સાપુતારાના રસ્તે બસ કે કાર દ્વારા નહીં પણ આ રીતે કરો પ્રવાસ, જીવનભર રહી જશે યાદ

Spread the love

ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા પ્રવાસીઓમાં ઘણું લોકપ્રિય છે. સાપુતારામાં ચારે તરફ હરિયાળી પથરાયેલી છે, પર્વતો અને સુંદરતાથી છવાયેલા આ રમણીય સ્થળ પર બારેય મહિના પ્રવાસીઓનો ધસારો રહે છે.

સુંદર નજારા, ધોધ અને ઐતિહાસિક સ્થળો જેવા આકર્ષણોથી લોકો સાપુતારાની ટ્રીપ કરતા હોય છે. ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સાપુતારા ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે.

સાપુતારાના સ્થળના નજારા ઉપરાંત ત્યાં જવાનો રસ્તો પણ ગજબ છે. વાંકા ચુકા રસ્તા પર લોકોને મુસાફરી કરવાનો અદ્ભુત આનંદ આવતો હોય છે. ડર સાથેના આ આનંદને પણ ઘણા લોકો માણતા હોય છે.

ત્યારે સાપુતારા જવા માટે સરકારી અને ખાનગી અનેક બસો ઉપલબ્ધ હોય છે તો લોકો કાર દ્વારા પણ ટ્રાવેલ કરતા હોય છે. પરંતુ સાપુતારાના રસ્તાના કુદરતી સૌદર્યને વધુ નજીકથી માણવું હોય તો તમે જાવ ટ્રેનથી..

હા ટ્રેનમાં, હવે તમને પ્રશ્ન થશે કે સાપુતારા કઈ ટ્રેઈન જાય ? તો સાપુતારાથી નજીકના સ્ટેશન વઘઈ સુધી એક ટ્રેન જાય છે.

આ ટ્રેન પણ કઈ સીધી સાદી નથી પણ દેશમાં ગણતરીની નેરોગેજ ટ્રેન બચી છે તેમાંની એક છે.

ક્યાંથી મળશે આ ટ્રેઈન ?

આ ટ્રેન નવસારી જિલ્લાના બિલિમોરાથી ઉપડે છે અને ડાંગ જિલ્લાના વઘઈ સુધી જાય છે. વઘઈથી આપ અન્ય વાહન દ્વારા ૫૦ કિમી દુર સાપુતારા જઈ શકો છો.

આ નેરોગેજ ટ્રેન ૧૦૫ વર્ષ જૂની છે, નાના મોટા રીપેરીંગ સિવાય આ ટ્રેઈન એકદમ અસલ કંડીશનમાં છે એટલે કે હેરીટેજ જ છે.

આ રમકડા જેવી લાગતી નેરોગેજ ટ્રેઈન ૬૧ કિમીનું અંતર કાપવામાં ૩ કલાક લગાડે છે એટલે કે દર કલાકે ૨૧ કિલોમીટર જ ચાલે છે.

જંગલ વિસ્તાર, વચ્ચે ટોટલ નવ સ્ટેશનો પર ઉભી રહે છે, તેમજ વાંકાચૂકા અને પહાડી વિસ્તાર હોવાથી તે ધીમે ચાલે છે.

આ ટ્રેનમાં મુસાફરી કરવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની શરૂઆતનો છે, ત્યારે જંગલ વિસ્તારની હરિયાળી જોઇને આહ્લાદક અનુભવ થાય અને તાજગીભર્યું ફિલ કરી શકાય.

નોંધનીય છે કે સાપુતારા અને ડાંગ જિલ્લો ગુજરાતના ચેરાપુંજી કહેવાય છે એટલે વધારે વરસાદ જામી ગયા પછી અમુક તકલીફોનો સામનો કરવો પડી શકે છે એટલે થોડોક વરસાદ થાય બાદ આ ટ્રેનની સફર કરીને વઘઈ સુધી પહોંચવાની એક અલગ જ મજા આવશે.

આ ટ્રેન સ્પીડમાં તો ચાલી જ શકે છે પરંતુ ઢાળવાળા પહાડી માર્ગ અને જંગલ વિસ્તારને કારણે તે કલાકના ૨૦ થી ૨૧ કિમીનું જ અંતર કાપે છે.

તો મહત્તમ સ્થાનિકો માટે બીલીમોરાથી ઉપડી વઘઈ સુધી જતી આ ટ્રેન ઉપયોગી છે, તો ઈન્ટરનેટ પર આ અંગેની માહિતી ફર્યા બાદ ઘણા પ્રવાસીઓ પણ આ ટ્રેનમાં પ્રવાસ માણવા સફર કરે છે.

આણંદના જિગર વાઘેલા નામના યુવાને આ અંગેના પોતાના અનુભવ કહેવા સાથે જણાવ્યું હતું કે, સાપુતારા પહોંચીને ત્યાં ફરવાથી વિશેષ આનંદ આ ટ્રેનમાં મુસાફરી કરવામાં આવશે.

તેમને એકવાર ઓચિંતાનો આવો કાર્યક્રમ ઘડાઈ બાદ અહેસાસ થયો કે વર્ષમાં એક વખત તો આવો પ્રવાસ કરીને દુનિયાને બાજુ પર રાખીને પ્રકૃતિની ખોજમાં જઈને માનસિક શાંતિનો અને પ્રસન્નતાનો અનુભવ કરવો જ જોઈએ..

જો કે આ ટ્રેન છેક સાપુતારા સુધી તો નથી જતી, છેલ્લે વઘઈ સ્ટેશન સુધી જ જાય છે એટલે વધુ આગળ જવા આપે વઘઈથી સાપુતારા સુધી રોડ માર્ગે કોઈ વાહન પકડવું પડે.

વઘઈથી સાપુતારાનું અંતર અંદાજે ૫૦ કિમી જેટલું છે. પરંતુ કંઈક અલગ અનુભવ કરવા, ચોમાસાની સિઝનની શરુઆતમાં વઘઈથી સાપુતારા સુધીની વ્યવસ્થા સુનિશ્ચિત કરીને આ ટ્રેનમાં સફર કરશો તો તે અનુભવ આખી જિંદગી યાદ રહી જશે.

જુઓ એક પ્રવાસીઓ ઈન્ટરનેટ પર મુકેલો આ ટ્રેઈનનો વિડીયો :

સોર્સ : યુટ્યુબ