અમદાવાદમાં આ સ્થળે બનશે ‘તાજ’ ગ્રુપની ગુજરાતની સૌથી મોટી ફાઈવ સ્ટાર હોટલ.. જાણો

Spread the love

ગુજરાતના સૌથી મોટા શહેર અને આર્થિક રાજધાની એવા અમદાવાદમાં હવે દેશ વિદેશની કંપનીઓની રીજનલ ઓફીસ ખુલવા લાગી છે. અમદાવાદ રાજ્યની મધ્યે હોવાથી પણ વ્યાપાર ઉદ્યોગનું કેન્દ્ર છે.

તો દેશના પણ મધ્ય ભાગનું સૌથી મોટું શહેર હોવાથી તેમજ દિલ્હી – મુંબઈ કોરીડોરમાં આવતું હોવાથી વિશેષ ધોરણે વિકસ્યું છે.

તો તેની સાથે સાથે અમદાવાદમાં વી.આઈ.પી. અવરજવર વધી છે, જેના કારણે ફાઈવ સ્ટાર હોટલોની ડિમાંડ વધી છે. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં અનેક ફાઈવ સ્ટાર હોટલો ખુલી છે. તેમજ આવનારા સમયમાં અનેક નવી હોટલો ખુલી રહી છે.

અત્યારસુધી અમદાવાદના પોશ તેવા જજીસ બંગ્લોઝ રોડ પર આસોપાલવ જંકશન નજીક જ આઈટીસીની ફાઈવ સ્ટાર હોટલ બની રહી હતી જેને ગુજરાતની સૌથી મોટી હોટલ બની રહી છે તેવું કહેવાઈ રહ્યું હતું પરંતુ આઈટીસી નર્મદા હજુ બને તે પહેલા જ તેનો રેકોર્ડ તૂટી ગયો છે.

આઈટીસી નર્મદા ૨૯૪ રૂમ્સ સાથે હેરીટેજ થીમ પર બની રહી છે તો હવે સંકલ્પ ગ્રુપ અને ટાટા ગ્રુપના સહયોગથી અમદાવાદમાં તાજ હોટલ બનશે.

સંકલ્પ ગ્રુપે ટાટા ગ્રુપની ઇન્ડીયન હોટલ્સ કંપની લિમિટેડ સાથે અમદાવાદમાં હોટલ બનાવવાના એગ્રીમેન્ટ કર્યા છે. ‘ધ તાજ’ ના બ્રાંડ નેમ સાથે શરુ થનારી ગુજરાતમાં સૌથી વધુ રૂમ ધરાવતી ફાઈવ સ્ટાર હોટલ હશે.

સંકલ્પ જૂથના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર કૈલાશ ગોયેન્કાએ જણાવ્યું હતું કે, “Rs ૩૦૦ કરોડના વધુ રોકાણ આ પ્રોપર્ટીમાં થશે. હાલમાં બાંધકામની કામગીરી ચાલુ છે.

ટાટા ગ્રુપ સાથે જોડાણ અગાઉ અમે તેમની જરૂરિયાત મુજબના હોટલનાં બાંધકામમાં મોટા પાયે ફેરફાર કર્યા છે. આ હોટેલ ૧.૪ એકરમાં વિસ્તરેલી રહેશે.

ટાટા ગ્રુપે આપેલા સ્પેસિફિકેશન મુજબ હોટેલનું નિર્માણ કામ ચાલે છે. છેલ્લાં ચાર મહિનાથી આ જોડાણ અંગે તમામ બાબતો નક્કી કરાઇ હતી હવે કરાર કરવામાં આવ્યા છે.

અમે આ બિઝનેસમાં જ હોવાથી અમારા માટે આ બ્રાન્ડ સાથે જોડાવાથી વધુ સારાં પરિણામ મળશે.” ટાટા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ દેશ વિદેશમાં ૧૭૯ લકઝરી હોટેલ ચલાવે છે, જયારે અમદાવાદનું સંકલ્પ ગ્રુપ દેશ વિદેશમાં ૧૫૦ થી વધુ સાઉથ ઇન્ડીયન રેસ્ટોરાંની પ્રખ્યાત ચેઇન ચલાવે છે.

ટાટા જૂથ અમદાવાદમાં એરપોર્ટ નજીક ઉમેદ હોટેલ્સ (રોયલ મેનોર) સાથે તાજ ઉમેદ સંયુકત નામથી હોટેલ્સ ચલાવતી હતી. જોકે દોઢ વર્ષથી તાજ ગ્રુપેઆ હોટેલ સાથે કરાર રદ કર્યો હતો, જે હાલમાં ધી ગેટવે ઉમ્મેદના નામે ચાલી રહી છે ત્યારે ગુજરાતના હબ અમદાવાદમાં જ ટાટા ગ્રુપની કોઈ હોટલ રહી નહોતી.

જેને પગલે ટાટા જૂથ અમદાવાદમાં હોટલ શરુ કરવાનું શોધી રહી હતી ત્યારે હવે અંતે સંકલ્પ જૂથ સાથે તાજ ગ્રુપ આ કરાર કરીને તેમની જરૂરિયાત મુજબની લકઝરી હોટેલ સ્થાપશે.

સંકલ્પ ગ્રુપના ચેરમેન ગોયન્કાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે આગામી દસ મહિનામાં આ હોટેલને કાર્યરત કરવાની યોજના ધરાવીએ છીએ. અને તે જોતાં ડિસેમ્બર- જાન્યુઆરી, ૨૦૨૦ માં હોટેલ ચાલુ થવાનો અમારો અંદાજ છે.

આ હોટલમાં ૩૧૫ રૂમ્સ હશે. આ ફાઈવ સ્ટાર હોટલ અમદાવાદના પોશ અને નવા વિકસતા એરિયા તેવા સિંધુ ભવન રોડ પર એસપી રિંગ રોડના છેડા પાસે જ તૈયાર થઇ રહી છે.