માનસિક રીતે સત્તાધારીઓ વિરોધનો સામનો કરવા તૈયાર રહેતા અને વિપક્ષને પણ માન આપતા, અહંકારમાં ના આવી જતા.

સત્તાધારી કોંગ્રેસની વિપક્ષ સાથે સારા સબંધ, સરળ નીતિના કારણે વિપક્ષને વિરોધ કરવાનું મોકળું મેદાન મળી જતું આમ સરકાર બની તેના પહેલા જ દિવસથી જનતામાં વિપક્ષ છવાયેલો રહેતો.

જો ગૃહમાં સરકારને વિપક્ષ મજબુતીથી ઘેરે તો તેની અસર બહાર પણ કાર્યકરોના મનોબળ પર પડે. હિન્દી ભાષા પર પકડ, વિવિધ વિષયો પર સારું સંશોધન અને અનુભવના આધારે સુષમા સ્વરાજ ગૃહમાં મજબુત વિપક્ષની ભૂમિકા ભજવતા.

આથી ધીમે ધીમે બહાર પણ તેની અસર દેખાવા લાગી અને યુપીએ સરકાર સામે વિરોધ વધતો ગયો, આમ યુપીએ સરકારની સામે ઉભા થયેલા મજબુત વિરોધનો પાયો નાખવામાં સુષમા સ્વરાજનો મોટો ફાળો છે.

જેના પર અલગ અલગ પ્રદર્શનો, આંદોલનો અને બાદમાં ભાજપનો ચૂંટણી પ્રચાર છવાઈ ગયો. જેનું સીધું ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદીને મળી ગયું અને તેઓ વડાપ્રધાન પદ પર પહોંચી શક્યા. આમ તેઓને વડાપ્રધાન બનવા પાછળ ત્યાં સુધીની પાંચ વર્ષની વિપક્ષના નેતાની સુષમા સ્વરાજની કામગીરીને નજરઅંદાજ કરી શકાય નહીં.