આર્ટીકલ ૩૭૦ ની નાબુદી બાદ હવે સરકાર કયું મોટું કામ કરવાની છે.. જાણો આ નેતાએ શું કહ્યું

Spread the love

કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબુદી પર આજે દરેક જગ્યાએ ચર્ચા છે, કલમ ૩૭૦ ની નાબુદી કરીને સરકારે મોટું પગલું ભર્યું છે ત્યારે હવે આગળના દિવસોમાં સરકાર શું મોટા એક્શન લેશે તે જાણવામાં પણ સૌને રસ જાગ્યો છે.

ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવે આ અંગે જણાવ્યું છે. ભાજપની સાંસ્કૃતિક ઓળખ ત્રણ બાબતો પર છે, રામ મંદિર, આર્ટીકલ ૩૭૦ અને કોમન સિવિલ કોડ.

ત્યારે આમાંથી એક કામ કર્યા બાદ હવે બાકીના પર શું કહેશો તેવા સવાલના જવાબમાં રામ માધવે જણાવ્યું છે કે, ત્રિપલ તલાક ખત્મ કરવા જેવા કાયદાઓની સાથે સાથે સમાન આચાર સંહિતા તરફ આગળ વધી રહ્યા છીએ. ભારત એક દેશ છે, અહીયાના કાયદા પણ સૌના માટે એક સમાન જ હોવા જોઈએ.

જનસંઘના દિવસોથી આજ સુધી, આ અમારી પ્રાથમિક માંગણી રહી છે. મને વિશ્વાસ છે કે આવનારા ત્રણ – ચાર વર્ષોમાં અમે આ મુદ્દાઓની દિશામાં પણ આગળ વધીશું. કદાચ ૨૦૨૪ માટે અમારે નવા મુદ્દાઓ શોધવા પડશે. કારણકે અમે અમારા મોટા વચનો પુરા કરી ચુક્યા હોઈશું. પક્ષના કાર્યકર તરીકે તો હું આવું જ ઈચ્છીશ.

પીડીપી સાથે ગઠબંધન કરીને ભાજપે એક સમયે સરકાર બનાવી હતી તેના પર તેમણે જણાવ્યું છે કે, અમારા સૌના મગજમાં એક રોડમેપ હતો, છેલ્લા ત્રણથી ચાર વર્ષોમાં અમે જે પણ કર્યું, તે આ રોડમેપને ધ્યાનમાં રાખીને કર્યું. અમારી જોડે જમ્મુ કાશ્મીરમાં સરકારમાં જોડાવાની તક આવી.

અમે તેવું પણ કર્યું. અમે પીડીપી સાથે ગઠબંધન કર્યું. અમારી સામે બે કારણ હતા આવું કરવાના, એક તો તે વિચાર કે જમ્મુ કાશ્મીરમાં ભાજપ સત્તામાં નથી આવી શકતી.

બીજું કે અમારી સાથે ગઠબંધન કરતા પહેલા પીડીપી ને અલગાવવાદીઓનો અવાજ માનવામાં આવતી. આવી પાર્ટીએ રાષ્ટ્રીય ભાવનાઓ અનુસાર ચાલવું પડ્યું.

પીઓકે અને અખંડ ભારત અંગેના સવાલ પર રામ માધવે કહ્યું કે, અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ આર્ટીકલ ૩૭૦ નાબુદ થવી જોઈએ. આ કામ હવે થઇ ચુક્યું છે. હવે જ્યાં સુધી પીઓકેની વાત છે, હું ૧૯૯૪ માં પસાર કરવા આવેલા ભારતીય સંસદના એક પ્રસ્તાવની તરફ દેશનું ધ્યાન દોરવા માંગીશ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે એક મુદ્દો બચ્યો છે, તે છે પીઓકે.

આ કોઈ રાજકીય પક્ષનો પ્રસ્તાવ નહોતો. ભારતીય સંસદના એકમતથી પસાર કરવામાં આવેલું રીઝોલ્યુશન હતું.

પીઓકેનો હિસ્સો છે તેને આપણે કાયમથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહ્યું છે, આ જ પોતાનામાં ઘણું મહત્વ રાખે છે. તે આપણી જમીન છે, જેના પર પાકિસ્તાને ખોટી રીતે અને ગેરકાયદેસર કબજો કરેલો છે.

ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરીડોરમાં ના જોડાવાનું આપણું સૌથી મોટું કારણ આ સવાલ હતો. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનીશીએટીવ આપણી મંજુરી વગર પીઓકેમાં થઈને કેમ પસાર થાય છે? તે આપણી જમીન છે અને પાકિસ્તાને તેના પર ગેરકાયદેસર કબજો કરેલો છે, તેના પર સમગ્ર દેશ એકમત છે. ભવિષ્યમાં શું થશે એતો ભવિષ્ય જ કહેશે.