કેમ ગુજરાતમાં આ વખતે અગાઉ કરતાં એક અઠવાડિયું વહેલી યોજાઈ રહી છે લોકસભા ચૂંટણી

Spread the love

દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે, તેમાંય ગુજરાતમાં તો ઉમેદવારોના ફોર્મ ભરાઈ ગયા છે. સૌ કોઈ ૨૩ એપ્રિલની રાહ જોઈ રહ્યું છે. ઉમેદવારો જીતવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે.

ત્યારે આ વખતે કદાચ તમને પ્રશ્ન થયો હોવો જોઈએ કે છેલ્લી ૩ લોકસભા ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે ગુજરાતમાં એક અઠવાડિયું વહેલી ચૂંટણી યોજાઈ રહી છે.

ગુજરાતમાં ૨૯ – ૩૦ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાતી હોય છે પરંતુ આ વખતે એક અઠવાડિયું વહેલી એટલે કે ૨૩ એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે.

હવે તેના કારણમાં ઊંડા ઉતરીએ તો ગત વર્ષે ગુજરાતમાં વરસાદ ઘણો ઓછો થયો હતો, ગયા ઉનાળામાં પણ પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ હતી.

જેમ જેમ ઉનાળાના દિવસો જતાં જાય તેમ તેમ પાણીની સમસ્યા વિકટ બનતી જાય, ગુજરાતમાં ખેતી અને પાણી પણ એક મોટો મુદ્દો છે. તો ૨૯ – ૩૦ એપ્રિલ એટલે એકદમ ઉનાળો જામી ગયો હોય.

આથી વધુ વહેલા તો શક્ય નહોતું પણ બની શકે તેટલી જલ્દીમાં ૨૩ એપ્રિલે ગુજરાતમાં ચૂંટણી રાખવામાં આવી. સામાન્યપણે એકાદ દિવસ આગળ પાછળ હોઈ શકે પરંતુ આ વખતે સીધું જ એક અઠવાડિયું વહેલી તારીખ આપવામાં આવી.

તો ઉનાળાની ગરમીમાં ઉમેદવારો માટે પ્રચાર કરવો પણ મુશ્કેલ બનતો હોય છે, લોકોની ભીડ લાવવી, લોકોને બેસાડી રાખવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં સમસ્યાઓ ઉભી થાય.

ગુજરાતમાં આ વર્ષે પણ પાણીની સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે તેવામાં જો ચૂંટણી બને તેટલી વહેલી યોજાઈ તો ત્યાં સુધી પાણીની વ્યવસ્થા મેનેજ કરી શકાય અને લોકોના રોષનો ભોગ બનતું બચી શકાય.

નહિતર જો સામાન્ય સમયે ચૂંટણી યોજાય તો વર્તમાન ભાજપ સરકાર પર સૌની યોજના ને આની યોજના ને તેની યોજનાની મોટી મોટી વાતો કર્યા બાદ પણ પાણીની વિકટ સમસ્યાના માછલા ધોવાય અને લોકસભાની ચૂંટણીમાં મોટું નુકસાન થાય.